Close

September 3, 2011

Press Note Guj Dt: 03/09/2011 on Lokayukat

Click here to view / download press note.

 

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                               તા.૩.૦૯.ર૦૧૧

 

       ગુજરાતના કોંગ્રેસપક્ષના ધારાસભ્‍યશ્રીઓ, ગુજરાત કોંગ્રેસના સંસદસભ્‍યશ્રીઓ તથા ગુજરાત કોંગ્રેસની કોર કમિટિના સભ્‍યશ્રીઓ તા. ૬.૯.ર૦૧૧ને મંગળવારના રોજ સવારે-૧૧-૦૦ કલાકે માન. રાષ્‍ટ્રપતિશ્રીને  ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિના મુદ્દા અંગે આવેદનપત્ર આપશે. ભાજપ દ્વારા સદંતર જુઠ્ઠાણાઓ ફેલાવીને લોકાયુક્તની નિયુક્તિ ગેરકાયદેસર રીતે થઇ હોવાનો હાઉ પેદા કરેલો છે, તેમાં ખરેખર કાયદાકીય અને વાસ્‍તવિક પરિસ્થિતિ શું છે તેનો વિગતવાર ચિતાર માનનીય રાષ્‍ટ્રપતિશ્રીને કોંગ્રેસના ડેલીગેશન દ્વારા આપવામાં આવશે.

       બદઇરાદાથી ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ યેનકેન પ્રકારે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ સાડા સાત વર્ષ સુધી ખોરંભે પાડી હતી. સત્‍ય હકીકત જોઇએ તો ભૂતકાળમાં જસ્‍ટીસ ડી. એચ. શુકલ સાહેબ (૧૯૮૮-૧૯૯૩), જસ્‍ટીસ આઇ. સી. ભટ્ટ સાહેબ (૧૯૯૩-૧૯૯૮) અને જસ્‍ટીસ એસ. એમ. સોની સાહેબ(૧૯૯૮-ર૦૦૩)ની નિયુક્તિ ગવર્નર સાહેબના જ સહી અને સિક્કાવાળા વોરંટથી થઇ હતી. આ નિમણુંકો વખતે ક્યારેય ગવર્નર સાહેબને મંત્રીમંડળનો ઠરાવ લોકાયુક્તની નિયુક્તિમાં સલાહ કે મદદ માટે આપવામાં આવ્‍યો ન હતો.

       કેટલાંક નીચે મુજબના મહત્‍વના મુદ્દાઓ કોંગ્રેસનું ડેલીગેશન માન. રાષ્‍ટ્રપતિશ્રીને પોતાના આવેદનપત્રમાં આપશે.

૧.     ભા.જ.પ.ના સમયમાં જ ગુજરાતમાં ગવર્નર તરીકે રહેલાં શ્રી સુંદરસિંહજી ભંડારીએ  જે-તે વખતના વિરોધપક્ષના નેતા અમરસિંહભાઇ ચૌધરીએ ઉપસ્થિત કરેલાં મુદ્દામાં જજમેન્‍ટ આપ્‍યું હતું કે, લોકાયુક્તની નિયુક્તિમાં ચીફ જસ્‍ટીસ સાહેબનું જ મોકલાયેલું નામ આખરી ગણાય અને તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરી શકે નહીં.

ર.        ગુજરાત લોકાયુક્તનો કાયદો બનાવવા માટે સર્વ પક્ષીય બેઠક મળી તેમાં ભાજપના નેતા મકરંદભાઇ દેસાઇ તેમજ ૧૯૮૬માં કાયદો પસાર થયો ત્‍યારે ભા.જ.પ.ના નેતા સુરેશભાઇ મહેતાએ લોકાયુક્તની નિયુક્તિના પાવર ગર્વનર પાસે જ રહેવા અંગે સ્‍પષ્‍ટ જણાવેલ હતું.

૩.     ગુજરાત લોકાયુક્તનો કાયદો સ્‍વયં સ્‍પષ્‍ટ છે અને તેના કાયદાની કલમ-૩ મુજબ ગવર્નર સાહેબે લોકાયુક્તની નિયુક્તિ કરવાની થાય છે.

૪.        ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને તટસ્‍થ લોકાયુક્ત ખપતા જ નથી અને તેમને તો માત્ર પોતાને ગમે તે જ વ્‍યક્તિ લોકાયુક્ત તરીકે જોઇતી હતી.જસ્‍ટીસ એસ. ડી. દવે સાહેબના નામ અંગે પણ તેમણે વિરોધ કર્યો હતો અને પોતે ઇચ્‍છે તે જ લોકાયુક્ત બને અને જો એમ ન થાય તો લોકાયુક્તની જગ્‍યા ભરવા જ ન દેવી તેવા પ્રયત્‍નો મુખ્‍યમંત્રીશ્રીએ કરેલાં હતાં.

 

પ.        જસ્‍ટીસ આર. એ. મહેતા સાહેબનું નામ તટસ્‍થ અને પ્રામાણિક વ્‍યક્તિ તરીકે જાણીતું છે. શ્રી અન્ના હજારેજી પણ જસ્‍ટીસ આર. એ. મહેતા સાહેબને તટસ્‍થ હોવા અંગેનું તેમને ત્‍યાં રોકાઇને પ્રમાણ આપી ચૂક્યા છે.

૬.        ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને સમગ્ર કાયદામાં કોઇપણ જગ્‍યાએ લોકાયુક્તની નિયુક્તિમાં હસ્‍તક્ષેપ કરવાનો અધિકાર જ નથી.

૭.        વિરોધપક્ષના નેતાએ સહયોગ આપ્‍યો નથી તે સદંતર જુઠ્ઠાણું છે. જસ્‍ટીસ એસ. ડી. દવે સાહેબ અને જસ્‍ટીસ આર. એ. મહેતા સાહેબના નામ અંગે માન. રાજ્યપાલશ્રી સાથે પરામર્શ કર્યો હતો અને મુખ્‍યમંત્રીશ્રીને આ બન્‍ને પ્રસંગોએ સામેથી પત્ર લખીને જણાવ્‍યું હતું કે, માન. ચીફ જસ્‍ટીસ સાહેબે મોકલેલાં નામ અંગે વિરોધપક્ષના નેતા સહમત છે અને આ પરામર્શ આપે કરવાનો રહેતો હોતો નથી. એમ છતાં જો આપને એમ લાગતું હોય કે પરામર્શ આપે જ કરવાનો છે તો વિરોધપક્ષના નેતાના આ પત્રને પરામર્શ ગણી લેવો અથવા સમગ્ર પ્રક્રિયામાં જ્યાં અને જયારે જરુર હોય ત્‍યારે વિરોધપક્ષના નેતા તરીકે ઉપસ્થિત રહીશું.

૮.        જો ગુજરાત લોકાયુક્તના કાયદા મુજબ મંત્રીમંડળની સલાહ મુજબ જ રાજ્યપાલશ્રીએ વર્તવાનું હોય તો ગુજરાત સરકારે જસ્‍ટીસ એસ. ડી. દવે કે જસ્‍ટીસ આર. એ. મહેતા સાહેબના નામો અંગે શા માટે કેબિનેટનો ઠરાવ ન મોકલ્‍યો ?

૯.     સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવા આવી ત્‍યારે કાયદાની કલમ-૩ને જ બદલી નાંખીને લોકાયુક્તની નિયુક્તિમાં મુખ્‍યમંત્રીશ્રીનું આધિપત્‍ય રહે તેવા એમેન્‍ડમેન્‍ટવાળો ઓર્ડીનાન્‍સ કરવાનો પ્રયત્‍ન મુખ્‍યમંત્રીશ્રીએ શા માટે કર્યો ?

૧૦.   નામદાર સુપ્રિમ કોર્ટના પાંચ જજોની બનેલી બેન્‍ચ દ્વારા માન. રાજ્યપાલશ્રીના ઇન્‍ડીપેન્‍ડન્‍ટ ડિસ્‍ક્રીપ્‍શનરી પાવર વ્‍યાજબી હોવા અંગેનો નિર્ણય પ્રવર્તમાન કિસ્‍સામાં લાગુ પડે છે. આ જજમેન્‍ટમાં બંધારણના આર્ટિકલ-૧૬૩ને  પણ વિસ્‍તૃત રીતે સમજાવવામાં આવેલ છે. આ રીપોર્ટેડ જજમેન્‍ટ (ર૦૦૪) ૮ સુપ્રિમ કોર્ટ કેસીસ પાના નં. ૭૮૮ ઉપર ઉપલબ્‍ધ છે. આજ સુધીની તમામ લોકાયુક્તોની નિમણુંકોમાં માનનીય ચીફ જસ્‍ટીસ સાહેબે એક જ નામ સૂચવેલું છે અને તે નામ રાજ્ય સરકારે હંમેશા સ્‍વીકાર્યુ છે.

૧૧.    માનનીય ચીફ જસ્‍ટીસ સાહેબે જે નામ સૂચવેલું હોય તે નામ કાઉન્‍સીલ ઓફ મીનીસ્‍ટર્સ અને સરકારને સંપૂર્ણ બંધનકર્તા જ રહે છે, તે અંગેનું જજમેન્‍ટ નામદાર સુપ્રિમ કોર્ટે  આપેલું છે, જે (ર૦૦૯) ૭, એસ.સી.સી. પાના નં. ૧ ઉપર સ્‍વયં સ્‍પષ્‍ટ હોવા છતાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ લોકાયુક્ત તરીકે જસ્‍ટીસ  એસ. ડી. દવે સાહેબનું નામ સ્‍વીકારેલું નહીં અને તે અંગે લાંબો વિવાદ કરતાં જસ્‍ટીસ એસ. ડી. દવે સાહેબે મહિનાઓ પછી પોતાનું નામ રિકોલ કરવા વિનંતી કરવી પડી હતી. તેજ રીતે જસ્‍ટીસ આર. એ. મહેતા  સાહેબનું નામ ચીફ જસ્‍ટીસ સાહેબે સૂચવ્‍યા પછી સરકાર અને કાઉન્‍સીલ ઓફ મીનીસ્‍ટર્સને આ નામ અંગે નામદાર સુપ્રિમ કોર્ટના જજમેન્‍ટ મુજબ કોઇ જ અધિકાર ન હોવા છતાં જસ્‍ટીસ આર. એ. મહેતા સાહેબનું નામ બદલાવવા અને પોતાની ઇચ્‍છા મુજબનું જ નામ મૂકવા મુખ્‍યમંત્રીશ્રીએ કરેલાં પ્રયત્‍નો ગેરકાનૂની હતાં.

 

૧ર.   ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ કરોડો રુપિ‍યાનો ભ્રષ્‍ટાચાર કર્યો છે. કોમ્‍૫ટ્રોલર ઓડીટર જનરલ (કેગ) જેવી તટસ્‍થ ઓડિટ એજન્‍સીએ પણ રુપિ‍યા ર૬,૬પ૧ કરોડના ભ્રષ્‍ટાચાર અને ગેર વહીવટ શોધીને આપેલાં છે.

૧૩.    ભાજપ કેન્‍દ્રમાં સ્‍ટ્રોંગ લોકપાલની વાત કરે છે અને ગુજરાતમાં તેમને સી.એમ.ની ઇચ્‍છા મુજબના જ લોકાયુક્ત જોઇએ છીએ.

૧૪.      ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી બંધારણીય અને કાયદાકીય જોગવાઇઓનો સરેઆમ ભંગ કરે છે.

૧પ.     હ્યુમન રાઇટ કમિશનના બે સભ્‍યો મૂકવાની જોગવાઇ છે અને નામદાર હાઇકોર્ટે પણ ટકોર કરી છે, છતાં હ્યુમન રાઇટ કમિશનના સભ્‍યોની નિમણુંક ગુજરાતમાં વર્ષોથી કરવામાં આવી નથી.

૧૬.      આર.ટી.આઇ.ના કમિશ્‍નરની જગ્‍યા ખાલી છે. આર.ટી.આઇ.ના કમિશ્નરની કચેરીમાં ૧૦,૦૦૦ કરતાં વધારે અપીલો પેન્‍ડીંગ છે છતાં કમિશ્નર કે વધારાના સભ્‍યોની નિમણુંક ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી કરતાં નથી.

૧૭.      ગુજરાતની સંસદીય પ્રણાલિકામાં ઉપાધ્‍યક્ષનું પદ કોંગ્રેસને આપવાની પરંપરા હોવાથી છેલ્‍લાં ૧૦ વર્ષથી ગુજરાતમાં ઉપાધ્‍યક્ષની જગ્‍યા જ ખાલી છે.

            ઉપરોકત મુખ્‍ય મુદ્દાઓ અને રાજ્યની અન્‍ય બાબતો અંગેનું વિસ્‍તૃત આવેદનપત્ર માન. રાષ્‍ટ્રપતિશ્રીને વિરોધપક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, એ.આઇ.સી.સી.ના મહામંત્રી મોહન પ્રકાશજી તેમજ કેમ્‍પેઇન કમિટીના ચેરમેન શ્રી શંકરસિંહજી વાઘેલાની આગેવાનીમાં તા. ૬.૯.ર૦૧૧ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે રાષ્‍ટ્રપતિ ભવન ખાતે આપવામાં આવશે.

 —————————————————————————————