Close

February 21, 2015

Press Note Guj Dt:21/02/2015 Swine Flu

Press Note Guj 21.02.2015 Swine Flu

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                                                તા.૨૧.૦૨.૨૦૧૫

 

  • ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ ગુજરાત સરકારની ગુનાહિત બેદરકારીના કારણે વિકરાળ બન્યો છે.
  • WHOની સ્પષ્ટ સુચના છે કે, એમ્બ્યુલન્સને ફયૂમિગેટ કરવીજ જોઈએ કે જે થી સ્વાઈન ફ્લૂ બીજાને થાય નહિ પરંતુ ગુજરાતમાં એમ્બ્યુલન્સને ફયૂમિગેટ કરાતી જ નથી.
  • સ્વાઈન ફ્લૂને ડિટેકટ કરનાર કે સારવાર આપનાર ડોકટરોનીજ મોટા પ્રમાણમાં કચ્છમાં જગ્યાઓ ખાલી છે.
  • સ્વાઈન ફ્લૂથી અસરગ્રસ્ત ગુજરાતમાં સરકારેજ વાઈબ્રન્ટ જેવા ઉત્સવો અને મેરેથોન જેવા મેળાવડાઓ કરીને રોગચાળો વધાર્યો છે.
  • અમદાવાદ હોસ્પિટલના ૪૩% ડોકટરોને મેડીકલ કોલીજોના અંદર ડેપ્યુટેશન થી મોકલી અપાયા છે. જે થી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપનાર જ પૂરતા નથી.
  • RTCT ટેસ્ટ માટેની લેબોરેટરીઓ જિલ્લાઓમાં ઉપલબ્ધ જ નથી.
  • સરકારી આંકડા મુજબ ગુજરાતમાં માત્ર ૫૦ દિવસમાં સ્વાઈન ફ્લૂના ૨૫૩૬ કિસ્સા અને ૧૮૬ મૃત્યુ બિનસરકારી આંકડો ખૂબ મોટો છે.
  • સ્વાઈન ફ્લૂની સારવાર આપનારા ડોકટરોને પણ વેક્સિન આપવાનું સરકારને સુજતુ નથી.
  • કચ્છ જીલ્લો સ્વાઈન ફ્લૂથી ખૂબજ પ્રભાવિત હોવા છતા કચ્છના લોકોની સરકાર દ્વ્રારા ઉપેક્ષા.
  • સ્વાઈન ફ્લૂથી વિધાનસભાના અધ્યક્ષ થી લઈને આમ ગુજરાતી સુધી સૌ કોઈ પ્રભાવિત.  

        સ્વાઈન ફ્લૂના રોગચાળાથી સૌથી વધારે અસરગ્રસ્ત કચ્છ જીલ્લાના અસરગ્રસ્ત લોકો, જીલ્લાના આગેવાનો તથા સ્થાનિક લોકોને મળી ને ભુજ ખાતે થી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, સરકારની ગુનાહિત બેદરકારીના કારણે સ્વાઈન ફ્લૂ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું છે. સ્વાઈન ફ્લૂ ના ફેલાવવાને રોકવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ જે માર્ગદર્શક સૂચનાઓ આપી છે તેનુ ગુજરાત સરકાર પાલન કરતી નથી અને તેથી ગુજરાતના લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. મોટા ભાગના સ્વાઈન ફ્લૂ થી પીડાતા દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ સુધી પોહ્ચાડવામાં આવે છે. WHO ની સ્પષ્ટ સુચના મુજબ જે એમ્બ્યુલન્સમાં સ્વાઈન ફ્લૂ ના દર્દીને બેસાડવામાં આવ્યા હોય તે એમ્બ્યુલન્સને ફયૂમિગેટ (Fumigate) કરવી જ જોઈએ. ગુજરાતમાં આ પ્રકારની એમ્બ્યુલન્સોને  ફયૂમિગેટ કરવામાં આવતી જ નથી અને માત્ર ફિનાઈલનું પોતું મારીને રવાના કરવામાં આવે છે. આ પ્રકારની બેદરકારીના કારણે સ્વાઈન ફ્લૂ  વધતો જ જઈ રહ્યો છે. દર્દીનું તાત્કાલિક નિદાન કરીને જો દર્દીને ટેમીફ્લુ ટેબલેટ આપવામાં આવેતો સ્વાઈન ફ્લૂ ના અસરગ્રસ્ત દર્દીનું મૃત્યુ નિવારી શકાય. કમનસીબે કચ્છ જીલ્લામાં દર્દીને નિદાન કરી આપનાર કે સારવાર આપનારા ડોકટરોજ PHC કે CHC માં ઉપલબ્ધજ નથી. આ કારણોસર સ્વાઈન ફ્લૂ થી પીડાતી વ્યક્તિનું નિદાન જ થતુ નથી અને દર્દીનું મુત્યુ થાય છે તેમજ સ્વાઈન ફ્લૂ નો ચેપ વધારે લોકોને લાગે છે.

       સ્વાઈન ફ્લૂ રોગચાળાની શરૂઆત થતાની સાથે જ જો ગુજરાતને રોગચાળાગ્રસ્ત જાહેર કરીને પૂરતા પગલા લેવાયા હોત તો રોગનું વિકરાળ સ્વરૂપ ન પેદા થયુ હોત.સ્વાઈન ફ્લૂની શરૂઆત થાય કે તુરંતજ મેળાવડાઓ અને સમારંભો બંધ કરાવવા જોઈએ પરંતુ પ્રસિદ્ધિઓ અને ખોટા ઉત્સવોના પ્રચાર માટે સરકારે જ ઉત્સવો અને મેળાવડાઓ ચાલુ રાખ્યા. કચ્છમાં રણોત્સવ અને વાઈબ્રન્ટ ઉત્સવ, પતંગ ઉત્સવ જેવા નામે મેળાવડાઓ તેમજ મેરેથોન જેવા અમદાવાદમાં કાર્યક્રમો થવાથી રોગનો ફેલાવો વધ્યો છે. ભૂતકાળમાં ગુજરાતમાં માત્ર ૯ મુત્યુ સ્વાઈન ફ્લૂથી થયા હતા અને તે વખતના ગુજરાતના મુખ્યમંત્રીને સ્વાઈન ફ્લૂ થયો હતો તો સમગ્ર રાજ્યને સ્વાઈન ફ્લૂ રોગચાળાગ્રસ્ત જાહેર કરીને મેળાવડાઓ અને સમારંભો બંધ કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે મુખ્યમંત્રીને સ્વાઈન ફ્લૂ ન થાય માટે ગમેતેટલા મૃત્યુ થાય કે ગમેતેટલાને સ્વાઈન ફ્લૂ થાય પરતું રાજ્યને રોગચાળાગ્રસ્ત જાહેર ન કરવું તે બરાબર નથી. સરકારી આંકડાઓ મુજબ સ્વાઈન ફ્લૂના ગુજરાતમાં તા. ૨૦ ફેબ્રુઆરી, ૨૦૧૫ સુધીમાં માત્ર એક મહિનો અને વીસ દિવસમાં ૨૫૩૬ કેસ નોધાયા છે અને ૧૮૬ જેટલા મૃત્યુ થયા છે. કચ્છ જીલ્લામાં ૩૬૦ કેસ માત્ર છેલ્લા ૫૦ દિવસમાં નોંધાયા છે અને ૩૧ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. કચ્છ જીલ્લો સૌથી વધારે પ્રભાવિત હોવાથી કચ્છ જીલ્લામાં જ સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ RTCP થઈ શકે તેવી લેબોરેટરી બનાવવા કોંગ્રેસ પક્ષ તરફથી સતત માંગણી છતા ખુબ મોડીમોડી  લેબોરેટરી ચાલુ કરવામાં આવી છે.

       સરકારી હોસ્પિટલોમાં પુરતું ધ્યાન નહી અપાતુ હોવાના કારણે સ્વાઈન ફ્લૂથી અસરગ્રસ્ત લોકોને લાખો રૂપિયાના ખર્ચે પ્રાઈવેટ હોસ્પિટલોમાં જવું પડ્યું છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં બેફામ લુંટ ચાલે છે. સ્વાઈન ફ્લૂ થી મુત્યુ પામેલા ગરીબ અને મધ્યવર્ગના દર્દીઓના પરિવારોને સરકારે આરોગ્યની  સારવાર પાછળ થયેલા ખર્ચની પૂરેપૂરી રકમ વળતર પેટે આપવી જોઈએ તેવી શ્રી ગોહિલે માંગણી કરી છે.

       અમદાવાદ ખાતેની ખૂબ પ્રતિષ્ઠિત સિવિલ હોસ્પિટલમાં થી ૪૩% (૨૮૦ જગ્યા માંથી ૧૨૦ જગ્યા ખાલી છે.) કરતા વધારે ડોકટરોને જુદી-જુદી મેડીકલ કોલેજોમાં ડેપ્યુટેશન પર મોકલી દેવાયા છે. પરિણામે સ્વાઈન ફ્લૂથી અસરગ્રસ્ત દર્દીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપનાર પૂરતા ડોકટરોજ નથી. મેડીકલ કોલેજના ઇન્સ્પેકશનના સમયે સિવિલ હોસ્પિટલના ડોકટરોને ટ્રાન્સફર થી બહાર મોકલવાના સરકારના અભિગમથી મેડીકલ કોલેજના વિદ્યાથીઓનું ભવિષ્ય બગડે છે અને હોસ્પિટલનું તંત્ર કથળે છે. મેડીકલ કોલેજના સ્ટાફની ભરતી કાયમી રીતે સરકારે કરવી જોઈએ અને ૧૧ મહિનાના ફિક્સ પગારના કોન્ટ્રાક્ટના ઓડરના બદલે પૂરતા પગાર થી ગુજરાત સરકારે ડોકટરોની ભરતી કરી ને લોકોના આરોગ્યની ચિંતા કરવી જોઈએ. 

       ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ગણપતભાઈ વસાવા પણ સ્વાઈન ફ્લૂના દર્દી બન્યા છે. આમ સરકારની ઉદાસીનતા વિધાનસભાના અધ્યક્ષથી લઈ ને આમ ગુજરાતી સુધી કોઈના આરોગ્યની ચિંતા કરતી નથી. સારવાર આપી રહેલા ડોકટરો પણ સતત ભયના ઓથારા નીચે કામ કરે છે. જે વધારે જોખમી રીતે કામ કરે છે તેવા ડોકટરો, પેરામેડીકલ સ્ટાફ અને અન્ય સેવા કરતા લોકોના માટે સ્વાઈન ફ્લૂથી બચવા ગુજરાત સરકારે વેક્સિન આપવું જોઈએ. Vaxigrip-Novartis, Influvac-Abbot and Aggripal s1 જેવા વેક્સિન ઉપલબ્ધ છે અને આ પ્રકારનું વેક્સિન આપવાથી સ્વાઈન ફ્લૂ સામે ૬૦% જેટલી સુરક્ષા મળી જતી હોય છે. આમ છતાં સ્વાઈન ફ્લૂ માટે સેવા બજાવતા ડોકટરો કે અન્ય હાઈરીક્સમાં કામ કરતા લોકોને ગુજરાત સરકારે વેક્સિન આપવાની દરકાર કરી નથી અને સ્વાઈન ફ્લૂથી લોકો ગુજરાતમાં પીડાઈ રહ્યા છે.

       સ્વાઈન ફ્લૂના આટલા ગંભીર રોગચાળાગ્રસ્ત ગુજરાત માટે ગુજરાતના મુખ્યમંત્રીએ એક પણ વખત ચિંતા વ્યક્ત કરી નથી કે ગાંધીનગર થી સાવ નજીક આવેલા અમદાવાદના સિવિલ હોસ્પિટલના વોર્ડની પણ મુકાલાત લીધેલ નથી. આ જ દર્શાવે છે કે, ગુજરત સરકાર કેટલી સંવેદનાવિહીન અને બેજવાબદાર છે. કોંગ્રેસ પક્ષ આગામી વિધાનસભામાં પણ સ્વાઈન ફ્લૂના મુદ્દે પ્રજાના અવાજનો પ્રતિઘોષ રજુ કરશે.

————————————————————————————————-