Close

July 4, 2015

Press Note Guj Dt:04/07/2015 on Essar Power

Click here to view/download press note.

 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                              તા.૦૪.૦૭.૨૦૧૫

 

       દેવભૂમિ દ્રારકા જીલ્લાના ખેડૂતોની જમીન પડાવી લેવા માટે એસ્સાર કંપનીના ઈશારે સરકારી તંત્રનો આતંક. સુપ્રીમકોર્ટના નિર્ણયો, જમીન સંપાદનના કાયદાની જોગવાઇઓ તથા માનવતાના તમામ ધોરણો નેવે મુકીને રાત્રીના સમયે હથીયારધારી પોલીસ તથા સરકારી અધિકારીઓના કાફલા સાથે એસ્સાર કંપની માટે ખેડૂતોની જમીન પડાવી લેવા  સરકારી તંત્ર દ્રારા રાત્રીના સમયે ત્રાસ ગુજારેલ છે.

       ખંભાળિયા તાલુકામાં એસ્સાર કંપની (ESSAR POWER GUJARAT LIMITED) એ ૧૭,૬૯,૯૮૬ ચોરસ મીટર જમીન કોરિડોર બનાવવા જરૂરી છે તેવી રજૂઆત કરી હતી. આ જમીનમાં ગૌચરની જમીનની પણ માંગણી હતી. સરકારી તંત્રની સાથે અગાઉથી જ સાંઠગાંઠ કરીને ખેડૂતોની જે જમીન સંપાદન કરવાની હતી તેની જંત્રીના ભાવ સાવ નજીવા રાખવામાં આવ્યા હતા. આ સંપાદનની કાર્યવાહી દરમ્યાન જમીન સંપાદનનો નવો કાયદો ધી રાઈટ ટુ ફેર કમ્પનસેશન એન્ડ  ટ્રાન્સપરેન્સી ઇન લેન્ડ એક્વિઝીશન એક્ટ-૨૦૧૩ અમલમાં હતો છતા કાયદાની જોગવાઈનું પુરૂ પાલન કર્યા વગર એવોર્ડ જાહેર થતા ખેડૂતોએ એવોર્ડનો વિરોધ કરેલ આમ જમીન સંપાદનની કાર્યવાહી નવા કાયદા મુજબ પૂર્ણ થયેલ ન હતી અને જમીનના કબજા ખેડૂતો પાસે હતા. આમ છતા પોલીસના મોટા ધાડાઓ, સરકારી અધિકારીઓ અને એસ્સાર કંપનીના માણસો રાત્રીના સમયે ખંભાળિયા તાલુકાના મોટા માંઢા, પરોડીયા તથા આજુબાજુના ગામોમાં ત્રાટક્યા હતા. જેસીબી અને અન્ય મોટી મશીનરીથી બળજબરી પૂર્વક કબજાઓ લેવાનો પ્રયત્ન થયેલા બનાવના ફોટાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પ્રેસ અને મીડિયાને રજુ કરીને જણાવ્યું હતું કે ચૂંટણી જીતવા માટે મોટા ધનપતિઓ પાસેથી કરોડો રૂપિયા BJP એ લીધા છે માટે કંપનીઓના ઈશારે BJP સરકાર ખેડૂતો ઉપર આંતક ચલાવે છે અને સરકાર જ કાયદાનો ભંગ કરે છે.

       એસ્સાર કંપનીએ તેના કન્વેયન્ટ બેલ્ટનો કોરીડોર બનાવવા માટે અગાઉ ગુજરાત સરકારમાં મોજે મોટા માંઢા ગામ તાલુકો ખંભાળિયા જીલ્લો જામનગરની ગૌચર જમીનનો વધુ ક્ષેત્રફળ ધરાવતી જમીનની માંગણી કરેલ. પરંતુ નામદાર સુપ્રીમકોર્ટ ના હુકમ મુજબ ગૌચરની જમીન કોઈ પણ સંજોગોમાં ઉદ્યોગ તેમજ બીજા કોઈ પણ વાણીજ્ય હેતુ માટે ન  આપવી તે મુજબનો ગુજરાત સરકારને હુકમ કરેલ. આ સંજોગોમાં ગુજરાત સરકારના મહેસુલ વિભાગે એસ્સાર કંપનીની ગૌચરની જમીનની માંગણીની અરજી નામંજૂર કરેલ. આમ છતા પાછળથી એવી મંજુરી આપી કે એસ્સાર કંપનીને જેટલુ ગૌચર અપાશે તેટલુ ગૌચર એસ્સાર કંપની જમીન ખરીદી અને બનાવીને ગામને આપશે. આ શરત છતા કંપનીએ કોઈ ગૌચર માટે નવી  જમીન ખરીદી ગૌચર ગામને સુપ્રત કર્યા વગર ગૌચરની જમીન પડાવી લીધી છે. ગૌ ભક્ત હોવાનો દાવો કરનાર ભાજપ સરકાર ગાયના મોઢા માંથી ગૌચર પણ પડાવીને પોતાના માનીતા ઉદ્યોગપતિઓને આપે છે તેનું ઉદાહરણ છે.

       આ ગૌચર જમીનની આજુબાજુ ખેતીલાયક ફળદ્રુપ જમીન કંપનીએ જમીન સંપાદન ધારો ૧૮૯૪ના કાયદા હેઠળ સંપાદન સરકાર પાસે કરાવી છે. અને જમીનના મૂળ માલિકોની કબજો આપવા માટેની અસંમતિ હોવા છતાં કલેકટરશ્રી, પ્રાંત ઓફિસર અને જીલ્લા પોલીસ અધિક્ષકે પોલીસ બળનો ઉપયોગ કરી મધ્ય રાત્રીએ દમનકારી નીતિ અપનાવી ખેડૂતોને ધાક-ધમકી, માર મારી જમીન ઉપરથી હાંકી કાઢેલ છે. આ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ખેડૂતોએ આ સંપાદન બાબતે અરજી કરેલ છે અને મળતી માહિતી મુજબ નામદાર હાઈકોર્ટે અરજીની સુનાવણી કરી અને બળજબરીથી, ધાકધમકી થી જે કબજો લઈ લીધો છે તેના ઉપર મનાઈ હુકમ ફરમાવેલ છે અને ગુજરાત સરકાર તેમજ કલેક્ટરશ્રી દેવભૂમિ દ્રારકાને જવાબ આપવા હુકમ કરેલ છે. જમીન સંપાદનની નવા નિયમ મુજબ જો ખેડૂત અસંમત હોય તો ધાક-ધમકી કે બળજબરીથી કબજો લઈ શકાતો નથી. આ કાયદો સંપાદન થયેલી જમીનોને પણ લાગુ પડે છે. સદર કેસમાં સરકારના ઈશારે કલેકટરશ્રી અને જીલ્લા પોલીસ અધિક્ષક કંપનીની શેહ-શરમમાં આવી કાર્ય કરી રહ્યા છે.

       એસ્સાર કંપનીએ હકીકતમાં જે ગૌચરની તથા ખેતીલાયક ફળદ્રુપ જમીન આ કોરીડોર માટે ઉપયોગ કરવાની છે તેનું ક્ષેત્રફળ તેમની માંગણી કરતા વધુ છે પરંતુ ઉપર જણાવ્યા મુજબ ફક્ત થાંભલાઓના ફાઉન્ડેશનની જમીનની ગણતરી કરી અને ગૌચરની જમીનનું ક્ષેત્રફળ ઓછું બતાવી સરકાર પાસે છેતરપિંડી કરેલ છે. આ કોરીડોર કોલસાના પરિવહન માટે કરવાનો હોવાથી કોલસાની રજકણો આજુબાજુની જમીનોમાં પણ પ્રદુષણ ફેલાવશે અને જરૂરિયાત કરતા જમીન થી વધારે બીજી ખેતીલાયક ફળદ્રુપ જમીનને પણ નુકસાન અને બિનખેતીલાયક કોલસાના પ્રદુષણથી થશે. આમ કોરિડોર આવવાથી જીલ્લાના ખેડૂતો પાયમાલ થઈ જશે તેમ સ્પષ્ટ સાબિત થાય છે. આ તમામ પ્રક્રિયાઓમાં શંકાસ્પદ અને રહસ્યમય પદ્ધતિથી કૌભાંડ આચરવામાં આવેલ હોય તેવું લાગી રહેલ છે.

       કોંગ્રેસ Pપક્ષની માંગણી છે કે,  

(૧) એસ્સાર કંપનીના ઇશારે રાત્રીના સમયે ખેડૂતોની જમીન પડાવવા માટે કરેલુ કુત્ય સુપ્રિમ કોર્ટના કેસ સિવિલ અપીલ ૮૭૭/૨૦૧૪ ના તા. ૨૪.૧.૨૦૧૪ ના ચુકાદા તથા નવા જમીન સંપાદન કાયદાથી વિરુદ્ધ હોય તમામ અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે.

(૨)  ગૌચરની જે જમીન એસ્સાર કંપનીએ લઈ લીધેલ છે તે પરત કરવામાં આવે.

(૩)  ખેડૂતોની જમીન તેમની ઈચ્છા વિરુદ્ધ ન લેવામાં આવે.

(૪) એસ્સાર કંપનીને જમીન આપવા માટે થયેલ સમગ્ર પ્રક્રિયા અને આ જમીન પડાવી લેવા તંત્ર દ્રારા જે પ્રયત્ન થયો છે તે એક ષડયંત્ર છે માટે CBI મારફત તપાસ થવી જોઈએ.

(૫) જે ખેડૂતોને હાઈકોર્ટમાં જઈ સ્ટે મેળવવા પડ્યા છે તેમને સરકાર એસ્સાર કંપની પાસેથી કોર્ટ ખર્ચ વળતર પેટે અપાવે.

       પ્રેસ કોન્ફરન્સમાં જામનગર અને દ્રારકાના ધારાસભ્યશ્રીઓ શ્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, શ્રી મેરામણભાઈ આહીર  તથા શ્રી રાધવજીભાઈ પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા.

—————————————————————————————-

Photos Essar1 004 Photos Essar1 001 Photos Essar1 002 Photos Essar1 003 Photos Essar1 005 Photos Essar1 006 Photos Essar1 007

 

 

Photos Essar1