Close

August 30, 2016

Press Note Guj Dt: 30/08/2016 Sauni Yojana

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                                                               તા. ૩૦/૦૮/૨૦૧૬

‘સૌની યોજના’ એ સહુની નથી પરંતુ ભાજપની મતદારોને ગુમરાહ કરવા માટે નાટકની અને ભ્રષ્ટ્રાચારની છે. જ્યારે જયારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે નર્મદાના નીરથી ગુજરાતના ડેમો ભરી દેવાની, નદીઓના લિન્કેજ કરી દેવાની જાહેરાતો નરેન્દ્ર મોદી કરે છે. પરંતુ ચુંટણી પૂર્ણ થયે વાયદાઓ માત્ર વાયદાઓ જ રહે છે.

ગુજરાતમાં ભાજપે જનઆધાર ગુમાવી દીધો છે માટે ૨૦૧૭ની ચુંટણી ધ્યાને રાખીને વડાપ્રધાન મોદી ગુજરાતના રાજકોટ જીલ્લા ખાતે આજે ફરી એક વખત સૌની યોજના દ્રારા નર્મદાના નીરથી સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો ભરાશે તેવું નાટક કરવા માટે ગુજરાત આવ્યા છે તેમ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

પંદર વર્ષ પહેલા નર્મદાનું ૩ મીલીયન એકર ફીટ વધારનું પાણી ઉપલબ્ધ છે તેમાંથી એક મીલીયન એકર ફીટ સૌરાષ્ટ્ર, એક મીલીયન એકર ફીટ ઉત્તર ગુજરાત અને એક મીલીયન એકર ફીટ કચ્છના ડેમો તથા નદીઓના લિન્કેજ માટે આપવાની જાહેરાત થઈ હતી. સતત પંદર વર્ષ ભાજપની સરકાર રહી અને આ કામ માટે કોઈની પણ મંજુરી કે ડેમના દરવાજા બંધ કરવાની જરૂર ન હતી છતાં આ કામ પૂર્ણ થયું નથી અને માત્ર ચુંટણી સમયે જાહેરાતો જ થાય છે.

જયારે જયારે ચુંટણી આવે છે ત્યારે નર્મદાના પાણીથી ડેમો અને નદીઓનું લિન્કેજનું નાટક નરેન્દ્ર મોદી કરે છે. સૌથી પહેલા શ્રી મોદીએ ૨૦૦૨ની ચુંટણી પહેલા નર્મદાના પાણીથી નદીઓ અને ડેમોના લિન્કેજની વાતો કરી હતી. ત્યાર બાદ પાંચ વર્ષ સુધી આ કામ ન કર્યું અને ૨૦૦૭ની ચુંટણી પહેલા ૮ સપ્ટેમ્બર, ના રોજ સિધ્ધપુર ખાતે નર્મદાનું પાણી સિદ્ધપુરની નદીમાં વહેવડાવવાનું અને મહાસંગમનું મોટું નાટક કર્યું હતું. સિધ્ધપુરની નદીમાં નર્મદાના નીર બારે માસ વહેતા રહેશે અને આ મહાસંગમ છે તેમ કહીને ૨૦૦૭ની ચુંટણી જીતવા નાટક કર્યું હતું. ૮ સપ્ટેમ્બરના દિવસે નર્મદાની પાઈપલાઈનમાંથી સિધ્ધપુરની નદીમાં મોદીના હસ્તે પાણી છોડવામાં આવ્યું અને ૨૦૦૦ બસો ભરીને વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ક્યારેય પણ નર્મદાની પાઈપલાઈન માંથી  સિધ્ધપુરની નદીમાં પાણી આવ્યું નહી અને પછી લોકોને ખબર પડી કે મોદીના આ કાર્યક્રમ માટે ટેન્કરોથી પાઈપલાઈનમાં પાણી ભર્યું હતું અને સિધ્ધપુરની નદીમાં છોડવામાં આવ્યું હતું. આજે પણ સિધ્ધપુરની નદી ખાલીખમ રહે છે અને નર્મદાનું ટીપું પાણી પણ પ્રાપ્ત થતું નથી.ત્યાર બાદ ૨૦૧૨ની ચુંટણી નજીક આવી એટલે મોદીએ ૨૫ સપ્ટેમ્બર,૨૦૧૨ના રોજ રાજકોટ ખાતે સૌની યોજનાની જાહેરાત કરી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં મોટું સંમેલન સૌની યોજના માટે મોદીએ યોજ્યું હતું. આ સમયે મોદી એ જાહેરાત કરી કે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો અને સૌરાષ્ટ્ર ની નાની મોટી તમામ ૮૭ નદીઓનું નર્મદા સાથે આંતર જોડાણ કરી દેવામાં આવશે. શ્રી મોદીએ જાહેરાત કરી કે સૌરાષ્ટ્રને ચાર લીન્ક ઝોનમાં વહેચીને ગ્રેવિટીથી સૌરાષ્ટ્રને નર્મદા કેનાલમાંથી જળસિંચન દ્રારા ૧૧૫ ડેમોનું જોડાણ થઈ જશે. આ ચારેય ઝોનના કામોના ટેન્ડર જુન ૨૦૧૩માં બહાર પાડી દેવામાં આવશે અને આ ભગીરથ કામ માત્ર ત્રણ જ વર્ષમાં જુન ૨૦૧૬માં પૂરું કરીને સૌરાષ્ટ્રની ચાર લીન્ક દ્રારા ૧૧૫ ડેમોમાં નર્મદાનું એક મીલીયન એકર ફીટ પાણી છલકાઈ જશે. મોદીની આ જાહેરાતો અને ભાષણની નક્ક્લ આજે પણ નરેન્દ્ર મોદી ની વેબસાઈટ http://www.narendramodi.in/gu/cm-launches-saurashtra-narmada-avtaran-irrigation-sauni-yojana-for-saurashtra-4780  પર ઉપલબ્ધ છે. શ્રી મોદીએ જુન ૨૦૧૩માં જાહેરાત કરી હતી કે, ત્રણ જ વર્ષમાં ૧૧૫ ડેમોનું લિન્કેજ થઈ થશે તો પછી ત્રણ વર્ષ જુન ૨૦૧૬માં પૂર્ણ થયા તેમ છતાં પાંચ ડેમોમાં પણ પુરતું લિન્કેજ કેમ નથી?

ફરી લોકસભાની ચૂંટણી ૨૦૧૪માં આવતી હતી ત્યારે શ્રી મોદીએ ૫ મે, ૨૦૧૩ના રોજ રાજકોટ જીલ્લાના જ ગોંડલ તાલુકાના દેવડા ગામ ખાતે સૌની યોજનાથી સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમોનું કામ ટુંક સમયમાં પૂર્ણ થઈ જશે તેવી જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ ગોંડલ નજીકના દેવડા ગામે ભાદર નદીના પટમાં વિશાળ જનસભાની હાજરીમાં યોજવામાં આવ્યો હતો અને સૌની યોજના ગણતરીના સમયમાં જ પૂર્ણ થઈ જશે તેવી જાહેરાત મોદીએ કરી હતી કારણકે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ આવી રહી હતી. આમ હકીકત એ છે કે સૌની યોજના એ માત્રને માત્ર ચૂંટણી સમયે ભાજપ દ્રારા કરવામાં આવતું   નાટક છે. સૌની યોજનામાં જે થોડું ઘણું કામ થયું છે તેમાં પાઈપલાઈનમાં ખુબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. પાઈપલાઈનોના કામ માટે પારદર્શક રીતે ટેન્ડરો અપાયા નથી અને પાઈપલાઈનની ક્વોલિટી પણ જાણવવામાં આવી નથી. આ ભ્રષ્ટ્રાચારના કારણે જ અંદાજો મુજબ થયેલા ખર્ચની સામે ખરેખર કામ માત્ર નહિવત જ થયું છે.

શ્રી મોદી સૌની યોજનાના નામે ફરી એક વખત નાટક કરવા આવ્યા છે ત્યારે નીચેના પ્રશ્નોનો જવાબ ગુજરાતની જનતાને આપે.

  1. સૌની યોજના મુજબ જુન ૨૦૧૬ના દિવસે ૧૧૫ ડેમોમાં લિન્કેજ થઈ જશે તેવી જાહેરાત મોદીએ કર્યા છતાં માત્ર ૩% ડેમો પણ હજી કેમ પૂર્ણ થયા નથી?
  2. નર્મદાની કેનાલો વર્ષો સુધી તુટે નહી તેવી ડીઝાઇનો હોવા છતાં નર્મદાની કેનાલો કેમ વારંવાર તુટે છે?
  3. નર્મદાના દરવાજા બંધ કરવાની કેન્દ્ર સરકારે કેમ મંજુરી આપી નથી?
  4. કચ્છને એક મીલીયન એકર ફીટ વધારાનું પાણી આપવાનું કામ શા માટે એક ઇંચ પણ થયું નથી?
  5. ચૂંટણી આવે ત્યારે જ સૌની યોજનાનો કાર્યક્રમ અને જાહેરાતો થયા બાદ શા માટે કામ થતું નથી?
  6. ચૂંટણીલક્ષી સભાઓ યોજવા માટે એસ.ટી. નિગમની બસો ખેચી લઈને જનતાને હાડમારી શા માટે?
  7. રાજકીય લાભ માટે સૌની યોજનાના વિશાળ સંમેલનો પાછળ પ્રજાની તિજોરીનો ખર્ચ શા માટે?
  8. ૨૨ વર્ષ ભાજપ ગુજરાતમાં સત્તા પર રહ્યું અને ૧૩ વર્ષ સુધી મોદી સત્તામાં રહ્યા છતાં ૪૮ હજાર કિલોમીટરની નર્મદાની કેનાલનું કામ બાકી શા માટે?

——————————————————————————————————

Click here to view/download press note.