Close

February 25, 2015

Press Note Guj Dt: 25/02/2015 on Labour laws

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારીયાદી                                                              તા.૨૫.૦૨.૨૦૧૫

     

ગુજરાત વિધાનસભામાં ભાજપની સરકારે આજે મજૂરોને અને કામદારોને રક્ષણ આપતા કાયદાઓમાં ફેરફાર કરીને તેઓના તમામ અધિકારોને છીનવી લીધા છે. ધારાસભ્યશ્રી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે વિધાનસભામાં રજૂ થયેલા મજૂર કાયદા (ગુજરાત સુધારા) વિધેયક-૨૦૧૫ની ચર્ચામાં ભાગ લેતાં ભાજપની સરકારની મજૂર વિરોધી નીતિની ઝાટકણી કાઢી હતી. વિધેયક દ્વારા ધનપતિઓને મજૂરોના રક્ષણના તમામ કાયદાઓ તોડવાનો અને નાની રકમ ભરીને છૂટી જવાનો પરવાનો મળી જાય છે. આજ સુધી મજૂરોના હિતના કાયદાઓનું ઉલ્લંધન કરતા માલિકો ડરતા હતા, કારણ કે આ કાયદાનો ભંગ કરનારની સામે એફ.આઈ.આર. દાખલ કરવાની એટલે ફોજદારી કાર્યવાહી કરવાની થતી હતી. કમનસીબે ભાજપની ગરીબ વિરોધી સરકારે આ ગુનાઓને કંપાઉન્ડેબલ એટલે કે થોડા રૂપિયા ભરો અને કેસ માંડવાળ થઈ જાય તેવી જોગવાઈ દાખલ કરી છે. હવે ધનપતિઓ મજૂરોનું શોષણ કરે, અન્યાય કરે કે મજૂરોના કાયદાઓનું ઉલ્લંધન કરે તો પણ તેમની સામે ફોજદારી કેસ નહીં થાય. આ કારણે ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થશે.

ધનપતિઓના લાભાર્થે કાયદા બદલનાર સરકારને શ્રી ગોહિલે સંભળાવ્યું હતું કે, “ભુખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે. ખંડેરની ભસ્મ તણી ન લાધશે.”

શ્રમિકો માટે લડનારા પૂ. શ્રી રવિશંકર મહારાજજીના જન્મ દિવસે મજૂર વિરોધી કાયદો લાવીને રવિશંકર મહારાજનું આ સરકારે અપમાન કરેલ છે.

૧. ન્યુનતમ વેતન દરેક કામદારનો મૂળભૂત અધિકાર છે. એશિયાડ કેસમાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે ઉદ્યોગ ચલાવનાર કામદારને લઘુત્તમ વેતન આપવા ક્ષમતા ધરાવતા ન હોય તો તેને ઉદ્યોગ ચલાવવાનો અધિકાર રહેતો નથી. કલમ-૧૩ અને ૧૪માં લઘુત્તમ વેતન કરતા ઓછુ વેતન ચુકવનાર માલિક પાસેથી માત્ર ૨૧૦૦૦/- નો દંડ વસુલી શિક્ષાપાત્ર ગુનામાંથી મુક્તિ આપવાની જોગવાઈ દાખલ કરવામાં આવી રહી છે. કોઇપણ સંજોગોમાં લઘુત્તમ વેતન અધિનિયમની જોગવાઈ ભંગ કરનાર સામે ફોજદારી કેસ દાખલ કરવાની જોગવાઈ રદ થવી જોઈએ નહિ.

૨. મજુર સંઘોની લડતને પરિણામે કામદારોને અમાનવીય શોષણમાંથી મુક્ત કરવા, કામના સ્થળે  સલામત અને સ્વાસ્થ્યપ્રદ કામનું વાતાવરણ પુરુ પાડવા, કામદારોની કામની સ્થિતિ સુધારવા અને સામાજીક સુરક્ષા પ્રદાન કરવા આઝાદી પહેલા અને બાદ મજુર કાયદાઓ અસ્તિત્વમા આવ્યા હતા. રાજ્ય સરકારે ઉધોગપતિઓને ઈશારે જે રીતે મજુર કાયદાઓમાં સુધારાઓ સુચવેલા છે તે ફરી કામદારોને અસુરક્ષિત વાતાવરણમાં અને શોષણની ગર્તામાં ધકેલી દેશે.

        મજુર કાયદાઓના ભંગના કેસોને દંડની રકમ વસુલ કરીને માંડવાળ કરવાની જોગવાઈનો સ્પષ્ટ અર્થ એ છે કે કારખાનાનો ધારો, લઘુતમ વેતન ધારો, સમાન વેતન ધારો, કોન્ટ્રાકટ લેબર એક્ટ વિગેરે મજુરોના અધિકારોના રક્ષણ માટેના કાયદાઓ માત્ર નામના જ રહેશે. કારણ કે આ મુખ્ય મજુર કાયદાઓના ભંગના કિસ્સાઓમાં માલિકો સામે કોઈ ફોજદારી ગુનો દાખલ ન થઇ શકે તેવી પુરતી તકેદારી રાખીને ઉદ્યોગપતિઓને ભયમુક્ત કરીને આડકતરી રીતે મજુર શોષણનો પરવાનો આપી દીધેલ છે. જો આ પ્રકારનો સુધારો કરવામાં આવશે તો મજૂરોનું શોષણ ચરમ સીમાએ પહોંચશે. ૧૯૨૦ પહેલા, ILO ની સ્થાપના પહેલા અને બીજા વિશ્વયુદ્ધ વખતે મજુરોની જે અવદશા હતી તે સ્થિતિનું ફરી નિર્માણ થવાની પુરેપુરી શક્યતા છે.

૩.  આઈ.ડી. એક્ટમાં કલમ ૩૧-ક માં માંડવાળની રકમનું જે કોષ્ટક આપેલ છે તેમાં નં.૪ માં ગેરકાયદેસર હડતાલ માટે દરેક કામદારે દિવસ દીઠ રૂ. ૧૫૦ પરંતુ રૂ. ૩૦૦૦/- થી વધુ નહિ તેટલી રકમ ભરશે એટલે તેનો ગુનો માંડવાળ થશે. આ પ્રકારની જોગવાઈ કામદારને કાયમ માટે ભયમાં રાખવા અને શોષણ સામેનો તેનો આવાજ રુંધવા માટે છે. આં દેશની આઝાદીમાં અને મહાગુજરાત આંદોલનમાં મજુર સંગઠનોની મહત્વની ભૂમિકા રહી છે ત્યારે મજુર સંગઠનોને જ ખતમ કરવાની રાજ્ય સરકારની આ ચાલ છે. કામદારો પોતાની વ્યાજબી માંગ માટે હડતાલનો આશરો લેતા ગભરાય તેવી સ્થિતિનું નિર્માણ કરવાનો આ પ્રયત્ન છે.

૪. મજુરોના હિતમાં મજુર કાયદાઓના ભંગ બદલ માલિકોની ઉભી થતી આર્થિક જવાબદારીની માફી બાબતની સત્તા રાજ્ય સરકાર પોતાના હસ્તક લઈ શકે નહિ. કાયદાના ભંગ બદલ સજાની જોગવાઈ ચાલુ રહેવી જોઈએ. મજુર કાયદાના ભંગ બદલ સજા કરવાની સત્તા હાલમાં અદાલતો પાસે છે તે કાયમ રહેવી જોઈએ તેમાં કોઈ ફેરફાર સ્વીકાર્ય નથી.

૫. રાજ્યમાં ઔધોગિક અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. રાજયમાં કામદારોના સ્વાસ્થ્યને અને જીવનને હાની પહોંચાડે તેવા ખતરનાક કેમિકલ ઉદ્યોગો છે. આં ઉદ્યોગોમાં છાશવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે કામદારોની સલામતી માટેની જોગવાઈઓના પાલનના ભંગ માટે કોઈ ફોજદારી ગુનો નહિ બનતો હોય અને મામુલી દંડની રકમ ભરીને ગુનો માંડવાળ કરવાનો થશે તો ઉધોગપતિઓ અને કારખાનાના માલિકો ક્યારેય કામદારોની સલામતી માટે ચિંતિત રહેશે નહિ અને કામદારો વધુ અકસ્માતોનો અને વ્યવસાયિક રોગોનો ભોગ બનશે.

        માનનીય શ્રમ મંત્રીએ કાયદામાં સુધારા માટેના જે કારણો અને ઉદ્દેશો આપેલા છે તેમાં જણાવે છે કે ‘રાજ્યમાં ઉદ્યોગો અને કામદારો વચ્ચેના હિતસંબંધોની સમતુલા જાળવી રાખવાનું વાતાવરણ ઉભું કરવાનું  જરૂરી જણાયુ છે.’

        અમારે કહેવું છે કે આ દેશનો અને રાજ્યનો ઔદ્યોગિક વિકાસ પ્રવર્તમાન મજુર કાયદાઓને આભારી છે. આ મજુર કાયદાઓની જોગવાઈઓને પરિણામે મજુરોએ ઔદ્યોગિક શાંતિ જાળવી રાખેલ છે. પરંતુ હાલ રાજ્ય સરકાર જે સુધારાઓ કરવા જઈ રહી છે તે ઔદ્યોગિક શાંતિને હણી લેશે, કામદારોના હિતને ભોગે ઔદ્યોગિક વિકાસ શક્ય નથી. કામદારોને ન્યાય નહિ મળે તો આ સુધારાઓ શાંતિપૂર્વક કામ કરી રહેલા મજુરોને છંછેડવાનું અને આંદોલનના માર્ગે જવા ફરજ પાડશે.

        રાજ્ય સરકારે આ રીતે તમામ મુખ્ય કાયદાઓમા સુધારા કરતા પહેલા તમામ મજુર સંગઠનો સાથે પરામર્શ કરવો જોઈએ અને સુધારાની ડ્રાફ્ટ ચર્ચા માટે મુકવો જોઈએ. રાજ્ય સરકારે મજુર સંગઠનોની ભલામણોને ઉવેખીને આ રીતે ટુંકા સમયમાં સુધારાઓનું બીલ મુકીને કામદારો સાથે દ્રોહ કર્યો છે, છેતરપીંડી આચરી છે.

        વધુમાં શ્રમમંત્રીશ્રીએ જણાવેલ છે કે ‘કામદારોને અને માલિકોને તેમના વિકાસ અને ઉત્પાદકતાની કષ્ટદાયક યાત્રામાં સરખી રીતે વધારે સત્તા આપશે, મજબુત બનાવશે.’

        રાજ્ય સરકારે આં સુધારા માટે મજુર સંગઠનોને કયા પ્રકારની સત્તા આપી છે? ક્યાંય કોઈ ઉલ્લેખ નથી. મજુરોના જીવનનું જોખમ હોય ત્યાં કોઈ મોટું વળતર જ નહિ પરંતુ ગુનેગારને સજા પણ થવી જ જોઈએ,

        ૧૦૦ ટકા નિકાસલક્ષી ઔદ્યોગિક સંસ્થાઓને SIR, NIMZ માં સ્થાપવામાં આવેલી ઔદ્યોગિક સંસ્થાઓને કામદારોની નોકરીની સમાપ્તિના કિસ્સામાં કામદારને પિસ્તાળીસ દિવસના પગારને બદલે સાઠ દિવસનો પગાર વળતર સ્વરૂપે આપવાની જોગવાઈ કરીને કામદારને એમ્પ્લોઇઝને છુટા કરવાનો પગાર મેળવી લીધેલ છે.

        સૂચિત સુધારાઓમા સ્વ-પ્રમાણીકરણ, ઓડીટ, મુલ્યાંકન અને ગુનાઓની માંડવાળ જેવા પગલાઓથી પારદર્શિતા અને હેતુલક્ષીતા આવશે તેમ જણાવેલ છે. રાજ્ય સરકારે આ સુધારા પહેલા સ્વ-પ્રમાણીકરણનો ઉપયોગ કરી ચુકી છે તો તેનું કેવું પરિણામ મળ્યું છે તે ગૃહ સમક્ષ રજુ કરવું જોઈએ. આ દેશનું કલ્ચર એવું છે કે જ્યાં ભય વગર કોઈ કાયદાનુંપાલન થઈ શકે તેમ નથી. મજુર કાયદાઓના અમલીકરણમાં નર્યો ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે ત્યારે પારદર્શિતા, મુલ્યાંકન જેવી વાતો હાસ્યાસ્પદ છે, એટલું જ નહિ આ રાજ્યના સત્તાધીશો ઉદ્યોગપતિઓનું પડખું સેવી રહ્યાનું જણાઈ આવે છે. આ સુધારાઓને વખોડવામા આવે છે. જો આ સુધારા પાસ કરવામાં આવશે તો દેશના મજુરો માટે એ કાળો દિવસ હશે.

 

————————————————————————————————-