Close

February 22, 2017

Press Note Guj. Dt: 21.02.2017 Budget

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારી યાદી                                                       તા. ૨૧.૦૨.૨૦૧૭   

        ધારાસભ્યશ્રી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થયેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, નિષ્ફળ, ભ્રષ્ટ અને હતાશ ભાજપ સરકારનું આ છેલ્લું બજેટ હતું. હવે ફરી આવતા વખતે બજેટ રજૂ કરી શકાય તેમ નથી એટલે એક પ્રકારે હવાતિયાં મારતાં હોય તે પ્રકારની આજે નાયબ મુખ્યમંત્રી કમ નાણામંત્રીની બજેટ સ્પીચ હતી.

ભાજપ સરકાર બજેટમાં વાતો ખૂબ મોટી મોટી કરે છે, પરંતુ એની સામે નાણાંની ફાળવણી નહીંવત્‍ હોય છે. કેટલાક દાખલાઓ આપતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ૨૨ વર્ષથી ભાજપ સરકાર છે. ભાડભૂત વિયર કે જેના માટે કોઈની મંજૂરીની જરૂર નહોતી, કોઈ કોર્ટનો સ્ટે નહોતો, જો ભાડભૂત વિયર બને તો માત્ર ભરૂચ કે નર્મદા જિલ્લો નહીં, સમગ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં ક્ષાર આવતો અટકે અને આદિવાસી ખેડૂતભાઈઓને ફાયદો થાય. ભાડભૂત વિયર માટે આ બજેટમાં એસ્ટીમેટ અપાયો છે કે, આ રૂ. ૪,૦૫૦ કરોડનું કામ છે અને તેના માટે બજેટમાં કેટલા પૈસા ફળવાયા ? તો કહે માત્ર રૂ. ૧૦૦ કરોડ. દર વર્ષે ૧૦૦ કરોડ લેખે ગણીએ તો કેટલાં વર્ષો સુધી આ કામ પૂર્ણ નહીં થાય. નર્મદાની કેનાલના કામો ખૂબ મોટાપાયે બાકી છે. ૩૮ હજાર કિ.મી.ના માઈનોર, સબમાઈનોર, ફીલ્ડ ચેનલોના કામો બાકી છે. દર વર્ષે બજેટમાં ડેમના દરવાજા બંધ કરવાના, કેનાલના કામ કરવા માટે રૂ. ૦૯ થી ૧૦ હજાર કરોડની ફાળવણી થાય છે, જે પણ ઘણા ઓછા ગણાય જ્યારે  આ બજેટમાં તેના કરતા પણ નાણાંની ફાળવણી ઘટી ગઈ છે.

નાણામંત્રીશ્રીએ પાના નં. ૧૪ ઉપર ૯ રસ્તા અને ૫ બ્રિજ ફોર લેન બનશે તેમ જણાવ્યું છે, તેના માટે નાણાંની ફાળવણી કરી છે માત્ર રૂ. ૧,૧૫૧ કરોડ. ૯ રસ્તાને બદલે ૧ રસ્તો પણ ફોર લેન કરવાનો હોય તો આમાંથી થાય નહીં, તો આ ૯ રસ્તા અને ૫ બ્રિજ કેવી રીતે શક્ય બનશે તે સવાલ છે. ૯ કોરીડોર છે તેને ચારમાર્ગીય બનાવી દેશું તેમ પાના નં. ૧૫ પર તેમણે જણાવ્યું છે. તેના માટે કુલ ખર્ચ રૂ. ૨,૦૮૭ કરોડની સામે ચાલુ બજેટમાં ફાળવણી માત્ર રૂ. ૨૪૨ કરોડ કરી છે. શું કોંગ્રેસની સરકાર આવશે પછી આ બધા કામો કરવાના અને જાહેરાત જ તેઓએ માત્ર આ વર્ષે કરવાની છે ?

આ બજેટમાં કચ્છને સૌથી મોટો અન્યાય થયો છે. કચ્છને ૧ મિલિયન એકર ફીટ પાણી આપવું હોય તો રૂ. ૧૩,૧૮૭ કરોડનો બજેટ એસ્ટીમેટ છે. ૨૨ વર્ષમાં એકપણ રૂપિયો તેના માટે વાપર્યો નથી. આ વર્ષે મશ્કરી કરીને માત્ર રૂ. ૭૬ કરોડની જ ફાળવણી તેના માટે કરી છે. ગુજરાત સરકારનો નાણાં વિભાગનો પરિપત્ર છે કે, જો કુલ બજેટની રકમના ૨૦% ન ફાળવીએ ત્યાં સુધી કામને વહીવટી મંજૂરી જ ન મળે, કામ શરૂ જ ન થાય. તો રૂ. ૭૬ કરોડ બજેટના આંકડામાં આપ્યા પછી એક રૂપિયો પણ કચ્છ માટે વાપરી શકાશે નહીં. બજેટમાં મહેનતકશ લોકોની મશ્કરી કરવામાં આવી છે. દરજી, મોચી, કુંભાર, સુથાર, વાળંદ વગેરે નાના-ધંધા રોજગાર કરનારાઓ માટે વિકાસની વાતો કરી, પરંતુ બજેટમાં તેના માટે વર્ષે માથાદીઠ રૂ. ૧૦ની સહાય પણ ન કરી, કુલ માત્ર ૧૦ કરોડ રૂપિયાની આ બજેટમાં ફાળવણી કરી છે. આ વર્ગની તેમણે મશ્કરી કરી છે. અમારી માંગણી છે કે, જે રીતે નાના ઈંટ ઉત્પાદકો છે, જે ૫૦ લાખ કરતાં ઓછી ઈંટ પેદા કરે છે, જેનું ટર્નઓવર ઓછું છે, કોંગ્રેસ શાસનમાં તેના પર કોઈ સેલ્સટેક્સ નહોતો, આ પ્રજાપતિ-કુંભાર જ્ઞાતિના ભાઈઓ કે જે ઈંટ પેદા કરે છે તેના પર વેટ નાબુદ કરો, ૫૦ લાખથી ઉપરનું ટર્નઓવર હોય તો તેના પર ૨% જ વેટ રાખવો જોઈએ. કોંગ્રેસ શાસનમાં મોચી જ્ઞાતિના ભાઈઓ હાથે બુટ-ચંપલ બનાવતા હતા, તેના પર કોઈ સેલ્સટેક્સ નહોતો. અમારી માંગણી છે કે હાથે જે મોચી જ્ઞાતિના ભાઈઓ બુટ-ચંપલ બનાવે છે, તેના હજાર રૂપિયાનું બુટ કે ચંપલ બને તેના પર વેટ શૂન્ય કરવો જોઈએ. ભૂતકાળમાં નાના ઉઘોગો માટે જીઆઈડીસીઓ બનતી હતી, તે આજે બંધ-ઠપ્પ પડી છે. નાના ઉઘોગકારો માટે કોઈ જોગવાઈ આજના આ બજેટમાં કરવામાં આવી નથી.

શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, લિગ્નાઈટ કે જે તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી જ નીકળે છે. મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં માત્ર ૨% અને ૪% વેટ છે, જ્યારે ગુજરાત સરકાર તેની પર ૨૦% ટેક્સ લે છે, પરિણામે મોદીના માનીતા ઉઘોગપતિ કોલ ઈમ્પોર્ટ કરે, એ ઈમ્પોર્ટેડ કોલ ગુજરાતમાં વેચાય અને કચ્છની તથા ધોધા તાલુકાની ખાણો કે જ્યાં લિગ્નાઈટ છે તેનું ખોદકામ થાય જ નહીં, જેનાથી ગુજરાતના નાના-નાના શ્રમિકોને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે તેમાં વેટ ધટાડવાની અમારી માંગણી છે. સીએનજી પર ૧૫% વેટ ગુજરાત સરકાર લે છે. સમગ્ર દેશમાં ૦થી લઈ વધુમાં વધુ ૪% વેટ છે, તેનાથી વધુ વેટ ક્યાંય નથી. પેટ્રોલ અને ડીઝલ પર ૨૪% વેટ અને ૪% સરચાર્જ એમ કુલ ૨૮% ટેક્સ આખા દેશમાં કોઈ લેતું નથી. આશા હતી કે આ વેટ ધટે, પરંતુ તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સરકાર ખેડૂતો પાસે તત્કાલ વીજ કનેકશન લેવડાવે, મીટર મૂકાવે, રેગ્યુલર પેન્ડીંગ રાહ જોઈને બેઠેલા મીટર વગરના કેટલા કનેકશન આપ્યા ? અને હવે કેટલા આપશે ?  તેની બજેટમાં કોઈ વાત નથી.

બજેટ આવે ત્યારે સરકાર કહે કે, પુરાંતવાળું બજેટ છે, ખાધ નથી. પછી વર્ષના અંતે સુધારેલું હોય, બીજું વર્ષ પૂર્ણ થાય ત્યારે ખરું બજેટ આવે. આજના બજેટ પ્રકાશનમાં છેલ્લા પાંચ વર્ષમાં એકપણ વખત ખાધ વગરનું બજેટ ભાજપ સરકારનું રહ્યું નથી. આ વર્ષે પણ બહુ મોટી ખાધ રહેવાની છે. નાણામંત્રી કહે છે કે, રાહત આપી, રાહત આપી, રાહત આપી. આજના બજેટથી ગુજરાતની જનતા પાસેથી રૂ. ૨૯૨.૧૪ કરોડ વધારાના ખંખેરવાના છે અને રાહત આપવાની છે ફક્ત રૂ. ૧૦ કરોડ. વાહનવ્યવહારમાં ટેક્સની સરળતાના નામે માણસને ઓપ્શન રહેતા હવે  વાહન લો તો દર વર્ષે ટેક્સ ભરવાનું ઓપ્શન નહીં આજીવન ટેક્સ ભરી દેવાને પરિણામે રૂ. ૨૯૨.૧૪ કરોડનું ભારણ ગુજરાતની જનતા પર આવવાનું છે, તેની સામે માત્ર રૂ. ૧૦ કરોડની રાહતની વાત કરવામાં આવી છે. આમ, બજેટ સંપૂર્ણપણે ગુજરાતની જનતાની વિરુદ્ધનું છે, ગુજરાતની જનતા માટે નુકસાનકારક છે અને જે આદિવાસી, બક્ષીપંચ, દલિત, ખેડૂત, ગ્રામીણ લોકોની આકાંક્ષાઓ પૂર્ણ નથી થતી નથી. ગયા વર્ષે જે વાતો કરી હતી, એ જ વાત આ વર્ષે કરી છે. એની સામે રકમની ફાળવણી કાંઈ નહીં.

સામાજિક સેવાઓ માટે આજના બજેટ પ્રકાશનના પુસ્તકો જોઈએ તો સામાજીક સેવાઓ માટે જે પૈસા પાળવ્યા હતા તેમાથી રૂ. ૮ હજાર કરોડ વણવપરાયેલા રહ્યા છે. દેવું સતત વધતું જતું હતું તેને ઓછું કરવાને બદલે આ બજેટમાં કરવેરા તો વધાર્યા, છેલ્લા પાંચ વર્ષના આંકડા જુઓ તો ગુજરાતની જનતા ઉપર ચાર વર્ષમાં જ રૂ. ૧૮ હજાર કરોડના કર વધુ પડયા છે. એમ છતાં દેવું આ વર્ષે ન કલ્પી શકાય એટલી મોટી રકમનું લોન અને પેશગીઓનું ગુજરાતની જનતા પર ભારણ વધે અને તે રીતે આજના આ બજેટમાં રૂપિયા ૪૫ હજાર ૩૭૬ કરોડ ૩૪ લાખનું દેવું માત્ર એક વર્ષમાં નવું દેવું ગુજરાતની જનતા પર વધશે. ભાજપે સ્વીકારી લીધું છે કે, આ વર્ષે બજેટના ૪૦% જેટલી રકમનું દેવું આ વર્ષે જ લઈ લો, કારણ કે આવતા વર્ષે તો ભાજપની સરકાર બનવાની જ નથી. એવો ખાડો ખોદીને જાવ કે નવો આવે એ ભલે મહેનત કરે. જો કોંગ્રેસ પક્ષને ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે તો આવતા દિવસોમાં નવસર્જન ગુજરાત કરીશું, ખેડૂતોને દિવસે પૂરતી વીજળી મળશે, વીજ કનેકશનો મીટર વગરના મળશે, યુવાનોને શિક્ષણનું વેપારીકરણ નહીં સારું શિક્ષણ મળશે, વૃદ્ધોને-દિવ્યાંગોને પૂરતું પેન્શન મળશે, આંગણવાડીની વર્કર કે તેડાગર બહેનોને પૂરતો પગાર, સમાન કામ સમાન વેતન, ફીક્સ પગારવાળાને પૂરતો પગાર આપીશું, ગરીબ લોકોને ધરનું ધર આપીશું, દલિતોને સાંથણીની જમીન મળશે.

આમ, આજનું બજેટ હતાશ, ભ્રષ્ટ અને નિરાશ થયેલ સરકારનું નકારાત્મક બજેટ છે તેમ  શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

            યુવાનો માટે ભ્રામક જાહેરાતો સિવાય કશું જ બજેટમાં નથી. વિદેશ અભ્યાસ માટે જનાર યુવાનો માટે નજીવી રકમની ફાળવણી કરવામાં આવેલ છે હકીકતમાં ઘર આંગણે શિક્ષણ સુધારવાની જરૂર છે. પૂરતા શિક્ષકો, પુરતા પ્રોફેસરોની ગુજરાતમાં સરકાર ભરતી કરતી  નથી અને શિક્ષણ કથળે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને પણ પોતાના  ઉજ્જવળ ભવિષ્ય માટે કોઈ પણ યોજના કે સહાય નથી.

        આદિવાસી વિસ્તારની સતત અવગણના ગુજરાત સરકાર કરે છે. આદિવાસી સમાજને વનબંધુ કહીને અપમાનિત કરનાર સરકારના બજેટ પુસ્તકના આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે બજેટમાં ફાળવેલી રકમ માત્ર કાગળ ઉપર રહે છે તેનો ખર્ચ કરવામાં આવતો નથી.

        ગુજરાત પાસે તેજસ્વી મહિલાધન છે પરંતુ રાજ્યની મહિલાઓના વિકાસ માટે બજેટમાં કોઈ જ જોગાવાઈ નથી.

         ભાજપના ૨૨ વર્ષના સતત શાશન પછી એક પણ શહેરમાં મેટ્રો નથી. અમદાવાદને કોંગ્રેસની કેન્દ્ર સરકારે મેટ્રો પ્રોજેક્ટ મંજુર કર્યા બાદ ઘણા લાંબા સમય પછી જયપુર અને લખનઉને મેટ્રો માટે મંજુરી મળી હતી. જયપુરમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગહેલોતે મેટ્રો દોડતી કરી દીધી. લખનઉમાં શ્રી અખિલેશ યાદવે મેટ્રો ટ્રેન દોડતી કરી દીધી, જ્યારે ગુજરાતની ભાજપ સરકારે કરોડોનો ભ્રષ્ટ્રાચાર કર્યો પરંતુ ગુજરાતમાં મેટ્રો નથી. હવે સુરત માટે મેટ્રોની પુરતી જોગવાઈ કરવાના બદલે માત્ર પ્રોજેક્ટ  રીપોર્ટ તૈયાર કરવા બજેટમાં દસ કરોડ રૂપિયા ફળવાયા છે.

        ભાવનગર-તારાપુર અને ભચાઉ થી ભુજના મુખ્ય માર્ગો કેટલાય વર્ષોથી સારા બનતા નથી. અકસ્માતોની પરંપરા સર્જાય છે તેમ છતાં આજના બજેટમાં આ રસ્તાઓ માટે કોઈ જોગવાઈ નથી.

——————————————————————————————————

 

 

Click to view and download the Press Note