Close

September 16, 2016

Press Note Guj Dt: 16.09.2016 લોક આક્રોશથી હડધૂત થયેલ ભાજપની ભાગેડુ વૃતિ

Click here to view/download the press note.

અખબારી યાદી                                                     તા. ૧૬/૦૯/૨૦૧૬  

                                              “લોક આક્રોશથી હડધૂત થયેલ ભાજપની ભાગેડુ વૃત્તિ

સરકારની જાવબદારી હોય છે કે લોકોની વચ્ચે જઈને લોક પ્રશ્નો સાંભળવા અને તેને ઉકેલવા. તાજેતરમાં સુરત અને ભાવનગરમાં જનઆક્રોશથી હડધુત થયેલ ભાજપ સરકારના પ્રતિનિધિઓ જનતાની વચ્ચે જઈને પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ કરવાના બદલે  ટ્વીટર ટાઉનહોલનું નાટક મુખ્યમંત્રીના માધ્યમથી કરે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ટેકનોલોજી, ટ્વીટર અને સોશિયલ મીડિયા  આવકારદાયક છે પરંતુ ગુજરાતમાં ખેડૂત કે ગ્રામ્ય જનતા ટ્વીટર વાપરતી નથી અને મોટા ભાગના યુવાનો ટ્વીટર જાણે છે તેમને યોગ્ય રોજગારી નથી અને જેને રોજગારી છે તેને ફિક્સ પગાર છે  તેથી ડેટા પ્લાનનો ખર્ચ પણ પોસાય તેમ નથી. તેવા સંજોગોમાં ટ્વીટર ટાઉનહોલ એક તમાશો છે.

બંધારણીય સિધ્ધાંત છે “સમાન કામ – સમાન વેતન” આમ છતાં ગુજરાતના યુવાનોને ફિક્સ પગાર અપાય છે. ગુજરાત હાઈકોર્ટ દ્રારા સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે. તેમને પુરતો પગાર આપવો જોઈએ અને સમાન કામ સમાન વેતન સિધ્ધાંત નું પાલન થવું જોઈએ. આ ચુકાદાનો અમલ કરવાના બદલે ગુજરાતની ભાજપ સરકારે સુપ્રીમકોર્ટે માં અપીલ કરીને ગુજરાતના યુવાનોનું શોષણ ચાલુ રાખેલ છે. શ્રી ગોહિલે સુપ્રીમમાંથી અપીલ પાછી ખેંચવા અને હાઇકોર્ટના ચુકાદાનું પાલન કરવા માંગણી કરી છે.

ગુજરાતમાં ભાજપની સરકાર આઉટસોર્સિંગના નામે પણ યુવાનોનું શોષણ કરે છે. વચેટિયા એજન્સીઓ મલાઈ ખાય જાય છે અને ગુજરાતના યુવાનોને નજીવો પગાર મળે છે. આઉટસોર્સિંગના કારણે દલિત, આદિવાસી તથા બક્ષીપંચના યુવાનોને મહતમ નુકશાન થાય છે.

ભાજપના હાલના વડાપ્રધાન ચૂંટણી દરમ્યાન કહેતા હતા કે, ગુજરાત પાસે સરપ્લસ (વધારાની) વીજળી છે અને પાકિસ્તાનને પણ આપી શકું તેમ છું તો પછી ગુજરાતના ખેડૂતોને દિવસે કેમ પુરતી વીજળી મળતી નથી? જો પાકિસ્તાનને આપી શકાય તેટલી વધારાની વીજળી છે તો ખેડૂતો ને ૨૪ કલાક વીજળી આપોને.

સરકારી નોકરીઓમાં અનેક જગ્યાઓ ખાલી છે, ભરતી થોડી જ થાય છે અને તેમાં પણ લાખો રૂપિયા લેવાય છે.

કચ્છને ૧ મિલિયન એકર ફીટ વધારાનું નર્મદાનું પાણી આપવાનું સ્વિકારેલ છે છતાં ૨૨ વર્ષથી સત્તામાં રહેલી ભાજપની સરકારે કચ્છ માટે સહેજ કામ કેમ નથી કર્યું? કચ્છને અન્યાય શા માટે? સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ તથા ૮૭ નદીઓ જુન ૨૦૧૬માં નર્મદાથી જોડાઈ જશે તેવી  જાહેરાત હાલના વડાપ્રધાને ૨૦૧૨માં કરી હતી તો માત્ર ૩ જ ડેમમાં કેમ પાણી આવ્યું? આ રીતે કામ થાય તો સૌરાષ્ટ્રના ડેમો પચાસ વર્ષે પણ ન જોડાય.

ભાવનગરની માલેશ્રી નદી જેવી અનેક નદીઓમાંથી નર્મદાના પાણીની લાઈન નીકળે છે તો તેના વાલ્વ ખોલીને નદીઓ અને ચેકડેમોમાં કેમ પાણી નથી ભરવામાં આવતું?

દલિત, જમીન વિહોણા તથા ગરીબ ને મળતી સાંથણીની ખેતી માટેની જમીન ભાજપ સરકારે કેમ બંધ કરી છે?

શહેરોમાં મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ કોંગ્રેસ સરકાર મફત કે નજીવી ફીમાં આપતી તો હવે શિક્ષણ મોંઘુદાટ કેમ?

ગુજરાતમાં વીજળી, પેટ્રોલ, ડીઝલ સૌથી મોંઘુ અને વેટનો દર પણ દેશમાં સૌથી વધારે છે તેથી મધ્યમ વર્ગ મોંઘવારી થી પીસાય છે અને ભાજપ સત્તાની સાંઠમારીમાં મસ્ત છે.

લોક પશ્નો લોકોની વચ્ચે જઈને સંભળાય તેના માટે નાટક ન કરાય. ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વીટર ઉપર #AskVijayRupani નું ટ્વીટર તમાશા કરેલ છે. ત્યારે ગુજરાતની જનતા વતી ગુજરાતના મુખ્યમંત્રીના ટ્વીટર તમાશાને કેટલાક પ્રશ્નો પૂછવાની ફરજ પડી છે તેમ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવેલ છે.

———————————————————————————————————————————-