Close

September 15, 2017

Press Note Guj. Dt: 15.09.2017 નર્મદાના દરવાજાના નામે ભાજપનું ચુંટણી લક્ષી નાટક.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારીયાદી                                                                   તા. ૧૫/૦૯/૨૦૧૭       

  • નર્મદા યોજનાની ૪૩૦૦૦ કી.મી.ની કેનાલનું કામ ન કર્યું હોવાથી ગુજરાતને ન કલ્પી શકાય તેવું નુકશાન.
  • નર્મદાના દરવાજાના નામે ભાજપનું ચુંટણી લક્ષી નાટક.
  • દરવાજા બંધ કાર્ય વગર ગુજરાતના હિસ્સાનું ૯ એકર મિલયન ફીટ પાણી ઉપલબ્ધ છે પરંતુ કેનાલના કામો ન કર્યા હોવાથી પાણી દરિયામાં જાય છે.
  • વીજળીના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો નહિવત છે.
  • ૧૯૬૧માં શીલાન્યાસ બાદ નર્મદા ડેમનું કામ ૧૯૮૭ સુધી ખોરંભે પડ્યું હતું કારણ કે પર્યાવરણની મંજુરી નહોતી મળતી.
  • ૧૯૮૭માં રાજીવ ગાંધીજીએ પર્યાવરણની મંજુરી આપી અને ૪૧૬૫.૯૧ હેકટર જંગલની જમીન છુટી કરી તેથી યોજના શક્ય બની.
  • કોંગ્રેસની સરકારોએ માત્ર સાત વર્ષમાં નર્મદા યોજનાના ડેમના અતિમુશ્કેલ કામો કરી આપ્યા હતા જ્યારે ભાજપની સરકાર ૨૨ વર્ષ પછી પણ કેનાલ નથી બનાવી શકી.
  • કોંગ્રેસની સરકારે માત્ર સાત વર્ષમાં ડેમનું માટી કામ ૧૦૦%, મુખ્ય કેનાલનું કામ ૯૦% અને ડેમના પાયાથી લઈને ફ્લુઈઝ ગેઇટ બંધ કરવાનું અતિમુશ્કેલ કામ પણ કરેલ.
  • નર્મદા કંટ્રોલ ઓથોરીટી કાયદાથી બનેલી સ્વતંત્ર છે. વડા પ્રધાનશ્રી તેમાં સભ્ય સુધ્ધા નથી. તેમ છતાં દરવાજાની મંજુરી વડા પ્રધાનએ આપી તે જુઠાણું છે.
  • મહારાષ્ટ્રની કોંગ્રેસની સરકારે વિસ્થાપિતો માટે જમીન આપી તેથી પુન:વસન શક્ય બન્યું અને દરવાજાની મંજુરી મળી.
  • અનેક ખેડૂતોની લાખો હેક્ટર જમીન નર્મદાના પિયત કમાન્ડ એરિયામાંથી ભાજપ સરકારે બાદ કરી નાખી.
  • કેનાલોનું કામ પૂર્ણ નહી કરી શકનાર ભાજપ સરકારને પ્રજાના પૈસે ચુંટણી લક્ષી તાયફા કરવાનો અધિકાર નથી.
  • નર્મદા રથ, સમારંભ તથા તાયફાનો સંપુર્ણ ખર્ચ ભાજપ ઉઠાવે.
  • આયોજન પંચ તથા કેગે કહ્યા છતાં (વોરીજેન્ટલ) સમાંતર રીતે કેનાલનું કામ ન કર્યું હોવાથી ખેડૂતોને પાણી મળતું નથી. દર સિઝનમાં ખેડૂતોને ૧૮૦૦ કરોડથી વધારેનું નુકશાન.

 નર્મદા યોજનાના દરવાજાના નામે ભાજપની સરકાર માત્ર નાટક કરે છે. નર્મદા યોજનામાંથી ગુજરાતના ભાગે આવનાર ૯ એકર મિલિયન ફીટ પાણી વર્ષોથી ઉપલબ્ધ છે. પરંતુ ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીના કારણે ૪૩૦૦૦ કી.મી.ની નર્મદાની કેનાલ, માઈનોર, સબ માઈનોર તથા ફિલ્ડ ચેનલ બની નથી પરિણામે નર્મદાનું પાણી દરિયામાં જાય છે અને ગુજરાતના ખેડૂતોને નર્મદાનું પાણી મળતું નથી. દરવાજા બંધ કરવાથી જે વીજળી પેદા થશે તે તો પાડોશી રાજ્યોને આપવાની છે. ગુજરાતનો વીજળીનો હિસ્સો નહીવત છે. ગુજરાતને સાચો ફાયદો પાણીનો છે. કેનાલનાં કામો માટે કોઈની મંજુરીની જરૂર ન હોવા છતાં કેનાલના કામ ૨૨ વર્ષ સુધી કેમ પૂર્ણ ન કર્યા? ભાજપ તેનો જવાબ આપે સુપ્રીમ કોર્ટના હુકમ તથા જળવિવાદ ઘાસના કાયદાની જોગવાઈ મુજબની ટ્રીબ્યુનલ દ્વારા બનેલી તટસ્થ કમિટી નર્મદા કંટ્રોલ ઓથોરીટી બંધનું કામ આગળ વધારવા મંજુરી આપે છે. આ કમિટીમાં વડાપ્રધાન સભ્ય સુધ્ધા નથી. આમ છતાં નર્મદાના દરવાજા બંધ કરવાની મંજુરી વડાપ્રધાનશ્રીએ આપી તેવું જુઠ્ઠાણું ભાજપ ચલાવે છે. હકીકતમાં નર્મદાના દરવાજાની મંજુરી મળી તેનો યશ કોંગ્રેસને છે. વિસ્થાપિતો મધ્યપ્રદેશમાંથી તો જ ખસવા તૈયાર હતા કે જો તેમને મહારાષ્ટ્ર સરકાર જમીન આપે. ગુજરાત કોંગ્રેસના પ્રયત્નોનાં કારણે જે તે વખતના મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રીશ્રી પૃથ્વીરાજ ચૌહાણે વિસ્થાપિતોને મફત જમીન આપવા નિર્ણય કર્યો તેથી વિસ્થાપિતોનું સ્થળાંતર થઇ શક્યું અને NCA એ દરવાજા બંધ કરવાની મંજુરી આપી. નર્મદા કંટ્રોલ ઓથોરીટીની ૮૫ મી મીટીંગની મીનીટસમાં આ અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ છે.

નર્મદાનાં ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં આવેલ પાંચ ડેમો વીજળી પેદા કરે છે તેથી તેમને ફરજીયાત પાણી છોડવું પડે છે જે સરદાર સરોવર ડેમમાં આવે છે. જેથી દરવાજા બંધ ન થાય તો પણ ગુજરાતના હિસ્સાનું ૯ એકર મિલિયન ફીટ પાણી મળે જ છે. કેનાલના કામો ન થયા હોવાથી આ પાણી ખેડૂતોને મળવાના બદલે દરિયામાં જાય છે.

પંડિત જવાહરલાલ નહેરુજીએ સરદાર સરોવર બંધનો શિલાન્યાસ તા: ૦૫.૦૪.૧૯૬૧નાં રોજ કરેલ પરંતુ પર્યાવરણની મંજુરી ન મળવાથી ૧૯૮૭ સુધી યોજના અટવાઈ પડેલી. કોન્ગ્રેસનાં વડાપ્રધાન શ્રી રાજીવગાંધીજીએ તા:૨૪.૦૬.૧૯૮૭ નાં રોજ પર્યાવરણની મંજુરી પત્ર ક્રમાંક: ૩/૮૭/૮૦ આઈ.એ.થી આપી અને તા:૦૮.૦૯.૧૯૮૭ના રોજ યોજના માટે ૪૧૬૫.૯૧ હેક્ટર જંગલની જમીનને ફોરેસ્ટ એક્ટ ૧૯૮૦ તળે જંગલની જમીનમાંથી મુક્ત કરી તેથી નર્મદા યોજનાનું કામ શરુ થઇ શક્યું.

નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. નર્મદા યોજનાના અતિમહત્વનાં અને મુશ્કેલ કામો કોંગ્રેસની સરકારોના સમયમાં થયા હોવા છતાં કોન્ગ્રેસ પક્ષે નર્મદા યોજનાના નામે ક્યારેય પણ રાજનીતિ કરી નથી કે નર્મદા નિગમનો એક પણ રૂપિયો સમારંભો, જલસા કે મેળાવડાઓ પાછળ વાપર્યો નથી. તા. ૦૮.૦૯.૧૯૮૭ના રોજ પર્યાવરણની મંજુરી મળ્યા બાદ માત્ર સાત વર્ષમાં જ કોંગ્રેસની સરકારે નર્મદા ડેમનું ૧૦૦% માટી કામ કર્યું, મુખ્ય કેનાલનું ૯૦% કામ કર્યું અને નર્મદાના ઘસમસતા બારમાસી પુર વચ્ચે નદીના પ્રવાહમાં પાયા થી લઈને ફ્લુઈઝ ગેઇટ બંધ કરવાનું કામ કર્યું હતું. ત્યાર બાદ છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તેના દવારા કેનાલનું ૪૩૦૦૦ કિ.મીનું કામ નથી થયું. તેથી નર્મદાનું પાણી દરિયામાં જાય છે. નર્મદા યોજનામાંથી ૧૯ લાખ હેકટર જમીનને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન હતું તે ભાજપની સરકારે શા માટે ઘટાડી નાખ્યું? આયોજન પંચ તથા કેગે કહ્યા છતાં (વોરીજેન્ટલ) સમાંતર રીતે કેનાલનું કામ ન કર્યું હોવાથી ખેડૂતોને પાણી મળતું નથી. દર સિઝનમાં ખેડૂતોને ૧૮૦૦ કરોડથી વધારેનું નુકશાન.

ભાલ વિસ્તારના ખેડૂતો માટેના નર્મદા કમાન્ડનું એરિયામાંથી ૨૮૦૦૦ હેકટર જમીન ડીનોટીફાઈડ કરી નાખવામાં આવી છે જ્યારે સાણંદ વિસ્તારમાં ખેડૂતોને નર્મદાના કમાન્ડ એરિયામાં પાણી મળવાનું હતું તેમાંથી ૧૩૦૦૦ હેકટર જમીન ખેડૂતોની સિંચાઈમાંથી ડીનોટીફાઈડ ભાજપ સરકારે કરી નાખીને પોતાના માનીતા ઉદ્યોગપતિઓને પાણી આપી દીધું છે. આજ રીતે વાગરા તાલુકાના ૩૩ ગામો, ભરૂચ તાલુકાના ૧૧ ગામો, અલિયાબેટ વિસ્તાર, સાંતલપુર તાલુકાના ૨૦ ગામો, રાંધનપુર તાલુકાના ૩ ગામો ઉપરાંત બાવળા, અંજાર, ભચાઉ, ભુજ, માળીયા, માંડલ, સમી, ડભોઇ, બહુચરાજી, તિલકવાડા, વિગેરેના અનેક ખેડૂતોની હજારો હેકટર જમીન કે જેને નર્મદાનું પાણી મળવાનું હતું તેને કમાન્ડમાંથી ડીનોટીફાઈડ કરી નાખવામાં આવેલ છે જેથી ખેડૂતો નર્મદાના પાણીથી વંચિત બની ગયા છે. બીજી તરફ નર્મદાની મેઈન કેનાલમાંથી રાજસ્થાનને માત્ર ૦.૫ મીલીયન એકર ફીટ પાણી મળ્યું અને તેમાંથી ૭૫૦૦૦ હેકટર જમીનને લાભ મળવાનો હતો પરંતુ શ્રી અશોક ગેહલોતની કોંગ્રેસ સરકારે અધ્યતન ટેકનોલોજી અને કંટ્રોલ ઈરીગેશનનો ઉપયોગ કરીને સિંચાઈનો ૨.૨૫ લાખ હેકટરનો કમાન્ડ એરીયા વધારે કરી નાખ્યો હતો જેને આજે લાભ મળે છે.

નર્મદા ડેમની નીચે ગરુડેશ્વર વિયર (બંધ) બનાવીને ભરૂચ અને નર્મદા જીલ્લા સહીત નીચાણના વિસ્તારના ગામોને પાણી પહોંચાડવાનું હતું. આ કામ માટે કોઈની પણ મંજુરીની જરૂર ન હતી. આમ છતાં ૨૨ વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકારે આ કામ પૂર્ણ કરેલ નથી. 

નર્મદા યોજના માટે વિશ્વ બેન્કે સહાય આપવાની ખાતરી આપી હતી પરંતુ કહેવાતા પર્યાવરણવાદીઓના દબાણ નીચે અને મોર્ટા કમિશનના અહેવાલના પગલે સરદાર સરોવર યોજનામાંથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો. છતાં કોંગ્રેસની સરકારે હિંમત હાર્યા વગર અન્ય કામકાજમાં કરકસર અને નર્મદા બોન્ડના માધ્યમથી નાણાં ઉભા કરી યોજના આગળ ધપાવી હતી. આજે ભાજપની સરકાર નર્મદા નિગમના નાણાંનો બેફામ દુરઉપયોગ કરે છે. ભાજપનો વિકાસ ગાંડો થયો છે તે સ્પષ્ટ દેખાય છે ત્યારે નર્મદાના નામે નાટક કરીને જે પ્રજાના પૈસાનો દુરઉપયોગ થયો છે તેનો સંપુર્ણ ખર્ચ ભાજપ ભરપાઈ કરે તેવી માંગણી કોંગ્રેસ પક્ષે કરી છે. ૪૩૦૦૦ કી.મી ની કેનાલનું કામ ૨૨ વર્ષ સત્તામાં રહ્યા પછી નહી કરવા બદલ ભાજપે ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ.

નર્મદા અંગેની પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતભાઈ સોલંકી તથા રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે વિસ્તૃત માહિતી આપી હતી.

————————————————————————————————

 

Click Here To View/Download Press Note