Close

March 10, 2015

Press Note Guj Dt: 10/03/2015 Budget

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારીયાદી                                                              તા.૧૦.૦૩.૨૦૧૫

     

  • ગુજરાત સરકાર બજેટમાં ખોટા આંકડાઓની માયાજાળ આપે છે.
  • દર વર્ષે બજેટ પુરાંતવાળુ રજુ કર્યુ છે તેમ કહીને વાહવાહ લુંટે છે પરંતુ ખરેખર વર્ષના અંતે  ૧૦ હજાર કરોડની ખાધ હોય છે.
  • ગુજરાત સરકારે ખેડૂતોના રૂપિયા ૪૦૦ કરોડ, ગ્રામિણ વિકાસના રૂ. ૧૪૨૮ કરોડ તથા સામાજીક સેવાના રૂ. ૪૭૦૨ કરોડ કાપી લીધા.
  • આમ ગુજરાતીના બજેટના નાણા પર કાપ મુકીને સરકારે માનીતા ઉદ્યોગપતિઓને બજેટની જોગવાઈ કરતા રૂ. ૧૩૩૮ કરોડ વધારે આપી દીધા.
  • ખંડ સમયના પ્રાધ્યાપકોએ પોતાના લોહીથી લખીને આવેદનપત્ર આપ્યું છતા સરકારને અસર નથી.
  • દર વરસે ૧૮ હજાર કર્મચારી નિવૃત થાય છે છતા યુવાનોને સરકારી નોકરી નથી આપવામાં આવતી.
  • ૨૨ વરસ થી ભાજપની સરકાર છે પરંતુ નર્મદાની કેનાલનું કામ કરવામાં આવતુ નથી.
  • ૧૭.૯૨ લાખ હેક્ટરને નર્મદાનુ સિંચાઈનું પાણી મળવુ જોઈએ તેના બદલે માત્ર ૨ લાખ હેક્ટરને જ નર્મદાનુ પાણી.

       બજેટ પરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા ધારસભ્ય અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારની ગરીબ,ગ્રામિણ, કૃષિ તથા આમ ગુજરાતીઓ વિરુધ્ધની નિતિ ઉપર પ્રહારો કર્યા હતા. વિધાનસભામાં સદંતર જુઠ્ઠા આંકડા આપીને બજેટ પુરાંતવાળુ છે તેમ કહીને દર વર્ષે ભાજપની સરકાર વાહવાહ લુંટે છે પરંતુ હકીકતે વર્ષના અંતે ભાજપની સરકારમાં એક પણ વર્ષમાં પુરાંત નથી રહી પરંતુ દર વર્ષે દસ હાજર કરોડ થી વધારે નાણાંકીય ખાધ (FISCAL DEFICIT) રહી છે. શ્રી ગોહિલે વર્ષવાર આ ખાધના આંકડા રજુ કર્યા હતા.

       આપણો દેશ કૃષિ આધારિત દેશ છે. સામાન્ય માણસના ઉત્કર્ષ માટેના કામો સામાજીક સેવાઓમાં સરકાર ખર્ચ કરે તેમાંથી થાય છે. ગાંધીજીએ કહ્યું હતુ કે સાચુ ભારત ગામડામાં વસે છે માટે ગ્રામિણ વિકાસના કામો વધારે થવા જોઈએ પરંતુ ગુજરાતની ભાજપની સરકારે વાર્ષિક આઉટલે પ્લાન મુજબ ખેડૂતો માટે વાપરવાના બજેટ માંથી છેલ્લા એક વર્ષમાં ૪૦૦ કરોડ ૫૨ લાખ કાપી લીધા. ગ્રામિણ વિકાસ માટે ખર્ચ કરવાના હતા તેમાંથી છેલ્લા બે વર્ષમાં ૧૪૨૮ કરોડ ૮૯ લાખ રૂપિયા કાપી લીધા. સામાજીક સેવાઓ માટે જે ખર્ચ કરવાનો હતો તેમાંથી ૪૭૦૨ કરોડ ૮૫ લાખ રૂપિયા કાપી લીધા છે. આમ ગુજરાતના સાચા વિકાસના ક્ષેત્રમાં વાપરવાના કરોડો રૂપિયા કાપી લઈને માનીતા ઉદ્યોગપતિઓ ને માલામાલ કરવા આયોજનના આઉટલે કરતા છેલ્લા બે વર્ષમાં ૧૩૩૮ કરોડ ૩૯ લાખ રૂપિયા ઉદ્યોગ ક્ષેત્રમાં ગુજરાતના બજેટ માંથી વધારે વાપરી નાખ્યા છે.

       ગુજરાતમાં પુષ્કળ બેરોજગાર યુવાનો છે અને સરકારમાં અસંખ્ય જગ્યાઓ ખાલી છે ગુજરાતમાં સરકારી પોલીટેકનીક કોલેજોમાં પ્રિન્સીપાલો ની ૩૦ જગ્યાઓ મંજુર થયેલ છે તેમાંથી ૨૭ જગ્યાઓ ખાલી છે. મેડીકલ કોલેજો થી લઈને પ્રાથમિક શાળાઓમાં અસંખ્ય જગ્યાઓ ખાલી છે. સરકાર જાહેર કરે છે કે ૧૦ વર્ષમાં ૧૫ લાખ જગ્યાઓ ભરીશુ પરંતુ અત્યારે દર વરસે ૧૮ હજાર કર્મચારીઓ નિવૃત થાય છે તેથી જગ્યાઓ ભરાશે નહી પરંતુ દર વરસે ૩ હજારની વધારે ઘટ થશે. GPSC ની પરીક્ષાઓના પરિણામો સમયસર આવતા નથી આન્સર કી ખોવાઈ જાય છે.

       સરકારમાં અનુભવી કર્મચારીઓનો લાભ મળે અને ખાલી જગ્યાઓ ઓછી થાય તે માટે નિવૃતિ વયમર્યાદા ૫૮ વર્ષના બદલે ૬૦ કરવી જોઈએ. ૬૦ વર્ષની વયમર્યાદા કરવામાં આવે ત્યારે કર્મચારીને મળતા લાભમાં કાપકુપ ન કરવી જોઈએ.

       ગુજરાતમાં પગાર લેતા શિક્ષકો ટ્યુશન ખુલ્લેઆમ કરે છે. શાળાના જ વર્ગ ખંડોમાં વધારાના વર્ગના નામે ટ્યુશનની બદી ચાલે છે. જે ટ્યુશન ન રાખે તેને દસમાં ધોરણમાં આંતરિક ૩૦ માર્કસ આપવાના હોય તે યોગ્ય રીતે મળતા નથી. આંતરિક માર્કસના દુષણના કારણે પાટણ PTC કોલેજમાં દીકરીનું શોષણ થયેલ અને પછી PTC માં આંતરિક માર્કસની પ્રથા બંધ કરવામાં આવી તો પછી દસમાં ધોરણમાં આંતરિક માર્કસની પ્રથા શા માટે રાખેલ છે?

       એન્જિનિયરીંગ, ફાર્મસી જેવા અભ્યાસક્રમો માં છેલ્લા ૩ વર્ષમાં ગુજરાતમાં ૪૦ હજાર થી ૭૫ હજાર સુધી ફીમાં વધારો કરવામાં આવેલ છે. આ રીતે મોંધી ફી ગુજરાતના યુવાનોનું શોષણ છે.

       ખંડ સમયના પ્રાધ્યાપકો વર્ષોથી સેવા કરે છે. પ્રાધ્યાપકોની ખાલી જગ્યાઓ છે તેઓને કાયમી પ્રાધ્યાપકો તરીકે સમાવવાની માંગણી ન સંતોષાતા લોહીથી સહીઓ કરીને સરકારને આવેદનપત્ર આપ્યુ છે. આ પ્રાધ્યાપકોને કાયમી જગ્યાઓ પર સમાવવા જોઈએ.

       નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. યોજનામાં આજે પુરતુ પાણી ઉપરથી આવે છે. નર્મદા માંથી ૧૭.૯૨ લાખ હેક્ટરને પાણી સિંચાઈ માટે આપી શકાય પરંતુ ગુજરાત સરકારની ગુન્હાહિત બેદરકારીના કારણે ૨૨ વર્ષ ભાજપની સરકાર રહેવા છતા કેનાલો બનેલ નથી માટે માત્ર ૨.૦૯ લાખ હેક્ટરને જ નર્મદાનું પાણી મળે છે. નર્મદાના દરવાજા ની મંજુરી સુપ્રિમ કોર્ટના જર્જમેન્ટ મુજબ સ્વતંત્ર કામ કરતી નર્મદા કંટ્રોલ ઓથોરીટી આપે છે. આમ છતા વડા પ્રધાનને રાજકીય જસ આપવાનો પ્રયત્ન બરાબર નથી. વિલંબ થવાનું કારણ મધ્યપ્રદેશની બીજેપી સરકારે પુન: વસનનું કામ કરેલ ન  હતુ તેથી નર્મદા કંટ્રોલ ઓથોરીટી એ દરવાજાની મંજુરીમાં વિલંબ કર્યો હતો તે NCAની મિનીટ્સમાં સ્પષ્ટ રીતે લખાયેલ છે.

 

————————————————————————————————-