Close

June 9, 2011

Press Note Guj Dt: 09/06/2011 on Bharuch SEZ

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                                  તા.૦૯-૦૬-ર૦૧૧

 

  • ભરુચ જિલ્‍લાના ૪૪ ગામોમાં ખેડૂતોની અતિ ફળદ્રુપ ૪પર.૯૮પ૯ ચો.કિ.મી. જમીન પડાવી લેવાની સરકારની પેરવી.
  • અસરગ્રસ્‍ત ખેડૂતોના વાંધાઓ અને પ્રશ્નો વિરોધપક્ષના નેતા આવતી કાલે તા.૧૦.૦૬.ર૦૧૧ને શુક્રવારના રોજ રુબરુ જઇને સાંભળશે.
  • વાગરા ખેડૂત સંમેલનમાં વિરોધપક્ષના નેતા સાથે માન.ધારાસભ્‍ય શ્રી ઇકબાલભાઇ પટેલ, સામાજીક આગેવાનો શ્રી મહેશભાઇ પંડ્યા, શ્રી ચુનીકાકા, શ્રી રજનીભાઇ વગેરે પણ જોડાશે.
  • ખેડૂતો યોગ્‍ય વાંધા રજૂ ન કરી શકે તે માટે કાયદાથી જરુરી આપવા પડતાં જરુરી દસ્‍તાવેજો ગ્રામ પંચાયતમાં મૂકવાનાં બદલે અંગ્રેજીમાં ઇન્‍ટરનેટ પર મૂકયાં.
  • ૧૯૯૬-૯૭માં G.I.D.C.માટે મફતના ભાવે સંપાદન કરેલી જમીન SEZ માટે સરકારે માનીતાને આપી.
  • G.I.D.C. માટે જેમની જમીન સંપાદન થઇ હતી તેમને આજની તારીખે વળતર આપો.
  • ખેડૂતોને બજાર ભાવનું વળતર અને નોકરીની ખાતરી સરકાર આપે.
  • ખેડૂતોની મિલકત પડાવી ઉદ્યોગોને લ્હાણી કરવાનું સરકાર બંધ કરે.

              ગુજરાત પેટ્રોલિયમ, કે‍મિકલ એન્‍ડ પેટ્રોલિયમે કેમિકલનું સ્‍પેશ્‍યલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રીજીયોનલ ડેવલપમેન્‍ટ ઓથોરીટી, ગાંધીનગર ( G.P.S.C.R.D.A.) દ્વારા ૧૩ એપ્રિલ-ર૦૧૧ના કોઇને પણ ન સમજી શકાય તેવી જાહેર નોટિસ આપીને વાગરા તાલુકાના ર૩, ભરુચ તાલુકાના ૧૧ સહિત કુલ ભરુચ જિલ્‍લાના ૪૪ ગામોની આશરે ૪પર.૯૮પ૯ ચો.કિ.મી. જમીન દહેજના સ્‍પે. ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રીજીયોન (S.I.R.) માટે લઇ લેવાની પેરવી રાજ્ય સરકારે શરુ કરેલી છે. ખેડૂતોની મહામૂલી ફળદ્રુપ જમીન મફતના ભાવે સંપાદન કરી ઉદ્યોગપતિઓને લ્‍હાણી કરવાના રાજ્ય સરકારના આ કાવતરા સામે વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે વિરોધ ઉઠાવેલો છે. આ વિસ્‍તારના ખેડૂતોની સાચી પરિસ્થિતિનો તાગ મેળવવા તેમજ જન ફરિયાદો સાંભળવા માટે વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ તા.૧૦.૦૬.ર૦૧૧ને શુક્રવારના રોજ ભરુચ જિલ્‍લાના આ ૪૪ ગામોના અસરગ્રસ્‍ત ખેડૂતોને રુબરુ મળશે. આ અંગેનો કાર્યક્રમ ભરુચ જિલ્‍લાના વાગરા ખાતે બસ સ્‍ટેન્‍ડ પાસે બપોરના ૩-૦૦ કલાકે રાખેલ છે. ગુજરાત સરકારે ખેડૂતોને સાચી પરિસ્થિતિનો તાગ ન મળે તે આશયથી જ લેખિત વાંધા સૂચનો માંગવા માટેની નોટિસ અસ્‍પષ્‍ટ રીતે પબ્‍લીશ કરી છે. ૭૦૦ પાનાનો આ દસ્‍તાવેજ વેબસાઇટ પર મૂક્યાની જાહેરાત કરી છે અને આ ૭૦૦ પાના વેબસાઇટ ઉપર પણ બદઇરાદાથી જ ગુજરાતીમાં મૂકાયા નથી. મહેનતકસ ખેડૂતોને અંધારામાં રાખીને ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ઉદ્યોગપતિઓને લ્‍હાણી કરવા માટે પેરવી કરી રહ્યાં છે.

         અગાઉ આજ જિલ્‍લાના લખી ગામ અને લુવારા ખાતે G.I.D.C. બનાવવાની છે તેમ કહીને રાજ્ય સરકારે જમીન સંપાદન કરી હતી. ખેડૂતો પાસેથી G.I.D.C. માટે નહીંવત કિંમતે લીધેલી જમીનમાં રાજય સરકારે G.I.D.C. બનાવી નથી અને આ જમીન SEZ માટે આપી દેવામાં આવી છે. ખેડૂતો પાસેથી માત્ર પ૬ હજાર રુપિ‍યામાં લીધેલી જમીનની કિંમત આજની તારીખે સાત લાખ રુપિ‍યાથી લઇને ચૌદ લાખ રુપિ‍યા સુધીની છે. G.I.D.C. માટે સંપાદન કરેલી જમીન ઉદ્યોગપતિઓને SEZમાં આપવાના બદલે કાં તો ખેડૂતોને આ જમીન પરત કરવી જોઇએ અથવા SEZના ઉદ્યોગપતિઓ પાસેથી આજની તારીખની બજાર કિંમત લઇને ખેડૂતોને આપવી જોઇએ. લખી ગામમાં ચારેય તરફ ઉદ્યોગોથી પ્રદુષણયુક્ત પરિસ્થિતિ એવી પેદા થઇ રહી છે કે, લખી ગામના લોકોએ ફરજીયાતપણે ગામ ખાલી કરીને જવું પડે. અન્‍ય છ ગામો જેને SEZ-1 ગણવામાં આવ્‍યા છે. તે દહેજ, જાગેશ્વર, અંભેટા, વાડીયા, સુવા, જોટવામાં રાજ્ય સરકારે જમીન સંપાદન કરી દીધી છે. બજાર કિંમત કરતાં ખૂબ જ ઓછી કિંમત એકર‍ દીઠ ખેડૂતોને આપવામાં આવી છે. દહેજ મેગા રાસાયણિક વસાહતના વિસ્‍તૃતિકરણના નામે ૪પ ગામોની જમીન સંપાદન કરવાની રાજ્ય સરકારની પેરવી છે. આ વિસ્‍તાર ખેડૂતો માટેનો અતિશય ફળદ્રુપ પ્રદેશ ગણાય છે. ઇતિહાસમાં ખેતી માટેના સમૃધ્ધ કાનમ પ્રદેશ તરીકે ઓળખાતા આ વિસ્‍તારની જમીન મફતના ભાવે રાજ્ય સરકાર લઇ લેવા માંગે છે. ગુજરાત સરકારે ખેડૂતોની જમીન પડાવી લેવા માટે જ ગુજરાત સ્‍પેશ્‍યલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રીજીયોન એકટ-ર૦૦૯ અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની સત્‍તાનો દુરપયોગ ખેડૂતોને નુકશાન કરવાં કરેલ છે. ખરા અર્થમાં ક્યારેય કોઇ જમીન સંપાદન કરવાની હોય ત્‍યારે સ્‍થાનિક ખેડૂતોને સંપૂર્ણ સમજ મળે તેવી રીતે તમામ દસ્‍તાવેજો અસરગ્રસ્‍ત ગ્રામ પંચાયતોમાં નોટિસ બોર્ડ ઉપર પણ મૂકવા જોઇએ અને લોકોને પૂરાં દસ્‍તાવેજો આપ્‍યા પછી લોકસંવાદ (પબ્‍લીક કન્‍સ્‍લટેશન) કરીને લોકોના વાંધા અને સૂચનો લેવા જોઇએ. રાજ્ય સરકારે ખેડૂતોની જમીન પડાવી લેવા સંપૂર્ણ વિગત સાથેના દસ્‍તાવેજો ગુજરાતી ભાષામાં સમજી શકાય તે રીતે ગ્રામ પંચાયતોના નોટિસ બોર્ડ પર મૂકવાના બદલે ૭૦૦ પાનાના અંગ્રેજી દસ્‍તાવેજો જ વેબસાઇટ ઉપર મૂકેલા છે.

         ખેડૂતોની આ મહામૂલી જમીનની બજાર કિંમત મુજબનું વળતર અને અસરગ્રસ્‍ત વ્‍યકિતઓના પરિવારોને રોજગારીની બાંહેધરી આપ્‍યા વગર સંપાદન કરવું તે  ખેડૂતોનું શોષણ છે. ખેડૂતોના હિત માટે અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ, માન.ધારાસભ્‍ય શ્રી ઇકબાલભાઇ પટેલ સામાજીક આગેવાનો શ્રી મહેશભાઇ પંડ્યા, શ્રી ચુનીકાકા, શ્રી રજનીભાઇ તેમજ કોગ્રેસના આગેવાનો અને ખેડૂતો તેમજ પર્યાવરણ અંગે ચિંતિત સંગઠનો લોક ફરિયાદોને રુબરુ સાંભળવાનો કાર્યક્રમ આપશે. જો સરકાર અન્‍યાયી રીતે આગળ વધશે તો સ્‍થાનિક ખેડૂતોના હિતમાં મોટા જન આંદોલનની તૈયારી સ્‍થાનિક અસરગ્રસ્‍ત ખેડુતો જ કરશે.

—————————————————————————————————————–