Close

November 5, 2019

Press Note Guj. Dt: 05/11/2019 GUJCOC

Click here to view/download press note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

પ્રભારી- બિહાર અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

અખબારીયાદી                                                                    તા. ૦૫.૧૧.૨૦૧૯

 

       ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ બીલ જેને ટૂંકા નામથી ગુજકોક તરીકે ઓળખાય છે. જેને આજે રાષ્ટ્રપતિશ્રીએ મંજુરી આપી છે. હકીકતમાં, આતંકવાદ સામે લડવા માટે પોટાને રીપીટ કર્યા પછી ભારત સરકાર દ્વારા અન લો ફુલ એક્ટીવીટી એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૦૪ કરવામાં આવ્યો છે. તેમાં આતંકવાદ સામે લડવા માટેની ખૂબ જ કડક અને પૂરતી જોગવાઈઓ છે. આમ હોવા છતાં, ગુજકોકના નામે આતંકવાદ સામે લડવામાં નિષ્ફળ ગયેલ ભાજપ રાજકારણ રમી રહેલ છે.

       માત્ર કાયદાથી જ જો આતંકવાદી રોકી શકાતો હોત તો પોટાનો જ્યારે કાયદો હતો ત્યારે દેશમાં આતંકવાદી રોકી શકાયો હોત, પરંતુ ખરેખર જ્યારે પોટાનો કાયદો હતો અને ભાજપની સરકાર ગુજરાતમાં અને કેન્દ્રમાં હતી ત્યારે આતંકવાદના સૌથી વધારે હુમલાઓ દેશ ઉપર થયા હતા. દેશની સંસદ ઉપર, રઘુનાથ મંદિર ઉપર, લાલકિલ્લા ઉપર, અક્ષરધામ ઉપર અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ઉપર આતંકવાદી હુમલા થયા હતા અને સ્વ. શ્રી હરેન પંડ્યાની હત્યા થઈ હતી. એટલું  જ નહીં, પરંતુ ભાજપના એક મંત્રીશ્રીએ પૈસાની બેગો ભરીને આતંકવાદીઓને કંદહાર છોડવા જવાનું કૃત્ય કરવું પડ્યું હતું. જે બતાવે છે કે, કાયદો કે મોટી વાતો કરવાને બદલે ભાજપે મક્કમતાથી આતંકવાદ સામે લડવા ઈચ્છાશક્તિ રાખવી જોઈએ અને તેમાં કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ સાથ આપશે. પરંતુ આતંકવાદના નામે નિર્દોષ લોકોને હેરાન કરવા અને રાજકીય ફાયદો લેવાના પ્રયત્નો ભાજપ કરે છે તે બરાબર નથી.

       ગુજકોકનો ઈતિહાસ જોઈએ તો ઘણો લાંબો છે અને તેમાં કાયદો બનાવવા કરતા રાજકીય આશય વધારે પડતો રહ્યો છે. ગુજરાત સરકારે તા. ૨૬-૧૨-૨૦૦૧ના રોજ ‘‘ગુજરાત કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ બીલ, ૨૦૦૧’’નો ડ્રાફટ બનાવીને ભારત સરકારને મોકલેલ. તે સમયે ગુજરાતમાં અને દેશમાં બંને જગ્યાએ ભાજપની સરકાર હતી. આ ડ્રાફટને સુધારો કરવાની સૂચના સાથે જે-તે સમયની દેશની ભાજપની સરકારે પરત મોકલેલ. તા. ૧૭-૩-૨૦૦૩ના રોજ ગુજરાતની વિધાનસભાએ ગુજકોકનું બિલ પસાર કર્યું અને ત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર હતી અને ગુજરાતના ગવર્નર તરીકે ભાજપના જ નિયુક્ત કરેલા ગવર્નર શ્રી સુંદરસિંહ ભંડારી હતા. આમ છતાં, ગવર્નરશ્રીએ આ બિલને મંજૂરી આપવાને બદલે ભારતના બંધારણના આર્ટીકલ ૨૦૦ તથા ૨૦૧ નીચે ભારત સરકારને રાષ્ટ્રપતિશ્રીની મંજૂરી માટે મોકલી આપ્યો હતો. મહિનાઓ સુધી ગુજકોકના બિલ અંગે ભારત સરકારે કોઈ મંજૂરી આપી નહીં અને તા. ૮-૩-૨૦૦૪ના રોજ ભાજપના જે-તે સમયના ગૃહમંત્રીશ્રી અડવાણીજીએ અને રાષ્ટ્રપતિ ડો. ઍ.પી.જે. અબ્દુલ કલામે પણ ગુજકોકના બિલને મંજૂરી આપી નહીં, પરંતુ તેને ગુજરાત સરકારને પાછું મોકલી દીધું હતું. ત્યારબાદ માત્ર અને માત્ર રાજકીય કારણોથી ગુજકોકના બિલને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવતાં ફરી વિધાનસભામાં તા. ૨-૬-૨૦૦૪ના રોજ કોંગ્રેસના સભ્યોને ગૃહમાંથી બહાર કાઢીને બે જ મિનિટમાં વગર ચર્ચાએ પસાર કરવામાં આવ્યું હતું.

            હકીકતમાં ગુજકોકનું બિલ ભાજપની કેન્દ્ર સરકારે પણ મંજૂર કર્યું  નહોતું. ભાજપના ગવર્નરશ્રીએ પણ તેને મંજૂરી આપી નહોતી, કારણ કે ડો. બાબાસાહેબ આંબેડકરે આપેલા આપણા દેશના બંધારણમાં રાજ્યના અધિકાર, કેન્દ્રનો અધિકાર અને કન્કરન લિસ્ટ સ્પષ્ટ રીતે જુદા છે. આપણા બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે કે, ‘‘ભારત સરકારે બનાવેલા કોઈપણ કાયદાથી વિરૂદ્ધની જોગવાઈ કોઈપણ રાજ્યની સરકાર પોતાના કાયદામાં કરી શકે નહીં તેમજ ભારત સરકારે કોઈ કાયદો રદ્દબાતલ કર્યો હોય તેને મળતી જોગવાઈ  કોઈપણ રાજ્ય સરકાર કરી શકે નહીં.’’

            લાંબા પરામર્શ પછી કેન્દ્ર સરકારની કેબિનેટ તરફથી માત્ર ત્રણ નાના સુધારા સાથે ગુજકોકના બિલને માન. રાષ્ટ્રપતિશ્રીને મોકલી આપવામાં આવ્યો. માન. રાષ્ટ્રપતિશ્રીએ ગુજકોકના કાયદામાં નાના સુધારા સૂચવેલા હતા અને તે સુધારા સાથે વિધેયકને પસાર કરવા માટે સંદેશા સાથે ગુજરાત વિધાનસભાને બિલ પરત મોકલેલું. તાર્કિક રીતે કે કાનૂની રીતે જોઈએ તો માન. રાષ્ટ્રપતિશ્રીએ સૂચવેલા ત્રણ સુધારા કોઈપણ રીતે અસ્થાને ન હતાં. કેન્દ્રીય કાયદાથી રાજ્ય સરકારનો કોઈપણ કાયદો વિપરીત જોગવાઈઓવાળો આપણા બંધારણ પ્રમાણે હોઈ શકે નહીં. ઈન્ડીયન એવીડેન્સ એક્ટની જોગવાઈ  સ્પષ્ટ છે કે, જો કોઈપણ તહોમતદારનું નિવેદન તેની સામે પુરાવા તરીકે વાપરવાનું હોય તો પોલીસે જે-તે તહોમતદારને મેજીસ્ટ્રેટશ્રી સમક્ષ હાજર રાખવા જોઈએ અને મેજીસ્ટ્રેટશ્રીની રૂબરૂમાં તહોમતદારનું નિવેદન નોંધાવી લેવું જોઈએ.  જેથી આ નિવેદન તહોમતદાર ભવિષ્યમાં ફેરવી શકે નહીં અને તે નિવેદનને તહોમતદારની વિરૂદ્ધના પુરાવા તરીકે વાપરી શકાય. કાયદો ઘડનાર ગૃહના સભ્યોશ્રીએ ખૂબ ડહાપણપૂર્વક ઈન્ડીયન એવીડેન્સ એકટની જોગવાઈઓ કરેલી છે તેથી પોલીસ સત્તાનો દુરુપયોગ પણ ન કરી શકે અને તહોમતદાર ખરેખર જો નિવેદન આપતો હોય અને ભવિષ્યમાં તે ફરી જશે તેવી દહેશત હોય તો મેજીસ્ટ્રેટ પાસે નિવેદન નોંધાવી તેને પુરાવા તરીકે વાપરી શકાય તેવી જોગવાઈ  કરી છે. જો કોર્ટના આ અધિકારો પોલીસને આપવામાં આવે તો નિર્દોષ વ્યકિતઓને પોલીસ થર્ડ ડીગ્રી વાપરીને નિવેદન લખાવી શકે અને ખોટા એન્કાઉન્ટર કરનાર તથા ભ્રષ્ટ્રાચાર કરનાર અનેક પોલીસ અધિકારીઓના અસંખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે, તે પોલીસના હાથમાં આ પ્રકારની સત્તા આપવી યોગ્ય ન જ કહી શકાય. આ કારણોસર ઈન્ડીયન એવીડેન્સ એકટની કલમ-રપમાં વ્યાજબી જોગવાઈ કરવામાં આવી છે. દેશના આ બંધારણીય કાયદાથી સંપૂર્ણ વિપરીત એવી જોગવાઈ ગુજકોકના કાયદાની કલમ-૧૬માં કરી દેવામાં આવી છે અને તેથી પોલીસ પોતે નિવેદન નોંધી લે અને અદાલતના અધિકાર પોલીસ ભોગવી આરોપીના નિવેદનને આરોપીની વિરૂદ્ધ પુરાવા તરીકે વાપરે તેવી જોગવાઈ  કરવામાં આવી છે. આ જોગવાઈ  કેન્દ્રીય કાયદાને અનુરૂપ ન હોઈ તેને રદ્દ કરવો એટલે કે કલમ-૧૬ને રદ્દ કરવા માન. રાષ્ટ્રપતિશ્રીએ સૂચવેલું હતું. કોઈ તહોમતદારનું નિવેદન ભવિષ્યમાં ફરી જાય તેમ લાગતું હોય તો મેજીસ્ટ્રેટ પાસે નિવેદન રેકોર્ડ કરવાના અને પુરાવા તરીકે તેને વાપરવાના પોલીસના અધિકારને કલમ-૧૬ રદ થવાથી કોઈ વિપરીત અસર પડે તેમ નથી. માન. રાષ્ટ્રપતિશ્રીએ ગુજકોકના કાયદાની કલમ-ર૦(ર)માં માત્ર શેલ શબ્દ છે ત્યાં મે શબ્દ વાપરવાનું કહ્યું છે. આમ થવાથી ગુજકોકના કાયદાને પ્રાપ્ત થતાં કાનુની અધિકારમાં કોઈ ફરક પડતો નથી. આ ઉપરાંત ગુજકોકના કાયદાની કલમ-ર૦(૪) માત્ર અદાલતો ફેરફાર કરવાનો અને જેથી કેન્દ્રીય કાયદો અન લો ફુલ એકટીવીટી (પ્રિવેન્સન) એમેન્ડમેન્ટ એકટ-ર૦૦૪ સાથે કર્ન્ફમીટી બને છે. આમ, માન. રાષ્ટ્રપતિશ્રીએ સૂચવેલા આ નજીવા પ્રકારના અને બંધારણીય તથા કાયદાકીય રીતે આવશ્યક સુધારાઓ સ્વીકારીને ગુજરાત સરકારે ગુજકોક બિલ પસાર કર્યું  હોત તો ગુજકોકના બિલને કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત થઈ શક્યું હોત. આતંકવાદ અને આતંકવાદીઓ એવા શબ્દો ગુજકોકના કાયદામાં સાડા સાત વર્ષ પછી ઉમેરવામાં આવ્યા છે. વિધાનસભાઓ કાયદો પ્રજાના હિત માટે બનાવતી હોય છે નહીં કે કાયદાના નામે રાજકારણ કરવા માટે.

            ગુજકોકના કાયદામાં ભૂતકાળના માન. રાષ્ટ્રપતિશ્રીએ સૂચવેલા સુધારાઓ દાખલ કરવામાં આવેલા નથી અને તેથી ગુજકોકનો કાયદો કેન્દ્રીય કાયદાઓથી વિરૂદ્ધની જોગવાઈવાળો રહ્યો છે.

ગુજકોકના કાયદામાં ભારત સરકારે બનાવેલા (૧) ઈન્ડિયન એવીડેન્સ એક્ટ-૧૯૭૨, (૨) ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ તથા (૩) ક્રિમીનલ પ્રોસીજર કોડની જોગવાઈઓથી તદ્દન વિપરીત જોગવાઈ કરવામાં આવી છે અને તેથી ગુજકોકનો કાયદો એ રાજ્ય સરકારની સત્તા અને અધિકાર વિરૂદ્ધનો હોવાથી અને કેન્દ્રમાં જ્યારે ભાજપની સરકાર હતી ત્યારે તેને મંજૂરી મળી નહોતી અને યુપીએ  સરકારમાં પણ સ્વાભાવિક રીતે મંજૂરી મળી ન હતી.

————————————————————————————–