Close

March 3, 2015

Press Note Guj Dt: 03/03/2015 Governor’s Address

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી  અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                                 તા. ૦૩.૦૩.૨૦૧૫

  • રાજયપાલશ્રીના પ્રવચનમાં સરકારની સ્પષ્ટ નીતિ, પ્રામાણિકતા કે લોકહિતના કામોનો અણસાર નથી.
  • સ્વાઈન ફલૂથી મૃત્યુ પામનારમાં ગુજરાત નંબર-૧.
  • ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈન ફલૂથી સારવાર લેનારને મહારાષ્ટ્ર સરકાર પૂરેપૂરો ખર્ચ આપે છે તેમ ગુજરાતે પણ દર્દી માટેનો ખર્ચ ભોગવવો જોઇએ.
  • સરકારની ગુનાહિત બેદરકારીના કારણે સ્પીકરથી લઇને સોનમ કપૂર સુધી સૌ કોઇ સ્વાઈન ફલૂથી પીડાગ્રસ્ત.
  • કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલું પારાવાર નુકશાન, સરકાર વળતરથી મદદ કરે.
  • પ્રસુતા આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોની ૧૮૦ દિવસની રજા આપવા કેન્દ્ર સરકારે સન-ર૦૧૦માં કહ્યું છતાં ગુજરાત સરકાર રજા આપતી નથી.
  • ગુજરાતમાં સરકારની ગરીબ વિરોધી નીતિના કારણે સૌથી વધારે કુપોષિત બાળકો ગુજરાતમાં છે.
  • પાર્ટટાઇમના કર્મચારીઓનું ગુજરાત સરકાર શોષણ કરે છે.
  • ગુજરાતના યુવાનોને ફિક્સ પગાર નહીં પરંતુ પૂરતો પગાર સરકાર આપે.
  • ખંડ સમયના પ્રાધ્યાપકોને સરકારે કાયમી કરવા જોઇએ.
  • શાળાઓમાં કોમ્પ્યુટરની કીટ છે પરંતુ કોમ્પ્યુટરનો અભ્યાસ કરાવનાર શિક્ષકો નથી.
  • ટાટની પરીક્ષા પાસ કરેલા કોમ્પ્યુટરોના શિક્ષકોની સરકારે તાત્કાલિક ભરતી કરવી જોઇએ.
  • રાજ્યપાલશ્રીના આખા પ્રવચનમાં કચ્છના અસરગ્રસ્ત વિસ્તાર માટે એક પણ શબ્દનો ઉલ્લેખ નથી. આજ બતાવે છે કે, અછતથી પીડાતા કચ્છના લોકો માટે સરકાર અતિશય ઉદાસીન છે.

       ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલશ્રીના પ્રવચન પરની ચર્ચામાં ભાગ લેતા ધારાસભ્ય અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે સરકારની નિતી અને નિયતનું પ્રતિબિંબ એ રાજ્યપાલશ્રીનું પ્રવચન હોય છે. આખા વર્ષના આયોજન માટેની પ્રતિબ્ધતાનો અહેવાલ સત્યના રણકાર સાથે રજુ કરવાનો હોય છે. આ માટે રાજ્ય સરકાર પ્રવચન તૈયાર કરી ને આપે તે રાજ્યપાલશ્રી વાંચન કરતા હોય છે. કમનસીબે નિષ્ઠા, પ્રમાણીકતા કે સત્યનો રણકાર એમાનું કશું રાજ્યપાલશ્રીના પ્રવચનમાં જોવા મળતું  નથી. 

       ગુજરાતમાં સ્વાઈન ફ્લૂથી મૃત્યુ પામનારાઓની સંખ્યા સમગ્ર દેશમાં સૌથી વધારે થઇ ગઈ છે. સરકારની ગુનાહિત બેદરકારીના કારણે ગુજરાત મરનારાની સંખ્યામાં નંબર-૧  થઇ ગયુ છે. દેશના અન્ય રાજ્યોએ સ્વાઈન ફ્લૂની બાબતમાં જરૂરી ગંભીરતા પૂર્ણ પગલાઓ લીધા છે પરંતુ ગુજરાત સરકારની સંવેદનાઓ બિલકુલ મરી પરવારી છે. આપણા પડોશી રાજ્ય મહારાષ્ટ્રે ખાનગી હોસ્પિટલમાં પણ સ્વાઈન ફ્લૂના દર્દી જાય અને તેને જે કંઈ ખર્ચ થયા તે સરકાર ભરી આપે તેવી વ્યવસ્થાની જાહેરાત કરી છે. જયારે ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં ડોકટરો કે સુવિધા નથી અને પરિણામે ગુજરાતી દર્દી સ્વાઈન ફ્લૂથી પરેશાન થઇને પ્રાઈવેટ હોસ્પિટલોમાં જાય છે અને લાખો રૂપિયાના સારવારના બીલો ભોગવે છે. સરકાર આ સારવારના ખર્ચની રકમ આપતી નથી. શ્રી ગોહિલે માગણી કરી હતી કે, સ્વાઈન ફ્લૂથી પીડિત ભૂતકાળમાં જે ખાનગી હોસ્પિટલમાં ગયા હોય તેમને અને હવે જે કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર લે એ તમામ ને સરકારે ખાનગી હોસ્પિટલના ખર્ચની એ તમામ રકમ ભરપાઈ કરી આપવી જોઈએ.

       કમોસમી વરસાદના કારણે ઘઉં, ચણા, રાયડો, ઇસબગુલ , તમાકુ જેવા શિયાળુ પાકોમાં  ન કલ્પી શકાય તેવું ખેડૂતો ને  નુકશાન થયુ છે. આંબા પરના મોર ખરી જતા કેરીનો પાક નિષ્ફળ છે. સરકારે ખેડૂતોના આ નુકશાનનો તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને નુકશાનીની રકમ રાહતના પગલારૂપે ચૂકવી આપવી જોઈએ.

       રાજ્યપાલશ્રીના આખા પ્રવચનમાં કચ્છના અસરગ્રસ્ત વિસ્તાર માટે એક પણ શબ્દનો ઉલ્લેખ નથી. આજ બતાવે છે કે, અછતથી પીડાતા કચ્છના લોકો માટે સરકાર અતિશય ઉદાસીન છે. કચ્છમાં ઘાંસ ડેપો પર સંચાલક માણસ જ નથી અને પરિણામે અઠવાડિયમાં એક એક બે દિવસ જ ગામનો ઘાંસ લેવાનો વારો આવે છે. અને જયારે વારો આવે છે ત્યારે ઘાંસ ડેપો પર ઘાંસ જ હોતુ જ નથી. માત્ર પાંચ પશુઓ ને જ ઘાંસ ખેડૂત કે પશુપાલક દીઠ આપવામાં આવે છે. કચ્છ જીલ્લો પશુધન આધારિત છે, માટે પાંચ પશુની મર્યાદા તાત્કાલિક દુર કરી ને કચ્છના લોકોને રોજેરોજ ઘાંસ પુરતું મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

            સરકારના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતા એક દાખલો રજુ કરીને શ્રી ગોહિલે કહ્યું હતુ કે સરકારે રાજ્યપાલશ્રીના પ્રવચનના પાના નંબર ૯ ઉપર એવો ઉલ્લેખ કરેલ છે કે, રાજ્ય સરકાર શિશુ અને સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે પરંતુ હકીકત તદન જુદી જ છે. કેન્દ્ર સરકારનો તા. ૦૯ જુલાઈ, ૨૦૧૦ નો પરિપત્ર રજુ કરી ને સરકારના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતા વિધાનસભામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે શિશુ અને સગર્ભા મહિલાઓની ચિંતા કરી ને આંગણવાડી કર્મચારીઓ અને હેલ્પર મહિલાઓને પ્રસુતિના સમયે ૧૮૦ દિવસની ચાલુ પગારે રજા આપવા માટે સુચના આપી હતી. આ અપાયેલ સૂચનાનો અમલ  ૦૯ જુલાઈ, ૨૦૧૦ થી કરવો જોઈતો હતો પરંતુ ગુજરાત સરકારની શિશુ અને મહિલાઓ પ્રત્યેની ગુનાહિત બેદરકારીના કારણે આપણે ૨૦૧૫ના વર્ષમાં આવ્યા છતાં સગર્ભા મહિલાઓ કે જે આંગણવાડી ના કાર્યકર અને હેલ્પર છે તેમને ૧૮૦ દિવસની પ્રસુતિની રજાનો લાભ ગુજરાતમાં આપવામાં આવતો નથી.

       ગુજરાતમાં કુપોષણથી પીડાતા અતિ ભયંકર ઝોન એટલે કે રેડ ઝોનમાં ૨૦૦૭-૦૮ માં માત્ર ૦.૬૫% જ બાળકો હતા જે ૨૦૧૦-૧૧ માં ૪.૬૦% જેટલા થઈ ગયા છે આ વધારો જ બતાવે છે કે સરકાર કેટલી બેદરકાર છે. ખાસ કરી ને આદિવાસી વિસ્તારની વધારે ઉપેક્ષા કરવામાં આવી છે તેથી આદિવાસી વિસ્તારમાં મોડરેટર કુપોષણથી પીડાતા બાળકોની ટકાવારી ૪૪% જેટલી વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે ટારગેટેડ બાળકોને ચોક્કસ ન્યુટ્રીશન આપવા માટે ૨૦૦૪માં સ્પષ્ટ હુકમ કર્યો હોવા છતાં ગુજરાતમાં ૬૩.૩૭ લાખ બાળકોને ન્યુટ્રીશન આપવામાં જ આવ્યું નહી આમ ગુજરાતના બાળકોની ભાજપની સરકારે ભયંકર ઉપેક્ષા કરી છે.

       યુવાનોને રોજગારીની મોટી અને ખોટી ચ્યુઈંગમો બતાવવામાં આવે છે. પરંતુ હકીકતમાં ગુજરાતમાં યુવાનોને નથી મળતી રોજગારી અને જેને મળે છે તેનું શોષણ થાય છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે (એક્સ્પ્લૉઇટેશન છે). આમ છતાં ગુજરાતના યુવાનોને પુરતો પગાર આપવામાં આવતો નથી. આઉટસોર્સિંગના નામે સરકારના નાણાં એજન્સીઓ ખાઈ જાય છે. અનામતનું ધોરણ પણ નથી જળવાતું અને યુવાનોને અધિકારનો પગાર પણ મળતો નથી. આઉટસોર્સિંગ તાત્કાલિક બંધ કરીને યુવાનોને પૂરતા પગાર સાથે કાયમી નોકરી આપવી જોઈએ.

       યુવાનોને સરકારી નોકરીઓના નામે હેરાન પરેશાન થવું પડે છે. સરકારી નોકરીઓની ભરતીમાં ભયંકર ભષ્ટ્રાચાર થયા ના અનેક દાખલા ઉજાગર થયા છે. GPSC ની પરીક્ષા સામે ભૂતકાળમાં ક્યારેય આંગળી ચિંધાતી ન હતી પરંતુ હવે GPSC ની પરીક્ષાઓ માં પણ ચાલતી ગરબડો અને કૌભાંડો પણ લોક મૂખે ચર્ચાય છે. GPSC ની પરીક્ષાઓ માં જે વિલંબ થાય છે તેનો એક દાખલો ટાંકતા શ્રી ગોહિલે વિધાનસભામાં જણાવ્યું હતું કે  વર્ગ -૧ અને ૨ ની કુલ ૩૫૧ જગ્યાઓની ભરતી માટે તા. ૧૦.૦૬.૨૦૧૪ ના અરજી માંગવામાં આવી હતી. ૩૦.૦૬.૨૦૧૪ સુધીમાં ઓનલાઈન અરજીઓ યુવાનોએ કરી નાખી પરંતુ હજી સુધી પણ પ્રીલીમીનરી પરીક્ષાનું પણ રિઝલ્ટ આવ્યું નથી. હવે મેઇન પરીક્ષા ક્યારે લેવાશે અને ત્યાર બાદ ઓરલ ક્યારે લેવાશે અને પછી નિમણુંક ક્યારે મળશે ? તેજોઈ એ તો ખ્યાલ આવે કે સરકારમાં કેવું અંધેર ચાલે છે.

       રાજ્યપાલશ્રીના પ્રવચનમાં આધુનિક શિક્ષણ કોમ્પ્યુટરનું જ્ઞાન જેવા શબ્દોની સજાવટ કરવામાં આવી છે. પરંતુ હકીકતમાં ગુજરાતના યુવાનોનું શિક્ષણ સરકારના વાંકે કથળી રહ્યું છે. કેન્દ્ર સરકારની ICT યોજના નીચે ગુજરાતમાં દરેક માધ્યમિક શાળાઓમાં કોમ્પ્યુટરના કીટ આપવામાં આવેલ છે. પરંતુ આ કોમ્પ્યુટરને શીખવાડવા માટે શાળાઓમાં શિક્ષકો જ નથી. કેટલીક ગ્રાન્ટેડ શાળાઓ કોમ્પ્યુટરની લેબ ફી પણ લે છે. માધ્યમિક શાળાઓમાં કોમ્પ્યુટરના જ્ઞાન સાથેના શાળાદીઠ શિક્ષક મુક્વા જ જોઈએ તેના બદલે હાલમાં  ૫ શાળા દીઠ ૧ શિક્ષક કો-ઓર્ડીનેટર તરીકે નીમવામાં આવે છે અને પરિણામે કોમ્પ્યુટરનું શિક્ષણ વિદ્યાર્થીઓને મળતું જ નથી. સરકારે ૨૭.૭.૨૦૧૪ ની ટાટની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે લીધી અને તેમાં કોમ્પ્યુટર ભણાવી શકે તેવા યુવાનોએ પરીક્ષા પાસ પણ કરી છે તેમ છતાં કોમ્પ્યુટર વિષય સાથે ટાટ પાસ કરેલા શિક્ષકોની સરકારે ભરતી જ કરી નથી. આ જ બતાવે છે કે સરકાર ગુજરાતના યુવાનોના શિક્ષણ માટે કેટલી બેદરકાર છે.

—————————————————————————————