Close

January 2, 2017

Press Note Guj. Dt: 02/01/2017 નોટબંધી અને કાળુનાણું

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારીયાદી                                                                    તા.૦૨.૦૧.૨૦૧૭

૮ નવેમ્બર ૨૦૧૬ની રાત્રીથી દેશના મોટા ભાગના પ્રમાણિક અને મેહનતકશ લોકો કે જેમના પાસે કોઈ કાળુધન નથી તેવા લોકો પોતાના અધિકારના નાણા માટે રજળી રહ્યા હતા. તેમને એક મોટી અપેક્ષા હતી કે વડાપ્રધાનશ્રી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશની જનતાને સંબોધન કરશે ત્યારે ખુબ ખુબ મોટી રાહતોની જાહેરાત થશે. નવા વર્ષથી દેશનો નાગરિક પોતાના બેન્કના ખાતામાંથી પોતે જેટલા ઈચ્છે તેટલા નાણા ઉપાડી શકશે પરંતુ વડાપ્રધાનશ્રી પાસેથી રાખેલી આશા ઠગારી નીવડી છે તેમ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

નોટબંધીના નિર્ણયને ૫૦ દિવસ પૂરા થયા. ગોવામાં વડાપ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,  ‘માત્ર ૫૦ દિવસ મને આપો. ૫૦ દિવસ પછી કોઈ પણ ખામી રહે તો મને જે કહેશો તે ‘ચોરાહા’ પર દેશ કહેશે તે સજા ભોગવવા તૈયાર રહીશ. ’૫૦ દિવસ પછી તમે જેવો ઈચ્છો છો તેવો દેશ બની જશે. ૫૦ દિવસ પુરા થયા બાદ આજે પણ દેશના નાગરીકને તેના પોતાના પૈસા મળતા નથી. વડાપ્રધાનશ્રીએ સગર્ભા બહેનોને રૂ. ૬૦૦૦ આપવાની વાત કરી છે તે હાસ્યાસ્પદ છે કારણ કે જનની સુરક્ષામાં રૂ. ૪૦૦૦ મળતા હતા તેના રૂ. ૬૦૦૦ રાષ્ટ્રીય અન્ન સુરક્ષાના કાયદામાં કોંગ્રેસની સરકારેજ  કરી નાખેલ છે. ખેડૂતોને જે ધિરાણ (લોન) આપવાની વાત પ્રધાનમંત્રીએ કરી છે તે નાબાડ અને કેન્દ્ર સરકાર વર્ષો થી આપે જ છે. ઘર માટેના લોનની રકમના વ્યાજમાં સહાયની યોજના પણ જૂની છે. ખેડૂતોને ભૂતકાળમાં કોંગ્રેસ અને નાબાડ દ્વારા નજીવી રકમના વ્યાજમાં લોન મળે છે માટે ૬૦ દિવસ અને તે પણ રવી ધિરાણમાં વ્યાજની રાહત તે લોલીપોપ જ છે. હકીકતમાં કાળાધન માટે નોટબંધી કરવી જરૂરી છે તેમ કહેનાર પ્રધાનમંત્રીએ કેટલું નાણું બહાર આવ્યું તેનો એક પણ શબ્દ કહ્યો નથી.

       વડાપ્રધાન દ્વારા રાતોરાત દેશપર આ જે નિર્ણય લાદવામાં આવ્યો તેના લીધે સામાન્ય માણસોએ હાડમારી સહન કરવી પડી. આ દુનિયામાં એવો કોઈ પણ દેશ નથી કે જ્યાં લોકોએ તેમના નાણાં બેન્કોમાં જમા કરાવ્યા હોય તે નાણાં ઉપાડવાની તેમને છુટ ના હોય. ૮મી નવેમ્બરે ૨૦૧૬ ના રોજ રાત્રે ૮-૦૦ કલાકે, વડાપ્રધાને નોટબંધી કરવા માટેના ત્રણ કારણો આપ્યા હતા. (૧) કાળુ નાણું નાબૂદ કરવા (૨) આતંકવાદ બંધ કરવા અને (૩) નકલી નોટ પકડવા. તા. ૯મીએ કોંગ્રેસ પક્ષે પત્રકાર પરિષદ કરીને દિલ્હીથી કહ્યું કે, જો કાળુ નાણું નાબૂદ કરવાની, આતંકવાદ બંધ કરવાની કે નકલી નોટ પકડવાની આ લડાઈ હોય તો કોંગ્રેસ પક્ષનો તેને સંપૂર્ણપણે ટેકો છે. પરંતુ નોટબંધીથી સામાન્ય માણસ, મહિલાઓ, યુવાનો, ખેડૂત, મજૂર, નાના વેપારી, કર્મચારી, પશુપાલક અને જેમની પાસે એક રૂપિયો પણ કાળુનાણું નથી તેને તકલીફ ના પડવી જોઈએ પરંતુ થોડાંક જ દિવસોમાં દેશભરમાંથી ભાજપના મળતીયાઓ અને મોટા માથાઓને જોઈએ તેટલી રૂા. ૨૦૦૦ ની નવી નોટો પાછલાં બારણેથી મળતી થઈ અને દેશના સામાન્ય માણસો લાઈનમાં રઝળપાટ ભોગવતા થયા ત્યારે સામાન્ય નાગરિકોના હિતમાં કોંગ્રેસ પક્ષે વિરોધનો સૂર ઉચ્ચાર્યો. જે રીતે આ અમલ કરવામાં આવ્યો તે વહીવટની ઘોર નિષ્ફળતા દર્શાવે છે અને હકીકતમાં સંગઠિતલૂંટ અને સામાન્ય પ્રજાના નાણાંની કાનૂની ઉચાપતનો કિસ્સો છે. આવા અવિચારી નિર્ણયને પગલે દેશભરમાં ૧૦૦ થી વધારે લોકો મૃત્યુ પામ્યા, અનેક પરિવારોને સારા-માઠા પ્રસંગે ભારે હાલાકી વેઠવી પડી અને રોજમદાર જેવી રોજીંદી આવક ધરાવનારાઓને તો રીતસર ભૂખમરો વેઠવાનો વારો આવ્યો. કોંગ્રેસ પક્ષના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ પ્રજાની હાડમારી જોઈને જાતે જ લાઈનમાં ઉભા રહીને અવ્યવસ્થાનો અનુભવ કર્યો. જેનો ભાજપ દ્વારા મજાક, કુપ્રચાર કરવામાં આવ્યો. જે સમગ્ર હિન્દુસ્તાનના નાગરિકોનું અપમાન છે.

નોટબંધીના કારણે સર્વિસ સેક્ટરમાં પી.એમ.આઈ. માં ઘટાડો, ઉત્પાદન વિકાસદરમાં ઘટાડો, બેરોજગારીમાં વધારો, અસગંઠિત ક્ષેત્રોમાં કામ કરતાં શ્રમિકોને ભારે હાલાકી સાથે દેશના વિકાસ દરમાં પણ મોટી અસર દેખાઈ રહી છે. નોટબંધીના કારણે દેશના કરોડો નાગરિકો ૫૦ દિવસ થઈ ગયા હોવા છતાં હાલાકી ભોગવી રહ્યાં છે. નોટબંધી બાદ ઉભી થયેલી અવ્યવસ્થાથી ગુજરાતના ૩૬ લાખ (૩.૬ મીલીયન) દુધ ઉત્પાદકોને પોતાના હક્કના બે પગાર (૧૫ દિવસે એક પગાર) ના નાણાં હજુ મળ્યા નથી. ખેડૂતોને રોકડ માટે બેન્કની લાઈનમાં ઉભા રાખવાનો અધિકાર ભાજપ સરકારને છે ખરો? રોજિંદા કામ કરતા મજૂરોની રોજગારી છીનવાઈ ગઈ છે. નાના દુકાનદારોના રોજિંદા વેપારમાં સરેરાશ ૪૦ થી ૫૦ ટકાનો વેપાર ઘટી ગયો છે. ટેક્ષટાઈલ, સિરામિક અને હિરા ઉદ્યોગને નોટબંધીને કારણે ભારે નુક્શાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવે જ્યારે ૫૦ દિવસ પૂર્ણ થયા છે ત્યારે કેટલું કાળુંધન બહાર આવ્યું?, દેશને શુ ફાયદો થયો અને દેશને શું નુક્શાન થયું? તેનું સરવૈયુ વડાપ્રધાન દેશની જનતાને આપે.

૧.     ૮મી નવેમ્બર, ૨૦૧૬ પછી કેટલું કાળું નાણું પકડાયું ?

૨.     નોટબંધીને લીધે રાષ્ટ્રને કેટલું આર્થિક નુકસાન થયું ? આ નિર્ણયની જાહેરાત પણ કેટલી નોકરીઓ અને આજીવિકાનું નુકસાન થયું ?

૩.     નોટબંધીને કારણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા ? સરકારે શા માટે મૃતકોના પરિવારોને કોઈ વળતર આપ્યું નથી ?

૪.     નોટબંધીના અમલીકરણ પૂર્વે વિચાર વિમર્શ અને તૈયારીઓની શું પ્રક્રિયા હતી ? શા માટે નિષ્ણાંતો, અર્થશાસ્ત્રીઓ કે રીઝર્વ બેંક સાથે, પ્રજા ઉપર આવી કઠોર નીતિ લાદતા પૂર્વે વિચાર વિમર્શ કરવામાં આવ્યા ન હતા ?

૫.     શું સરકાર ૮મી નવેમ્બર, ૨૦૧૬ પૂર્વે છ મહિનાનાં સમયગાળામાં બેંક ખાતાઓમાં રૂ.૨૫ લાખ કે વધુ નાણા જમા કરાવનાર તમામ વ્યક્તિઓ, સંસ્થાઓ અને એકમોના નામ જાહેર કરશે ?

       ભારતની પ્રજા વતી કોંગ્રેસ પક્ષ નીચેની માંગણીઓ રજુ કરે છે કે,

૧.     નાણા ઉપાડવા ઉપરના તમામ નિયંત્રણો તાત્કાલિક અસરથી દુર કરવામાં આવે. જ્યાં સુધી આવા નિયંત્રણો લાગુ કરવામાં આવેલા હશે ત્યાં સુધી બેન્કના તમામ ખાતાધારકોને વાર્ષિક ૧૮% ના દરે વિશેષ વ્યાજ આપવું જોઈએ. અને એવી માંગણી કરીએ છીએ કે, ડીજીટલ વ્યવહારો ઉપરના વસૂલાતો ચાર્જસીટ તાત્કાલિક અસરથી નાબુદ કરવામાં આવે.

૨.     ખાદ્ય અન્ન સુરક્ષા ધારાની જોગવાઈઓ હેઠળ, એક વર્ષના સમયગાળા માટે જાહેર વિતરણ પદ્ધતિ હેઠળ વિતરણ કરવાના રેશનના દર અડધા કરી દેવામાં આવે. વધુમાં, તમામ રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવ ઉપરાંત ૨૦% નું વિશેષ એક વખતનું બોનસ આપવું જોઈએ.

૩.     નોટબંધીને કારણે મહિલાઓએ જે ભારે હાલાકી વેઠવી પડી છે તે બદલ ગરીબી રેખા હેઠળના દરેક પરિવારની ઓછામાં ઓછી એક મહિલાના ખાતામાં રૂ.૨૫,૦૦૦ જમા કરવા જોઈએ.

૪.     મનરેગા હેઠળ ખાતરી આપવામાં આવેલ રકમના દિવસો અને વેતન દર એક વર્ષ માટે બે ગણા કરવા જોઈએ. ૮મી નવેમ્બર,૨૦૧૬ થી જેમને નોકરી ગુમાવી છે તેવા લોકોની નોંધણી કરવા સરકારે એક વિશેષ ઝુંબેશ ચલાવવી જોઈએ અને તેમણે ૩૧મી માર્ચ,૨૦૧૭ સુધી લાગુ પડતાં લઘુતમ વેતન દરે વળતર આપવું જોઈએ.

૫.     નાના દુકાનદારો અને વ્યાપારીઓને આવકવેરા અને વેચાણવેરામાં ૫૦% ના દરે રીબેટ આપવું જોઈએ. કેન્દ્ર સરકારે, આવી મુક્તિને કારણે રાજ્ય સરકારોને મહેસૂલથી જે ખાદ્ય પડે તેના માટે વળતર આપવું જોઈએ.

      ભાજપની કેન્દ્ર સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા એવું અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે, કાળુનાણું માત્ર ૬ ટકા જ રોકડમાં છે. મોટાભાગનું કાળુનાણું વિદેશમાં છે, સોના-ચાંદી, હીરા-ઝવેરાત, વિદેશી ચલણમાં અને રીયલ એસ્ટેટમાં છે. આમ, “વિદેશમાં જે કાળુનાણું છે તેને હું લઈ આવીશ અને દરેકના ખાતામાં રૂા. ૧૫ લાખ આવી જશે.” તેવી વડાપ્રધાનની વાતો પૈકી તો એક પણ રૂપિયો કોઈના ખાતામાં આવ્યો નથી. કોંગ્રેસના વિદેશમાં રહેલા કાળાનાણાંને ૧૦૦ દિવસમાં પકડી પાડીશ. આજે ૧૦૦૦ જેટલા દિવસ થયા પણ વિદેશમાંથી ફુટી કોડી પણ મળી નથી. વિદેશની બેન્કોમાં કોનું કાળુનાણું છે? તેની યાદી SIT (વિશેષ તપાસ ટૂકડી દ્વારા) મોદી સરકારને આપવામાં આવી છે. પરંતુ આ નામો મોદી સરકાર જાહેર કરતી નથી. તે જ બતાવે છે કે, આ કાળુનાણું કોંગ્રેસનું નહીં પરંતુ ભાજપ અને તેના મળતીયાઓનું છે.

       મોદી સરકારે ઓગષ્ટ ૨૦૧૬ માં સંસદમાં એવું જણાવ્યું હતું કે, ચલણમાં ૦.૦૨ ટકા નકલી નોટો છે એટલે કે, ૧૦૦ રૂપિયે માત્ર ૨ પૈસા જેટલું તેનું પ્રમાણ છે. હવે જો ૧૦૦ રૂપિયે માત્ર ૨ પૈસા જેટલું બનાવટી ચલણ હોય તો તેના માટે આખા દેશને ઉંઘે માથે શાં માટે કર્યો?

       નોટબંધી માટેનું ત્રીજુ કારણ આતંકવાદને નાથવાનું હતું. જો નોટબંધીથી આતંકવાદ કાબૂમાં આવી જતો હોય તો અમેરીકા, બિન લાદેન ને મારવાને બદલે ડોલરની નોટબંધી કરી દેત. હકીકતમાં નોટબંધી બાદ આતંકવાદી હુમલા વધ્યા છે, ચાહે કાશ્મિર હોય કે મણીપુર હોય. એટલું જ નહીં પરંતુ મરાયેલા આતંકવાદી પાસેથી નવી રૂા. ૨૦૦૦ ની નોટો મળી આવી છે. કાશ્મિરમાં નોટબંધી પહેલાંથી જ ધોરણ-૧૨ ની પરિક્ષા, હવામાન અને અન્ય કારણોસર પથ્થરબાજી બંધ થઈ ચૂકી હતી અને આ પરિસ્થિતિ બગડવાના મૂળમાં જો કોઈ હોય તો તે સત્તાની લાલચમાં બે વિપરીત વિચારધારાનું કજોડુ કાશ્મિરમાં સત્તા ભોગવે છે તે છે.

       આજકાલ વડાપ્રધાન મૂળ મુદ્દાઓને બાજુએ રાખી કેશલેસની વાતો કરે છે. હકીકતમાં કેશલેસ વ્યવસ્થાથી કાળુનાણું કે ભ્રષ્ટાચાર અટકતા નથી. દુનિયાનો કોઈ પણ દેશ કેશલેસ એટલે કે રોકડ વ્યવહાર વગરનો નથી અમેરીકામાં જુદા જુદા રાજ્યોમાં રોકડનો વ્યવહાર ૪૬ ટકાથી ૬૦ ટકા સુધીનો થાય છે. તે જ પ્રમાણે ઓસ્ટ્રેલીયામાં ૬૫ ટકા, ઓસ્ટ્રીયામાં ૮૦ ટકા, કેનેડામાં ૫૨ ટકા, જર્મનીમાં ૮૦ ટકા, ફ્રાન્સમાં ૫૫ ટકા અને નેધરલેન્ડમાં ૫૦ ટકા સુધીના રોકડ વ્યવહાર થાય છે. જ્યારે દુનિયાના માત્ર બે જ દેશો કેન્યા અને ઝિમ્બાબ્વે કેશલેસ છે. જ્યાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે. આમ, વિકસિત હોય કે વિકાસસીલ દેશ હોય દુનિયામાં કોઈ દેશ કેશલેસ નથી. દુનિયામાં ઓછી રોકડનો ઉપયોગ કરનારા દેશોમાં ઝિમ્બાબ્વે અને કેન્યાનો સમાવેશ થાય છે. પરંતુ કાળુનાણું અને ભ્રષ્ટાચારની રીતે સૌથી વધારે ટોપ ૧૦ દેશોમાં આ બંને દેશોનો સમાવેશ થાય છે. એટલે કેશલેસથી કાળુનાણું અને ભ્રષ્ટાચાર અટકશે તે વાત હાસ્યાસ્પદ છે. વધુમાં કેશલેસ વ્યવહારોની જે પ્રક્રિયા છે તે મુજબ ચલણમાં ૧૦૦ રૂપિયાની એક જ ચલણી નોટ જે હકીકતમાં દિવસ દરમ્યાન ૧૦ થી વધારે વ્યક્તિઓના હાથમાં ફરે છે તે જ વ્યવહારો કેશલેસ સ્વરૂપે થાય તો તેના પર ૩૫ ટકા જેટલું મોટું કમિશન વચેટીયાઓને મળે છે. આમ, કેશલેસ વ્યવસ્થા તરફ જવાનો વડાપ્રધાનનો ધખારો પે.ટી.એમ., વીઝ અને માસ્ટર કાર્ડ જેવા બહુરાષ્ટ્રીય અને વિદેશી મૂડીપતિઓને, ભારતની સામાન્ય પ્રજાના ભોગે, જંગી લાભ કરાવી આપવા માટે હોય તેવું લાગે છે.

       સહારા અને બિરલા કંપનીમાં ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટના દરોડા બાદ પકડાયેલ ડાયરીમાં શ્રી નરેન્દ્ર મોદીને જુદી જુદી તારીખે રૂા. ૪૦ કરોડ જેટલી માતબર રકમ અને બિરલા કંપનીએ રૂા. ૨૫ કરોડમાંથી રૂા. ૧૨ કરોડ ચૂકવાઈ ગયાની કબૂલાતથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપ આડી અવળી વાત કરવાને બદલે આ ભ્રષ્ટાચાર અંગે સ્વતંત્ર તપાસ કરવા માંગે છે કે નહીં? જવાબ આપે.

ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ખુદની પ્રસિદ્ધિ માટે દેશને હોડમાં મૂકી દીધો છે. ત્યારે જવાબદાર રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસજનોની જવાબદારી વધી જાય છે. નોંટબંધીના મનસ્વી નિર્ણય અને મોદીએ સહારા-બિરલા પાસેથી લીધેલાં ભ્રષ્ટાચારના નાણાંના વિરોધમાં તા.૫મી જાન્યુઆરીએ જિલ્લા મથકોએ ઉગ્ર કાર્યક્રમો અને કલેક્ટર કચેરીએ ઘેરાવ કરાશે, તા. ૮મી જાન્યુઆરીએ મહિલા કોંગ્રેસે થાળી-વેલણના કાર્યક્રમો દ્વારા નોટબંધી નિષ્ફળતાને ઉજાગર કરાશે. તા.૧૧મીએ નોટબંધીની નિષ્ફળતા, પરિણામે કરોડો નાગરિકોને ભોગવવી પડેલી હાલાકી-હાડમારીને વાચા આપવા દિલ્હી ખાતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીના નેતૃત્વમાં જનસંમેલનમાં દેશભરના કોંગ્રસના હોદ્દેદારો અને પદાધિકારીઓ જોડાશે.

 


click here to view and download press note