Close

July 30, 2015

Press Note Guj 30.07.2015

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                            તા. ૩૦.૦૭.૨૦૧૫

 

       કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ન કલ્પિ શકાય તેટલી તારાજી થઈ છે. રાજ્ય સરકારે બચાવ, રાહત અને પુનઃસ્થાપન માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની આવશ્યકતા છે. કચ્છ જીલ્લામાં છેલ્લા ૧૮ વર્ષમાં ન પડ્યો હોય તેવો અતિભારે વરસાદ પડ્યો છે. સરકારે વહેલી આગોતરી જાણ હવામાન ખાતાની આગાહીઓને ધ્યાને લઈ ને જો કરી હોત તો હજારો પશુઓ મુત્યુ પામ્યા તેને પશુપાલકો સલામત સ્થળે ખસેડીને બચાવી શક્યા હોત. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કુદરતી આફતના સમયે રાજકારણ કરવા માંગતો નથી પરંતુ લોકોને પડી રહેલી કેટલીક મુશ્કેલીઓ અંગે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે સરકારનું ધ્યાન દોરીને તંત્ર જાગૃત બની કામગીરી કરે તે માટે અનુરોધ છે. કોંગ્રેસ પક્ષ રાજ્ય સરકારને જો કોઈ જગ્યાએ કાર્યકર્તાઓની ફોજથી પણ મદદરૂપ થવાની જરૂર પડે તો ત્યાં કુદરતી આફતના સમયે પક્ષ મદદરૂપ બનશે.

        કચ્છ જીલ્લાના બન્ની વિસ્તારમાં પશુપાલકોના હજારો પશુઓના મુત્યુ થયા છે આ ઉપરાંત લખપત તાલુકો, નાની બન્ની, અંજાર અને અન્ય કચ્છના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ખુબ મોટા પાયે અતિવૃષ્ટિના કારણે તારાજી થયેલી છે. અનેક ગામો છેલ્લા ત્રણ-ચાર દિવસથી વીજળીથી વંચિત બન્યા છે. ભુતકાળમાં કુદરતી આફતના સમયે સરકારની જાગૃતિના કારણે વીજળી અને પાણી પુરવઠા તેમજ અવર-જવર થઈ શકે તેવા રસ્તાઓ ગુજરાતનું સરકારીતંત્ર તાત્કાલિક બનાવતું હતું. પ્રવતમાન અતિવૃષ્ટિ પછી જે રીતે યુદ્ધના ધોરણે કામગીરી થવી જોઈએ તે નથી થઈ. 

        કચ્છ જીલ્લાના લખપત તાલુકાના ઝૂલરાય તથા આજુ બાજુના ગામો, ગુનેરી તેમજ તેની આજુ-બાજુના ગામો, પીપર તેમજ તેની આજુબાજુના ગામો અને નારાયણ સરોવર કોટેશ્વરની આજુબાજુના સાત ગામો, રોડાસર, મેરડી, વજીરાવાંઢ તેમજ અબડાસા તાલુકાના કેટલાક ગામો કોઈ પણ વાહન ન જઈ શકે તેવી પરીસ્થિતમાં છે. ઘણા બધા ગામોમાં પીવાનું પાણી અને વિદ્યુત જોડાણ પુનઃસ્થાપિત થઈ શક્યું નથી. મુત્યુ પામેલા પશુઓના શબોને તાત્કાલિક યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ જે કામગીરી ખુબજ મંદ રીતે ચાલી રહી છે. કચ્છ જીલ્લાના બન્ની વિસ્તાર અને આજુબાજુમાં જ દસ હાજર કરતા વધારે પશુઓના મુત્યુ થયા છે. જો આ શબોને યોગ્ય રીતે તાત્કાલિક નિકાલ નહી કરવામાં આવેતો ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ભય રહેલો છે.

         સરકારની અસંવેદનશીલતા અને અણધડ  વહીવટનો મોટો નમુનો એ છે કે, કચ્છ જીલ્લામાં અછતનો ભોગ બનેલા વિસ્તારોમાં વરસાદ પડતાની સાથે જ ઘાસનું વિતરણ, ઢોરવાડાની સબસીડી અને રાહતની કામગીરી તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. વરસાદ પડે અને તુરતજ ઘાસ ઉગી નીકળતું નથી પરંતુ ઘાસને ઉગતા ઓછામાં ઓછા પંદર દિવસનો સમય લાગે છે. શ્રી ગોહિલે માંગણી કરી છે કે, અછતગ્રસ્ત વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવા છતાં ક્મસેકમ પંદર થી વીસ દિવસ સુધી ઘાસનું વિતરણ અને ઢોરવાડા શરૂ રાખવાના સરકારે તાત્કાલિક આદેશો કરવા જોઈએ.

        કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઇલેક્ટ્રિકના અનેક થાંભલાઓ પડી ગયા છે અને વીજ પુરવઠો ખોરવાયેલો છે. આ વીજ પુરવઠો પુન:સ્થાપિત થાય તે માટે સરકારે યુદ્ધના ધોરણે કામગીરી કરવી જોઈએ. બનાસકાંઠા જીલ્લાના સુઈગામ, થરાદ તેમજ રાધનપુર તાલુકાના  ગામડી (ગોખાતર), રામપુરા (કોરડા), વાદળીતર, ગરસરી, બિસ્મીલાગંજ, અબીતાણા, પેદાશપુરા, આગિચાણા, લુંણીતાણા, ઇયુંન્ડી, આંતરનેશ, રાણીસર, વાઘપુરા, પરસુંડા, નલિયા, તમાલપુર, રાજુસરા ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના અનેક ગામોમાં હજુ પણ બચાવ, રાહત અને પાણી તથા વીજળીની કામગીરી સરકાર કરી શકી નથી. માત્ર જીલ્લાના થોડાક ભાગોમાં વિડીયોગ્રાફી કરીને કે મુલાકાતો લઈને સરકારે સંતોષ લેવાના બદલે ખરેખર ગ્રામીણ વિસ્તાર અને શહેરના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પુરતી વ્યવસ્થા કરવી જોઈએ.

        પશુપાલકોને મુત્યુ પામેલા પશુઓની સામે તાત્કાલિક સહાય આપવી જોઈએ અને ખેડૂતોની જમીનમાં ન કલ્પિ શકાય તેવું નુકશાન થયું છે ત્યારે સરકારે ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં મર્યાદિત સહાયના બદલે ખરેખર જમીન નવસાધ્ય થઈ શકે તે માટે કોઈ હેક્ટરોની મર્યાદા ન રાખ્યા વગર પૂરેપૂરું વળતર અને સહાય તાત્કાલિક ચુકવવા જોઈએ.       

        કચ્છ જીલ્લામાં કલેકટરશ્રી અને જીલ્લાના તંત્રએ મર્યાદિત સાધનો વચ્ચે પણ પ્રશંસનીય કામગીરી કરી છે તે અભિનંદનને પાત્ર છે.

   ——————————————————————————————