Close

September 13, 2011

Press Note Guj : 13/09/2011 on Sadbhavna Mission

Click here to view / download  copy of Letter to CM on Sadbhavna Mission 

તા.૧૩.૯.ર૦૧૧

 

તાત્‍કાલિક પ્રેસનોટ

 

માન.તંત્રીશ્રી,

        આ સાથે માન.મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને મેં લખેલા ખુલ્‍લા પત્રની નકલ સામેલ છે. આપને હાર્દિક વિનંતી છે કે, લોકશાહીના રક્ષણ માટે તેમજ ગુજરાતીઓને ગુમરાહ કરવાના મુખ્‍યમંત્રીશ્રીના પ્રયત્‍નોને રોકવા  માટે મારા આ પત્રને બહોળી પ્રસિધ્‍ધી આપશોજી.

 

       આભાર સહ.

 શક્તિસિંહ ગોહિલ

 

માન.મુખ્‍યમંત્રીશ્રીના ઉપવાસના નાટકીય ખુલ્‍લા પત્રનો ખુલ્‍લા પત્ર દ્વારા પ્રત્‍યુતર

 

માન.શ્રી નરેન્‍દ્રભાઇ મોદી

         નમસ્‍કાર………

આપશ્રી અને સદ્દભાવના એ વાંચીને અત્‍યંત નવાઇ લાગી. સદભાવના શબ્‍દોમાં નહીં દિલમાં હોવી જોઇએ. આપના સદ્દભાવના મિશન અને ત્રણ દિવસના નાટકીય ઉપવાસ વિશે વાંચ્‍યા પછી આ પત્રની પ્રેરણા મને થયેલ છે. આપની જાહેરાત એ રાજકીય નાટકથી વિશેષ કશું નથી.

        આપશ્રી ર૦૦રમાં મુખ્‍યમંત્રીશ્રી હતાં અને જે પરિસ્‍થિતિ સામાજીક તાણાવાણાને તોડનારી આપે ઉભી કરી હતી ત્‍યારે જો આપે સદ્દભાવના વ્‍યક્ત કરી હોત અને ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત કરી હોત તો આ સદ્દભાવનામાં મને જોડાતાં આનંદ થયો હોત. દિલની જો સદ્દભાવના આપે વ્‍યક્ત કરી હોત તો હું જ આપને મોસંબીના જ્યુશનો ગ્લાસ લઇને પારણાં કરાવવા આવ્‍યો હતો.

        આપના પક્ષના નેતા અને તે વખતના વડાપ્રધાનશ્રી અટલ બિહારી બાજપાઇએ આપને રાજધર્મ નિભાવવા માટે કહેવું પડ્યું હતું.  ભાઇ, તમે સહેજ પણ રાજધર્મ નિભાવ્‍યો હોત કે દિલથી સદ્દભાવના વ્‍યકત કરી હોત તો ર૦૦રના રમખાણો થયાં જ ન હોત કે આજે આપે જાહેરાત સદ્દભાવનાના નામે રાજકીય સ્‍ટંટ કરવાનો પ્રસંગ જ ન આવત. આપશ્રીએ ખરેખર દિલગીરી વ્‍યક્ત કરવી જોઇતી હતી. આપશ્રી ર૦૦રમાં અસરગ્રસ્‍તની મુલાકાત લેવાનું પણ ચૂક્યા હતાં. દુઃખી ગુજરાતીઓના આંસુ પણ આપે લુછવાની કોશીષ એટલાં માટે નહોતી કરી કે આપની વોટબેન્‍કનું આપને રાજકારણ કરવું હતું. આપે સગવડતા પૂર્ણ રીતે ગુજરાતીઓને ભાગલા પડાવીને ગંદી રાજકીય રમત રમી હતી. ત્‍યારબાદના સમયમાં પણ સગવડીયો ધર્મ રાખીને માત્ર રાજકીય ઉદ્દેશથી હિન્‍દુ હ્રદય સમ્રાટમાંથી વિકાસ પુરુષનો મુખોટુ પહેરવું પડ્યું  છે કારણ કે, આપના સાથી પક્ષોનો સાથ આપના રાષ્‍ટ્રીય રાજકીય સ્‍વપ્‍નો માટે આપને જરુરી છે.

         મારી માત્ર માન્‍યતા જ નહીં પરંતુ દ્રઢ વિશ્‍વાસ છે કે, આપની ઉપવાસની જાહેરાત અને સદ્દભાવના મિશન એ કોઇ બીજું રાજકીય નાટક છે.

         આપના નાર્સીસ્‍ટીક પત્રમાં ભારતનાં ભાઇઓ અને બહેનોને સંબોધીને આપે લખ્‍યું છે કે ” સુપ્રિમ કોર્ટના જજમેન્‍ટમાંથી નકારાત્‍મક અને ખોટા આક્ષેપોનું વાતાવરણ પૂર્ણ થયેલ છે. મારી અને મારી સરકાર ઉપરના ર૦૦રના તોફાનોના આક્ષેપોનો અંત આવેલ છે.” ભાઇ, સુપ્રિમ કોર્ટે તમને કોઇ કલીન ચીટ આપી નથી સમગ્ર  પ્રક્રિયા હવે શરુ થઇ રહી છે ત્‍યારે તમારા અપકૃત્યોનો અંત કેવી રીતે? શા માટે ગુજરાતીઓને ગુમરાહ કરવાનું કામ કરી રહયાં છો? હજુ તો મામલો ન્‍યાયાધીન છે.

        મને લાગે છે કે, આપે ફેશનના જ્ઞાનને અપડેટ કરવાની જરુર છે. આપના પત્રમાં આપે લખેલ છે કે આપની ટીકા કરવી તે ફેશન છે તો હાસ્‍યાસ્‍પદ કાઉબોય હેટ પહેરવી એ કદાચ આપના માટે ફેશનેબલ હોઇ શકે મારે તેમાં પડવું નથી. પરંતુ ગુજરાતની ગૌચરની જમીનો આપશ્રી વેચી મારો અને પશુધન ન છૂટકે પર્યુષણમાં કતલખાને જાય તેના સામે ઉઠતો અવાજ આપને ફેશનેબલ લાગે છે ? લોકશાહીમાં સત્‍તા પર બેઠેલી રક્ષક વ્‍યક્તિ જ હુલ્‍લડો કરાવવામાં સ્‍પોન્‍સર બને તે આપના માટે શરમજનક હોવું જોઇએ.

         ગુજરાત મહાત્‍મા ગાંધીજી અને સરદાર વલ્‍લભભાઇ પટેલનું ગુજરાત છે. ગુજરાત છ કરોડ ગુજરાતીઓનું ગુજરાત છે. ગુજરાતનું ગૌરવ આપ ખંડીત કરો ત્‍યારે આપને કોઇ રોકે અથવા ટોકે તો તેમાં ગુજરાત બદનામ થયું છે તેમ કહીને પોતાના ગુનાને છાવરવાનો આપનો પ્રયત્‍ન ગુજરાતની જનતા ઓળખી ગઇ છે. ગુજરાતીઓના જીન્‍સમાં વિકાસ છે. ગુજરાતનો વિકાસ ગુજરાતની  જનતાને કારણે છે. તેના બદલે આપના કારણે ગુજરાતનો વિકાસ છે તેમ કહેવું તે ગુજરાતીઓનું અપમાન છે. આપના અપકૃત્‍યો માટે  ટીકા થવાની જ  કારણ કે, આપના દ્વારા ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન થયા હોય તેટલાં રામના સેવકો અને રહીમના બંદાઓ આપની રાજકીય મેલી મુરાદના કારણે હત્‍યાઓ થયેલી છે. માનવ અધિકારનો આપે જે સરેઆમ ભંગ કર્યો છે તેને કોઇ માનવી સહકાર આપી શકે નહીં. આપના અપકૃત્‍યોના કારણે આપ ગુજરાતના પહેલાં એવા મુખ્‍યમંત્રી છો કે જેમની વિકસીત દેશોએ વિઝા નથી આપ્‍યા એટલું જ નહી. આપનાં જ પક્ષના  સાથી પક્ષના મુખ્‍યપ્રધાને બિહારમાં આપની પ્રવેશબંધી કરેલી છે. આપનામાં જો અંતરાત્‍મા જેવું કાંઇ હોય તો તેને જ પૂછો કે ગુજરાતની સરકારે ર૦૦રમાં ગુજરાતીઓને બચાવવા પ્રયત્‍ન કર્યો હોત તો ર૦૦ર બન્‍યું હોત ખરું? જ્યારે આપના જ પક્ષના સીનીયર નેતા સ્‍વ.હરેન પંડ્યાની હત્‍યા થઇ હોય અને તેમનો પિરવાર આ હત્‍યા માટે આપની સામે આંગળી ઉઠાવતા હોય ત્‍યારે આપને શાંતિ અને અહીંસાની કે સદ્દભાવનાની વાત કરવાનો અધિકાર કેટલો?

         મહેરબાની કરીને છ કરોડ ગુજરાતીઓનો (દુર) ઉપયોગ તમારા વેસ્‍ટેડ ઇન્‍ટરેસ્‍ટ માટે કરવાનું બંધ કરો. આપનું ભાગલાવાદી રાજકારણ દેશના ઇતિહાસમાં કાળો ડાઘ છે. આપના પત્રમાં આપે જે ઉલ્‍લેખ કર્યો છે. ” વેર સે વેર ન છૂટ જાતે” એ આપ બોલો છો ત્‍યારે હાસ્‍યાસ્‍પદ જોક જેવું લાગે છે. કારણ કે, ગુજરાતીઓને કાનમાં આપના એ શબ્‍દો જે આપશ્રી હુલ્‍લડ કરાવવા માટે બોલ્‍યા હતાં કે, દરેક એકશનનું રીએકશન હોય છે તે ગુંજી રહ્યાં છે.

         આપશ્રી કમાન્‍ડોની ફોજ વગર ફરી શકતાં નથી અને તે કમાન્‍ડોમાં પણ ચોકકસ ધર્મના લોકોને સ્‍થાન પણ મળી શકતું નથી. ચોકકસ લોકોની બાદબાકી કરનારા માણસ તરીકે તમને સદ્દભાવના  શબ્‍દ વાપરતા શરમ પણ ન આવી? આપના બેવડા અનુકૂળતાવાળા મેલી રામ રમતના કાવા દાવા ગુજરાતને નુકશાન કરી રહ્યાં છે.

         આપનું ઉપવાસનું નાટક લોકાયુક્તની નિમણુંક, આપે કરેલો કરોડોનો ભ્રષ્‍ટાચાર, આપના કૌભાંડો અને ગુજરાતીઓમાં ઉભા થયેલાં આપના આક્રોશનો તેમજ સ્‍વ.હરેન પંડ્યાની હત્‍યામાં આપની સામે ચીંધાતી આંગળીથી લોકોની  નજર બીજે ફેરવવા માટેનો મિથ્‍યા પ્રયત્‍ન માત્ર છે.

         મહેરબાની કરીને સૌ પ્રથમ છ કરોડ ગુજરાતીઓની આપે કરાવેલાં હુલ્‍લડો માટે આપ માફી માગો અને ત્‍યારબાદ આપની રાજરમત રમો. મહેરબાની કરીને સદ્દભાવનાનો ધંધો બંધ કરો. ઉપવાસના પવિત્ર સાધનને આપ આપના અપકૃત્યોથી નુકશાન ન કરો તેવી વિનંતી છે.

લોકશાહીનો હિતેચ્‍છુ

 

શક્તિસિંહ ગોહિલ