Close

June 2, 2010

Press Note Date 02/06/2010 GUJ Reg. NANO

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર.

અખબાર યાદી                                           તા.૦ર.૦૬.ર૦૧૦

• ટાટા નેનો કારને અપાયેલા લાભો અને ગુજરાતીઓને કેટલી નોકરી આપી તે સરકાર જાહેર કરે.
• ટાટાનો નેનો પ્રોજેકટ માત્ર ર૯૦૦ કરોડનું રોકાણ કરશે અને તેને રુ.૯પ૭૦ કરોડની લોન ગુજરાત સરકાર આપશે.
• ગુજરાતીઓને નોકરીમાં રાખવાની એક ફરજીયાત નીતિ હોવા છતાં ટાટાની નેનો ગુજરાતીઓને નોકરીમાં ન રાખે તેવી તેને છૂટ શા માટે?
• માત્ર ૦.૧ ટકાના વ્‍યાજથી રુ.૯પ૭૦ કરોડની લોન ર૦ વર્ષ પછી માસિક પહેલાં હપ્‍તાથી
પરત મળશે.
• ૧૦૦ એકર જમીન અમદાવાદની બાજુમાં નજીવા ભાવથી નેનોને અપાઇ.
• સાણંદના ખેડૂતોની સમસ્‍યા સળગે છે અને મુખ્‍યમંત્રીશ્રી ટાટા સાથે મીજબાની કરે છે.
• મંત્રીમંડળની નોંધ અને જી.આરની નકલો પ્રેસ અને‍ મિડીયાને અપાતા અઢળક લાભો નેનોને અપાયાનો અને ગુજરાતીઓને નોકરી નહી આપવાનો પર્દાફાશ.
• ગુજરાતના અન્‍ય ઉદ્યોગકારોને ટાટાની નીતિ ‍મુજબ લાભ નહીં આપવાનો સરકારનો નિર્ણય બતાવે છે કે ભ્રષ્‍ટાચારથી ચોકકસ વહીવટ ટાટા સાથે થયો છે.
• કોંગ્રેસને ઉદ્યોગનો વિરોધ નથી પરંતુ ગુજરાતના ભોગે ઉદ્યોગપતિઓ માલામાલ થાય તેનો વિરોધ

આજે નેનો કારના નામે થયેલાં ભ્રામક ભ્રષ્‍ટાચાર અંગે સત્‍ય હકિકત ગુજરાતને જણાવવાની ગુજરાત સરકારની જવાબદારી છે. ગુજરાતમાં કોઇપણ ઉદ્યોગ આવે તો તેનું હંમેશા સ્‍વાગત હોય છે. કોંગ્રેસ શાસન દરમિયાન પણ ઉદ્યોગોને આવકારવા માટે એ નીતિ રહી હતી. ગુજરાતમાં ઉદ્યોગ પ્રજાની તિજોરીના ભોગે આવે અને નફો નહીં પરંતુ નુકશાન ગુજરાતની જનતાને થાય તે પ્રકારે નેનો કારને જે પ્રોત્‍સાહનો આપવામાં આવ્‍યા છે. તે ગુજરાતના હિતમાં નથી.
નેનો કારને કરોડો રુપિ‍યાની રાહત અપાયા પછી નેનો પ્રોજેકટમાં ગુજરાતીઓને નોકરીની તકો પૂરતી મળી નથી. ગુજરાત રાજયમાં વર્ષોથી સ્‍થાનિક લોકોને રોજગારીની તકો મળે તે માટે રોજગાર નીતિ જાહેર થયેલી છે. રોજગારીમાં ૮પ ટકા સ્‍થાનિક ગુજરાતીઓને રોજગારીમાં રાખવાના હોય છે.જયારે મેનેજર અને સુપરવાઇઝર કક્ષાની રોજગારીમાં ૬૦ ટકા ગુજરાતીઓને એટલે કે સ્‍થાનિકને રોજગારીમાં રાખવાના હોય છે. ટાટાની નેનો કારને ગુજરાતીઓને નોકરી આપવાની આ નીતિમાંથી મુક્તી આપી દેવામાં આવી છે. ગુજરાત સરકારનો આ નિર્ણય ગુજરાતના અનેક યુવાનોને અને સ્‍થાનિક લોકોને અન્‍યાયકર્તા છે. આજે જયારે ટાટાની નેનો કારના નામે મોટો સમારંભ યોજાઇ રહ્યો ત્‍યારે આ પ્રોજેકટમાં કુલ કેટલા લોકોને રોજગારી આપવામાં આવી અને તેમાં ગુજરાતી કેટલા લોકોને રોજગારી મળી તે અંગે રાજ્ય સરકારે ગુજરાતની જનતાને આંકડાઓ આપવા જોઇએ.
સાણંદ ખાતે અનેક ખેડૂતો પોતાની જમીનના પ્રશ્‍ને કેટલાંય સમયથી ન્‍યાય માંગવા લડી રહયાં છે. તેમના પ્રશ્‍નોની સુખદ પતાવટ ટાટા દ્વારા નહીં થાય ત્‍યાંસુધી ટાટાની ઉપર રાજય સરકારે વલણ અખત્‍યાર રાજય સરકારે કરવું જોઇએ.
ટાટાના સમગ્ર પ્રોજેકટમાં જે મુડીરોકાણ થવાનું છે તે મુડીરોકાણ માત્ર ર૯૦૦ કરોડનું અને આ મુડીરોકાણ સામે ટાટાને મુડીરોકાણના ૩૩૦ ટકા એટલે કે ૯પ૭૦ કરોડ રુપિ‍યા ગુજરાત સરકારે લોન પેટે આપેલાં છે. આ લોનનું વ્‍યાજ માત્ર ૦.૧ ટકા જ લગાડવામાં આવ્‍યું છે. લોનની ચુકવણી ર૦ વર્ષ પછી શરુ કરવાની પણ જોગવાઇ કરવામાં આવી છે એટલે કે, ર૧માં વર્ષથી દર મહિને વસુલાત શરુ થશે. ટાટાના પ્રોજેકટને જમીનના ટ્રાન્‍સફર સમયે સ્‍ટેમ્‍પ ડયૂટી, રજીસ્‍ટ્રેશન ફી, તથા ટ્રાન્‍સફર ચાર્જીસમાંથી સંપૂર્ણપણે મુકિત આપવામાં આવી છે. ૧૧૦૦ એકર જેટલી અમદાવાદની બાજુમાં આવેલી કરોડો રુપિ‍યાની જમીન ટાટા મોટર્સને રાજય સરકારે તબદિલ કરેલી છે અને આ જમીન પરના બધાજ પ્રકારના હકકો અને માર્કેટેબલ રાઇટસ પણ ગુજરાત સરકારે ટાટાને આપી દીધાં છે. ગૌભક્તોની વાત કરનારી રાજય સરકાર ગાયો અને પશુઓ માટે પશુ સંવર્ધન યુનિવર્સિટી બનાવવા માટે જે જમીન રાખી હતી તે જમીન ટાટાને પધરાવી દીધી છે. ટાટા પાસેથી રાજય સરકારે જમીનની ટોકન કિંમત વસુલાત કરવાની હતી તે પણ હજુ વસુલ કરી નથી. આ જમીનના સ્‍થળ સુધી બે ચાર માર્ગીય રસ્‍તાઓ પણ રાજય સરકારે બનાવવાની જવાબદારી સ્‍વીકારી છે. આ ઉપરાંત રેલવે સાઇડીંગ, લોર્ડિંગ પ્‍લોટફોર્મ, ફેન્‍સીંગ અને આનુઆષાંગિક લોજીસ્‍ટીક જરુરિયાતો ઉભી કરવામાં ટાટા મોટર્સ લિ.ને રાજય સરકારે મદદ કરવાનું સ્‍વીકાર્યુ છે.પ્રોજેકટ રીસીવીંગ સ્‍ટેશન સુધી ર૦૦ કે.વી.એ ડબલ સર્કિટ વિજ પુરવઠો અને ૪ એમ.વી.એ. ૧૧ કે.વી.એ.ની ડબલ સર્કિટ લાઇનમાંથી પ૦ એમ.વી.એ. વિજ પુરવઠો આપવાનું પણ રાજય સરકારે સ્‍વીકાર્યુ છે. ૬૬ કે.વી.એ.ના ૧૧ સબ સ્‍ટેશનો પણ સાઇટ ઉપર સ્‍થાપવાનું રાજય સરકારે સ્‍વીકાર્યુ છે. પ્રોજેકટ માટે પ્રતિદિન ૧૪૦૦૦ કયૂબીક મીટર પાણી પ્રોજેકટની સાઇટના પોઇન્‍ટ પરથી સરકાર દ્વારા પૂરું પાડવાનું પણ મંત્રીમંડળે સ્‍વીકાર્યુ છે. રાજય સરકારે ટાટા મોટર્સનું પ્રદુષીત પ્રવાહી પણ નિકાલ કરવાની સુવિધા પૂરી પાડવાની જવાબદારી સ્‍વીકારી છે. આટલાથી ન અટકીને ટાટા મોટર્સ માટે અમદાવાદની નજીક ટાઉનશીપ માટે ૧૦૦ એકર જમીન પણ પૂરી પાડવાનું રાજય સરકારે સ્‍વીકાર્યુ છે. કાનૂની સહાય પણ રાજય સરકાર પૂરી પાડે તેવી શરત રાજય સરકારે સ્‍વીકારી છે અને આ બધી બાબતોમાં કાંઇ વાંધો વચકા ઉભા થાય તો રાજય સરકારના કાંડા એ રીતે કાપી લેવામાં આવ્‍યા છે કે, એગ્રીમેન્‍ટના ફકરા નં.૧૧માં કોર્ટ કચેરી ન કરતાં લવાદથી પ્રશ્‍ન ઉકેલવા સરકાર બંધાઇ ચૂકી છે. આમ ન કલ્‍પી શકાય તેટલા લાભો ટાટા મોટર્સને અપાયા પછી ગુજરાતને કશોજ ફાયદો નથી. આ પ્રકારની સવલતો રાજય સરકારે ખાનગી રાખવાનો પ્રયત્‍ન કર્યો હતો અને આર.ટી.આઇ.માં પણ માહિતી મેળવતાં જાગૃત લોકોને નાકે દમ આવી ગયો હતો. આખરે મંત્રીમડળની નોંધ અને સવલતો આપતાં જી.આર.ની નકલ પ્રાપ્‍ત થયેલી છે. જેના ઉપરથી ટાટા મોટર્સને અપાયેલા લાભોની હકીકત ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જાહેર કરી છે અને સાથોસાથ ટાટા મોટર્સને અપાયેલાં લાભોની મંત્રીમંડળની નોંધ તેમજ જી.આર. ની નકલો પણ પ્રેસ અને મિડીયાને શ્રી શક્તિસિંહ ગોહિલે આજે પૂરી પાડી હતી. ટાટા મોટર્સના આગમન પાછળ જો ઉદ્યોગોને આવકારવાનીજ સરકારની નીતિ હોય તો જે લાભો ટાટા મોટર્સ માટે અપાયા તે અન્‍ય કોઇ મોટર્સ ઉત્‍પાદક કંપની એટલે કે મારુતિ સૂઝુકીથી લઇને મસિર્ડીઝ સુધીના ગુજરાતમાં આવે તો તેને આપવા જોઇએ. પરંતુ અહીં તો સરકારે એવું જાહેર કર્યુ છે કે, ટાટા મોટર્સને અપાયેલાં લાભો એ અન્‍ય કોઇ ઉદ્યોગને મળી શકશે નહીં. આ બતાવે છે કે, ગુજરાતમાં ઉદ્યોગ આવે તે માટેની આ નીતિ નથી પરંતુ ભ્રષ્‍ટાચારથી ગુજરાતના ભોગે કોઇ ઉદ્યોગકાર જમીન અને નાણાં લૂંટે અને પછી ગુજરાતીઓને નોકરીમાં પણ ન રાખે પરંતુ સરકારને રાજી કરી દે તો તેને ખાસ લાભો ગુજરાત સરકાર આપવા માંગે છે.

===============================

નેનોને અપાયેલ ઉપરોકત લાભ બાબત મંત્રીમંડળની નોંધ તથા નેનોને અપાયેલ ખાસ લાભ બાબત થયેલ જી.આર.ની નકલ (ગુજરાતી અને અંગ્રેજીમાં) માટે અહિં કલિક કરો.

===============================