Close

August 15, 2012

ભારત – આઝાદીના ૬પ વર્ષ

ભારતની આઝાદીના ૬પ વર્ષ પૂરા થયાં છે ત્‍યારે આપણે ગૌરવભેર આઝાદીના ૬પ વર્ષની અનેક સિધ્ધીઓની વાતો કરી શકીએ તેમ છીએ. કમનસીબે આપણા પૈકીના કેટલાંક લોકો નકારાત્મક નિરાશાજનક વાતો આપણા દેશની કરે છે. આ ૬પ વર્ષની આપણી લોકશાહીની કેટલીક ગૌરવ ગાથા બ્‍લોગમાં લખતાં મને ભારતીય તરીકે ગૌરવ થાય છે.

૧૯૪૭ પછી ભારતમાં બનેલી અનેક ઘટનાઓ પર નજર ફેરવીએ તો આપણને ખ્‍યાલ આવશે. છેલ્‍લાં ૬પ વર્ષમાં આપણા દેશે પ્રાપ્‍ત કરેલી કેટલીક સિધ્‍ધીઓ વિશ્વમાં અન્‍ય દેશોએ પ્રાપ્‍ત કરેલી સિધ્‍ધીઓથી અગ્રેસર છે. આપણને વારસામાં તાજમહેલ અને હિમાલય જેવા અભૂતપૂર્વ વારસા અનેક કુદરતી સમૃધ્ધી તથા શાનદાર સર્જનો તો પ્રાપ્‍ત થયા છે પરંતુ, આઝાદી પહેલાં ભારતમાંથી અનેક અમૂલ્‍ય વસ્‍તુઓ ઉઠાવી જવાની ઘટનાઓ પણ હતી. વિવિધ ધર્મો, જ્ઞાતિઓ, ભાષાઓ અને કુદરતી વિસંગતતાઓ હોવા છતાં વિવિધતામાં એકતાની એક અનેરી પ્રતિષ્‍ઠા ભારતની છે. દુનિયાના કોઈપણ દેશ કરતાં ભારતમાં સૌથી વધુ ભાષાઓ બોલાય છે. દેશમાં દસ લાખ કરતાં વધારે જનસંખ્‍યા જે ભાષા બોલતી હોય તેવી ભાષાઓ આપણા દેશમાં ર૯ કરતાં વધારે છે. આટલી બધી ભાષાઓ છતાં દેશમાં રાષ્‍ટ્રીય ભાવનાને ૬પ વર્ષના ગાળા દરમ્‍યાન ક્યારેય આંચ આવી નથી. કેનેડામાં ૧૯૬૦માં માત્ર બે ભાષા અંગેજી અને ફ્રેન્‍ચ બોલનારી વસ્‍તીની વચ્‍ચે ભાષાના મુદ્દે એવા ઝઘડા થયાં હતાં કે એ ટેન્‍શનમાંથી કેનેડાના લગભગ બે ભાગલાં પડી ગયાં, જ્યારે આપણે ગૌરવભેર કહી શકીએ તેમ છીએ કે, વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્‍કૃતિની આગવી પહેચાન છે. આપણા દેશમાં આજની તારીખે કુલ મળીને ૧૬પ૦ જેટલી જુદી જુદી બોલીઓ બોલાય છે. ગુજરાતીમાં તો એવું કહેવાય છે કે,આપણે ત્‍યાં બાર ગામે બોલી બદલાય.

આપણું રાષ્‍ટ્ર એક માત્ર એવું રાષ્‍ટ્ર છે કે, આઝાદી મળતાની સાથે જ પહેલાં દિવસથી પુખ્ય વયની દરેક વ્‍યક્તિને મતાધિકાર આપ્‍યો છે. અન્‍ય રાષ્‍ટ્રોની વાત કરીએ તો વિશ્વના બે નંબરની વિરાટ લોકશાહી રાષ્‍ટ્ર મનાતા અમેરિકાએ તેની આઝાદીના ૧પ૦ વર્ષ પછી આપણા ભારત જેવો મતાધિકાર આપ્‍યો હતો. આઝાદી સાથે તમામ પુ્ખ્ત વ્‍યક્તિને મતાધિકાર એ ભારતીય લોકશાહીની અજોડ સિધ્ધી છે. ભારતીય બંધારણનો મુસદ્દો એક દલિત વિદ્વાન ડો.બાબા સાહેબ આંબેડકરની અ્ધ્યક્ષતાવાળી સમિતિએ ઘડયો હતો. સ્‍વતંત્રતા મળ્યા બાદ ભારતે એકપણ ટીપું લોહી વહેવડાવ્યા વગર દેશમાં આવેલાં પ૬૦ નાના મોટા સ્‍વતંત્ર રજવાડાઓને વિલીનીકરણ દ્વારા એક રાષ્‍ટ્રમાં જોડ્યા હતાં. દુનિયાનું આપણું એક એવું રાષ્‍ટ્ર છે કે, જ્યાં બંદૂકની એકપણ ગોળી છોડ્યા વગર કે લોહીનું એક ટીંપુ પાડ્યા વગર પ૬૦ નાના મોટા રજવાડાઓ એક રાષ્‍ટ્રમાં ભળી શક્યાં.

ભારતની લોકશાહી એ પરિપક્વ અને તંદુરસ્‍ત લોકશાહી તરીકે વિશ્વમાં નામના મેળવી શકી છે. ભારતમાં લોકો દ્વારા જ દુનિયાની સૌથી મોટી લોકસભામાં કોઈપણ જાતના લોહીયાળ સંઘર્ષ વગર કે લોહીનું ટીપું પણ રેડાયા વગર લોકોના મતાધિકારના પ્રયોગ દ્વારા ૧પ વખત મોટા સત્તાના પરિવર્તનો થયા છે. આપણે ત્‍યાં વિવિધ સાંસ્‍કૃતિક જૂથોની સંખ્‍યા સૌથી વધારે છે અને દુનિયામાં વિવિધ સાંસ્‍કૃતિક જૂથોની બાબતમાં ભારત વિશ્વમાં મોખરે છે. વિવિધ જાતી અને કોમોનો વૈવિધ્યમાં પણ આપણો દેશ નંબર-૧ છે. આખા જગતમાં ચૂંટાયેલી વ્‍યક્તિઓનો આંકડો સૌથી વધારે આપણાં રાષ્‍ટ્રમાં છે. પંચાયતી રાજ્યનાં લોકશાહી સ્‍થાપનના કારણે જુદા જુદા સ્‍તરે લોકશાહી રીતે ચૂંટાયેલા લોકોની સંખ્‍યા આપણાં દેશમાં ૧૦ લાખ કરતાં પણ વધારે છે. સમગ્ર રાષ્‍ટ્રનું સુકાન એક સ્‍ત્રીના હાથમાં સોંપવાનું ગૌરવ પણ આપણા રાષ્‍ટ્રનું છે.

સમગ્ર વિશ્વમાં કોઇ એક વડાપ્રધાનને મીસ્‍ટર ક્લીન તરીકેનું બિરૂદ મળ્યું હોય તો તે ભારતના વડાપ્રધાન સ્‍વ.રાજીવ ગાંધી હતાં. દેશના યુવાન અને યુવા વડાપ્રધાન કે જેમણે પ્રવાસમાં રશિયા અને અમેરિકા જેવી બે મહાસત્તાઓને સંબોધન કર્યુ હોય તેને બોફોર્સમાં પૈસા ખાઇ ગયા છે તેમ કહીને બદનામ કરનારા તત્‍વોએ ઘણો અપપ્રચાર કર્યો હતો. અમારા હાથમાં સત્તા આપો તો આઠ દિવસમાં રાજીવ ગાંધીએ બોફોર્સમાં પૈસા ખાધા છે તેના પુરાવાઓ આપી દઇશું તેમ કહેનારા લોકોના હાથમાં આઠ દિવસ નહીં પરંતુ આઠ વર્ષ કરતાં વધુ સમય સુધી સત્તા રહી પરંતુ તેઓએ સ્‍વ.રાજીવ ગાંધીએ બોફોર્સમાં પૈસા ખાધા હોવાનો કોઇ પણ પુરાવો આપી શક્યા ન હતાં. ઉલ્‍ટાનું કાર‍ગીલના યુધ્‍ધમાં સામેલ સૈન્‍યના એક વડાએ પોતાના આર્ટિકલમાં લખ્યું હતું કે, કારગીલની ઉંચાઈ ઉપર એવી ઠંડી હતી કે કોઇ પણ હથિયાર ચાલતું ન હતું માત્ર બોફોર્સ ગન એક એ ઉંચાઇ અને એ ઠંડીમાં અમોને કામ આવી હતી. બોફોર્સ ગનના કારણે કારગીલનો વિજય થયો છે. આમ એક રાજીવ ગાંધી હતાં કે જેની દીર્ઘદ્રષ્ટિએ ખરીદેલી બોફોર્સ ગન દેશને વિજયી અપાવી શક્યો હતો.

આપણા રાષ્‍ટ્રની અનેક અભૂતપૂર્વ સીધ્ધીઓની યાદી કેટલાંક લેખકો અને ઈતિહાસની નોંધ લખનારાઓએ તૈયાર કરી છે તેને સંકલિત રીતે મારા બ્‍લોગ પર રજૂ કરતાં આનંદની લાગણી અનુભવુ છું.

૧.      કેવળ ભારતમાં જ સ્ત્રી ‘સ્પીકર’ તરીકે, રાષ્ટ્રપ્રમુખ તરીકે અને ચાર રાજ્યોમાં મુખ્ય પ્રધાન તરીકે તેમજ વિરોધ પક્ષની નેતા તરીકે રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવે છે.

ર.       ‘આણ્વિક બિન-પ્રસારણ કરાર’ (ન્યુક્લિયર નોન-પ્રોલિફરેશન ટ્રીટી) પર સહી કરવાનો સૈઘ્ધાંતિક રીતે ઈનકાર કરનારા વિશ્વનાં માત્ર ત્રણ રાષ્ટ્રોમાં ભારતનો સમાવેશ થયો છે.

૩.      સમગ્ર વિશ્વના બહિષ્કાર છતાં ભારતે જાતે કુશળતાપૂર્વક ન્યુક્લિયર ટેકનોલોજી વિકસાવી છે.

૪.      ભારત સૌથી સસ્તા ખર્ચે આણ્વિક ઊર્જા પેદા કરે છે. કિલોવોટદીઠ ૧૭૦૦ ડોલરનો ખર્ચ
થાય છે.

પ.      ભારત એકમાત્ર એવું રાષ્ટ્ર છે, જે થોરિયમ-આધારિત અણુ-ઊર્જા વિકસાવે છે.

૬.      દેશની અંદર સંદેશવ્યવહાર માટે સેટેલાઈટની સુવિધા ઊભી કરનારા દેશોમાં ભારત પહેલવહેલું રાષ્ટ્ર છે.

૭.      અવકાશમાં કમર્શિયલ સેટેલાઈટો સૌથી સસ્તી કિંમતે મૂકવામાં ભારત મોખરે છે.

૮.      આણ્વિક સબમરીન શરૂ કરનારા દુનિયાભરના માત્ર પાંચ દેશોમાં ભારતનું નામ છે.

૯.      ચંદ્ર પર માનવરહિત યાન મોકલનારાં પાંચ રાષ્ટ્રોમાં ભારતે સ્થાન મેળવ્યું છે.

૧૦.    સૌથી સસ્તા દરે સ્ટીલનું ઉત્પાદન ભારત કહે છે.

૧૧.    સૌથી સસ્તા ખર્ચે એલ્યુમિનિયમના ઉત્પાદનમાં ભારત મોખરે છે.

૧ર.    સસ્તામાં સસ્તા દરે સિમેન્ટ ભારતમાં બને છે.

૧૩.    સૌથી કિફાયત કિંમતે ફર્ટિલાઈઝરો પણ ભારતમાં જ પેદા કરાય છે.

૧૪.    ‘કોપર સ્મેલ્ટર’નું એકમાત્ર સૌથી મોટું મથક ભારત છે.

૧પ.    વાયરલેસ ટેલિફોનની સૌથી સસ્તી ડિલિવરી ભારતમાં થાય છે.

૧૬.    ટેલિ-કોમ્યુનિકેશનનું બજાર ભારતમાં સૌથી વઘુ ઝડપે થઈ રહ્યું છે.

૧૭.    મોબાઈલમાં સૌથી વઘુ ‘મિસ કોલ’નો ઉપયોગ ભારતીયો કરે છે.

૧૮.    દુનિયાનું સૌથી સસ્તું ‘સુપરકમ્પ્યુટર’ ભારત પાસે છે.

૧૯.    સૌથી સસ્તી (નેનો)કાર પહેલીવાર ભારતે બનાવી છે.

ર૦.    ટુ-વ્હીલર્સ વાહનો વિશ્વભરમાં સૌથી વઘુ ભારતમાં બને છે.

ર૧.    સૌથી ઓછા ખર્ચે ઉત્કૃષ્ટ કક્ષાની આંખની શાસ્ત્રક્રિયા કેવળ ભારતમાં ઉપલબ્ધ છે.

રર.     દરરોજ ‘મોતિયાનાં ઓપરેશનો’ની સંખ્યા ભારતમાં સૌથી વઘુ છે, જેનો ખર્ચ ઇંગ્લેન્ડ કરતાં માત્ર એક ટકા જેટલો છે.

ર૩.    એક જ સ્થળે આવેલી ‘ઓઈલ રિફાઈનરી’ની ક્ષમતામાં ભારત મોખરે છે. આ ક્ષમતા લગભગ ૭

કરોડ ટનની છે.

ર૪.    દૂધનું સૌથી વઘુ ઉત્પાદન ભારતમાં થાય છે. આ આંકડો દસ કરોડ ટનનો છે.

રપ.    વિશ્વની સૌથી વિરાટ દૂધ-ઉત્પાદક સહકારી મંડળી ભારતમાં છે, જેમાં ૨૬ લાખ સભ્યો છે.

ર૬.    માખણ (બટર)ના ઉત્પાદનમાં પણ ભારત પ્રથમ નંબરે છે.

ર૭.    કઠોળના સૌથી વઘુ ઉત્પાદન અને વપરાશકાર દેશોમાં ભારતે સ્થાન મેળવ્યું છે.

ર૮.    સાકરના ઉત્પાદનમાં ભારત આખી દુનિયામાં બીજા નંબરે છે.

ર૯.    રૂના ઉત્પાદનમાં ભારત ત્રીજા ક્રમે આવે છે.

૩૦.    સોનાની આયાત કરનારા દેશોમાં ભારત ટોચ પર છે. દર વરસે ૭૦૦ ટન સોનું આપણે ઈમ્પોર્ટ કરીએ છીએ.

૩૧.    સૌથી વઘુ સોનું ભારતમાં વપરાય છે.

૩ર.    દુનિયાભરમાં પોલિશ કરાતા અને ત્યાર પછીના ‘પ્રોસેસ’માંથી પસાર કરાતા તમામ હીરામાંના ૯૦ ટકા ડાયમન્ડ ભારતમાં તૈયાર થાય છે.

૩૩.    શેરબજારમાં લેવડદેવડના સૌથી વઘુ સોદા કરવામાં ભારતનું ‘સ્ટોક એક્સચેન્જ’ દુનિયામાં ત્રીજા નંબરે છે.

૩૪.    સૌથી વઘુ પોસ્ટ-ઓફિસો આપણા દેશમાં છે. આ સંખ્યા દોઢ લાખ જેટલી છે.

૩પ.    આપણા દેશમાં બેન્કના ખાતેદારોની સંખ્યા પણ સૌથી વધુ છે.

૩૬.    ખેતીવાડીના જમીનધારકો (એગ્રિકલ્ચરલ પ્લોટ-હોલ્ડર્સ)ની સંખ્યા પણ ભારતમાં સૌથી
વઘુ છે.

૩૭.    બિન-રહેવાસી (એન.આર.આઈ.) ભારતીયો દ્વારા ભારતમાં મોકલાતી રકમ સૌથી વઘુ છે. આ આંકડો પર (બાવન) અબજ ડોલર જેટલો છે.

૩૮.    દેશની અંદર (ઈન્ટ્રા-કન્ટ્રી) પરસ્પર ચુકવાતાં નાણાંનું પ્રમાણ પણ ભારતમાં સૌથી વઘુ છે.

૩૯.    ભારતમાં વિશ્વનું સૌથી વિરાટ રેલવે નેટવર્ક છે.

૪૦.    ભારતીય રેલવેતંત્રમાં વિશ્વની કોઈપણ કંપની કરતાં સૌથી વઘુ એટલે કે દોઢ કરોડ
કર્મચારીઓ છે.

૪૧.    રોજિંદા રેલવે મુસાફરોની સંખ્યા ભારતમાં સૌથી વઘુ છે.

૪ર.    દુનિયાનું બીજા નંબરનું સૌથી વિશાળ એરપોર્ટ દિલ્હીમાં આવેલું છે.

૪૩.    વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ બાંધનારા દેશોમાં ભારતે સ્થાન મેળવ્યું છે. આ પુલ લેહ નજીક બંધાયો છે.

૪૪.    વિશ્વનો સૌથી ઊંચો વાહન-રસ્તો ભારતમાં છે. ‘ખારડુંગ લા’ નામે ઓળખાતો આ રસ્તો ૫૬૦૦ મીટર ઊંચો છે.

૪પ.    ભારતમાં દર વરસે સૌથી વધારે ફિલ્મોનું નિર્માણ થાય છે.

૪૬.    ભારતની મઘ્યાન્હન-ભોજન (મિડ-ડે મીલ) યોજના દુનિયાની સૌથી મોટી સ્કૂલ-લંચ સ્કીમ છે, જેની હેઠળ દરરોજ ૧૨ કરોડ વિદ્યાર્થીઓને ભોજન અપાય છે.

૪૭.    ભારતની ‘રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના’ વિશ્વની સૌથી મોટી સરકારી યોજના છે.

૪૮.    ક્રિકેટની ટેસ્ટ મેચોમાં સૌથી વઘુ રન કરવામાં ભારત ત્રીજા નંબરે છે.

૪૯.    ભારતીય ક્રિકેટરોએ ટેસ્ટ મેચો અને વન-ડે ક્રિકેટમાં સૌથી વઘુ સેન્ચુરીઓ ફટકારી છે.

પ૦.    ભારતે ક્રિકેટમાં બબ્બે વખત ‘વિશ્વ-કપ’ જીત્યો છે.

પ૧.    જગતભરમાં સૌથી વિરાટ ધાર્મિક મેળો ભારતમાં ભરાય છે, જે ‘કુંભમેળા’ તરીકે જાણીતો છે. આ મેળામાં ૩ કરોડ શ્રદ્ધાળુઓ એકઠા થાય છે અને તેમાં કોઈ અણબનાવ કે દુર્ઘટના બનતી નથી.

પર.    ભારતમાં સ્વતંત્ર માલિકીનાં સૌથી વઘુ વર્તમાનપત્રો પ્રગટ થાય છે.

પ૩.    પ્લાસ્ટિકની નાનકડી થેલીઓ કે પાઉચ (સેશે) અને માઈક્રો-ફાઈનાન્સની ક્રાંતિનાં પગરણ સૌપ્રથમ ભારતમાં થયાં હતાં.

પ૪.    ‘માહિતી મેળવવાના અધિકાર’ (રાઈટ ટુ ઈન્ફર્મેશન)ને મૂળભૂત હકમાં સામેલ કરનારા ગણ્યાગાંઠ્યા દેશોમાં ભારતનો સમાવેશ થયો છે.

 …………………………………………………………………………………………………………………………………

…………………………………………………………………………………………………………………………………